ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩
રાષ્ટ્રધ્વજ જોઈ સડસડાટ ૧૯૫ દેશના નામ બોલતો જામનગરનો માત્ર ૪ વર્ષનો જીનિયસ બાળક હર્ષ પંડયા
આજના આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયા પર કલાકોનો સમય ગાળે છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો કલાકોની કલાકો મોબાઈલમાં વિતાવે છે. પરંતુ કેટલાક જીનીયસ બાળકો ઈન્ટરનેટનો યોગ્ય સદઉપયોગ કરીને અવનવું શીખતા રહે છે. જામનગરનો માત્ર ૪ વર્ષનો એક બાળક હર્ષ પંડયા તેની ઉંમર કરતા અનેકગણું જ્ઞાન ધરાવે છે. કોઈપણ દેશના નામ હોય કે તેના રાષ્ટ્રધ્વજ કે તેના પાટનગરના નામ સાથે તે સડસડાટ મોંઢે બોલી દે છે. આ સાથે તે ઈન્ટરનેટ પર દૈનિક કંઈક ને કંઈક નવુ પર શીખે છે.
જામનગરના પટેલ કોલોનીમાં રહેતા રોકાણના વ્યવસાય સાથે સંકળાયેલ ચિરાગ પંડયાનો ચાર વર્ષનો બાળક જેનું નામ હર્ષ પંડયા છે. સારા અભ્યાસુ કે હોંશિયાર લોકો પણ ના બોલી શકે તેટલી ઝડપ અને આટલા દેશના નામ મોઢે સટાસટ બોલે છે. જે ૧૯૫ દેશના રાષ્ટ્રધ્વજ જોઈને તે દેશના નામ અને તેના પાટનગરના નામ ત્વરીત બોલે છે. જે તેણે ઈન્ટરનેટની મદદથી શીખ્યુ છે.
હર્ષના માતા અવની પંડયા બી.કોમ, બીએડનો અભ્યાસ કરે છે. તેથી બાળકને અભ્યાસમાં હોશિયાર રહે તે માટે પ્રયત્નશીલ રહે છે. નાના બાળકો ઘરમાં કોઈ મોબાઈલ જોઈ તો તેમાં વીડિયો ગેમ અન્ય રીતે સમય પસાર કરતા હોય છે. હર્ષ પણ દોઢ વર્ષનો હતો, ત્યારથી મોબાઈલનો ઉપયોગ કરતો. પરંતુ તેમાં યુ-ટયુબ જોવાનું તેમજ ઉપયોગી માહિતી જોવાનો આગ્રહ વાલીએ રાખ્યો. બાળકને નાનપણથી ગ્રહ, તારામંડળ , આકાશ , આલ્ફાબેટ અક્ષરો, નંબરો વિષયના વિડીયો દેખાડતા. જે બાળકને પંસદ પડતા વારંવાર વીડિયો જુએ. તેથી તે અંગેનું જ્ઞાન મેળવ્યુ છે.
હર્ષ હાલ ૧૯૫ દેશના રાષ્ટ્રધ્વજ જોતા તે દેશનું નામ તેમજ તેનું પાટનગર મોઢે બોલે છે. સાથે તે ૧ થી ૧૦૦ તથા ૧૦૦ થી ૧ નંબર ઝડપી બોલી શકે છે. એટલે કે સીધા અને ઉલ્ટા નંબરો સટાસટ બોલે છે. એકી-બેકી નંબર પણ બોલી શકે છે. શાળામાં પ્રવેશ કર્યો નથી. માત્ર છ માસ નર્સરીમાં હર્ષ ગયો છે. પરંતુ ધોરણ ૩ના વિધાર્થી કરતા પણ સારી રીતે અંગ્રેજીના અક્ષરો લખી અને વાંચી શકે છે. તેનુ ઉચ્ચારણ પણ યુ-ટયુબ માંથી શિખ્યા હોવાથી વિદેશની શાળાના બાળકો જેવું છે.
હર્ષ દૈનિક ૨થી ૪ કલાક સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે અને જ્ઞાનનો ભંડાર લુંટે છે. નાનો બાળક હર્ષ જ્યારે રમે ત્યારે માટીથી ગ્રહ બનાવીને તે અંગે જાણકારી માતા પાસે મેળવે છે. તેને ગ્રહના નામ, તેના અંતર વિશે પણ સારી જાણકારી છે. નાના બાળકોને ઈન્ટરનેટનો સદઉપયોગ શીખડાવવામાં આવે તો બાળકો ટેકનોલોજીની મદદથી સદઉપયોગ કરીને જ્ઞાન મેળવી શકે છે.
ટિપ્પણીઓ