ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૪.૧૦.૨૦૨૨
પાલનપુર શહેરમાં નવી અંડરલાઇન વીજ લાઇન નાખી શહેરને વીજળીના થાંભલાઓથી મુક્ત કરાશે
ડિસેમ્બર-૨૦૨૨ના અંત સુધીમાં તમામ ખેડુતોને ખેતી વિષયક વીજ કનેક્શન આપી દેવાશે
પાલનપુર ખાતે ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને UGVCLને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી અને પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ અને શ્રી દિનેશભાઇ અનવાડીયા તથા ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીઓ દ્વારા પુછવામાં આવેલા UGVCL ને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પાલનપુર શહેર માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, આગામી તા. ૯ ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ આપણા દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પાલનપુર શહેરને નવી ભેટ આપવાના છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. દ્વારા રૂ. ૨૫ કરોડના ખર્ચથી પાલનપુર શહેરમાં નવી અંડરલાઇન વીજ લાઇન નાખી શહેરને વીજળીના થાંભલાઓથી મુક્ત કરાશે. તેમણે ઉમેર્યુ કે, ભારે વરસાદ કે પૂરની સીઝનમાં UGVCL ના કર્મચારીઓ પોતાની જાન ની પરવા કર્યા વિના જીવ ના જોખમે પાણીમાં ઉતરી થાંભલા પર ચડી કામ કરે છે. ગુજરાતનું વીજ મોડેલ સમગ્ર દેશમાં વખણાય છે. તેમણે કહ્યું કે, ડિસેમ્બર-૨૦૨૨ના અંત સુધીમાં તમામ ખેડુતોને ખેતી વિષયક વીજ કનેક્શન આપી દેવાશે. જેટકો દ્વારા ૩૮ જેટલાં નવા સબ સ્ટેશનો પ્રાયોરીટીના આધારે બનાવવાનું આયોજન છે.
આ બેઠકમાં થરાદ ખાતે નવીન ડીવીઝન ઓફિસ શરૂ કરવા, થરાદ તાલુકાના મલુપુર અને મોરથલ ગામે મંજુર થયેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવી, ખેતીવાડી વીજ કનેક્શનમાં લોડ વધારો કરી ડ્રીપ ઇરીગેશન માટે મોટર મુકી પાણી ખેંચવા બીજી મોટર ચલાવવાની મંજુરી આપવા, મલાણા ગામે ૬૬ કે.વી. સબ સ્ટેશન તાત્કાલિક ધોરણે ચાલુ કરવું, ખેતરમાં સિંગલ ફેજ લાઇટ રેગ્યુલર આપવી, નવી વીજ લાઇન નાખતી વખતે ખેતરોમાં ઓછું નુકશાન થાય તેનું ધ્યાન રાખવું, લોડ વધારો અને વીજ ટ્રાન્સ્ફોર્મર નાખવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલ, UGVCLના એમ.ડી. શ્રી પ્રભવ જોષી, નિવાસી અધિક કલેકટરશ્રી રીટાબેન પંડ્યા, મુખ્ય ઇજનેરશ્રી વી. એમ. શ્રોફ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી લાલજીભાઇ પ્રજાપતિ, શ્રી મોતીભાઇ પાળજા, શ્રી એલ. એ. ગઢવી, શ્રી અમરતભાઇ દેસાઇ, શ્રી મેરૂજી ધુંખ સહિત અધિકારીઓ-પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
________________________________
લોકનિકેતન, રતનપુર ખાતે પોકસો એક્ટ અવેરનેસ અંગે કાર્યક્ર્મ યોજાયો
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ - બનાસકાંઠા પાલનપુર અને યુનિસેફ (સોહાગ)ના સંયુક્ત ઉપક્રમે પોકસો એક્ટ અંતર્ગત અવેરનેસ કાર્યક્ર્મ રતનપુર લોકનિકેતન સંસ્થા ખાતે તા. ૦૩. ૧૦. ૨૦૨૨ના રોજ યોજાયો હતો જેમા ધો.૯ થી ધો.૧૨ માં અભ્યાસ કરતાં ૨૩૭ બાળકો અને બાળાઓને તેમજ સંસ્થાના ૧૯ શિક્ષકો અને સ્ટાફને પોક્સો એક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેકેટરી અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી. પી. શાહ દ્વારા કાયદો અને જાગૃતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ કીર્તિભાઇ પરમાર તેમજ વકીલ રજનીભાઇ પરમાર દ્વારા કાયદાકીય માળખું અને સજા વિશે તેમજ વકીલ પ્રકાશભાઈ ધારવા દ્વારા પોક્સો એક્ટ અન્વયે બનતી ઘટનાઓ અને સોશ્યલ મીડિયાથી સજાગ રહેવા અંગે સમજાવવામાં આવ્યું હતું. વકીલ દિનેશભાઈ મકવાણાએ બાળાઓને વ્યવહાર અને વર્તન ઓળખવાની સમજણ, રત્નાબેન ભાટિયાએ મહિલા સશક્તિકરણ અને કોમલબેન પટેલ દ્વારા ઘરેલુ બાબતો વિશે સમજવામાં આવ્યું હતું. શિબિરના અંતે બાળાઓએ શપથ લીઘી હતી કે અમે આવા અત્યાચારો સહીશું નહીં.
આ કાર્યક્રમની સફળતા માટે લોકનિકેતન સંસ્થાના હેમંતભાઈ જે પરમાર, અમૃતભાઈ બોચીયા, સુનિલભાઈ શર્મા, સુનિલભાઈ શાહ, હરિરામભાઈ તુવર, રીટાબેન લિંબાચિયા, ચેતનાબેન પરાડીયા, દિપીકાબેન પરમાર, ઈશ્વરભાઈ દેસાઈ અને પી. એલ.વી. રાકેશ રાવલે જહેમત ઉઠાવી હતી.
ટિપ્પણીઓ