ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૩.૧૦.૨૦૨૨

પગપાળા હજ યાત્રી શિહાબને વિઝા આપવાનો પાકિસ્તાનનો ઇનકાર

લુધિયાણા જુમ્મા મસ્જિદના શાહી ઈમામે પ્રેસ કોન્ફરન્સ કરી પાકિસ્તાન સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો


 

કેરળથી મક્કા સુધી પગપાળા હજ માટે જઈ રહેલા શિહાબ ચિત્તૂરને પાકિસ્તાન સરકારે તેમના દેશમાંથી પસાર થવાની પરવાનગી નકારી દીધી છે, એવું લુધિયાણા જુમ્મા મસ્જિદના શાહી ઈમામ મૌલાના મુહમ્મદ ઉસ્માન રહેમાની લુધિયાનવીએ રવિવારે મજલિસ અહરાર ઈસ્લામના મુખ્યાલયમાં જણાવ્યું હતું. શાહી ઈમામ મૌલાના ઉસ્માન લુધિયાનવીએ કહ્યું કે, શિહાબ ચિત્તૂર આ દિવસોમાં પંજાબમાંથી પસાર થઈ રહ્યા હતા, તેથી તેઓ ઘણી વખત તેમને મળ્યા હતા. દરમિયાન દિલ્હી સ્થિત પાકિસ્તાની દૂતાવાસે પગપાળા હજ યાત્રી શિહાબ ચિત્તૂર સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

 દિલ્હીમાં પાકિસ્તાનના દૂતાવાસે પહેલા શિહાબ ચિત્તુરને ખાતરી આપી હતી કે, તમે પગપાળા હજ યાત્રા શરૂ કરી દો, જ્યારે તમે ભારત-પાકિસ્તાન સરહદની નજીક પહોંચશો ત્યારે તમને પાકિસ્તાનના વિઝા આપવામાં આવશે, એ વખતે પાકિસ્તાની દૂતાવાસે એવો તર્ક રજૂ કર્યો હતો કે, અગાઉથી વિઝા આપી દઈશું તો તેની મુદ્દત વહેલી પૂરી થઈ જશે. જેથી શિહાબ ચિત્તૂરને બોર્ડર પર પહોંચતા જ વિઝા આપી દેવામાં આવશે.

શાહી ઈમામ પાકિસ્તાનના અધિકારીઓના વલણથી આશ્ચર્યચકિત થયા

 શાહી ઈમામે કહ્યું કે, જ્યારે શિહાબ ચિત્તૂર લગભગ ત્રણ હજાર કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને વાઘા બોર્ડરની નજીક પહોંચી ગયા છે, ત્યારે પાકિસ્તાન સરકારે હવે તેની આદત મુજબ વિઝા આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. પાકિસ્તાની અધિકારીઓના આ વલણથી આશ્ચર્ય થાય છે. છેતરપિંડી એ પાકિસ્તાનની જૂની આદત છે.  શાહી ઈમામે કહ્યું કે, ભારતના મુસ્લિમો ક્યારેય પાકિસ્તાન સરકાર પાસેથી કંઈ ઈચ્છતા નથી, ૭૫ વર્ષમાં પહેલીવાર જ્યારે કોઈ ભારતીય મુસ્લિમ પગપાળા હજ માટે મક્કા શરીફ જઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાન તેને પોતાની જમીન ઉપરથી પસાર થવા દેવા પણ નથી ઈચ્છતું.

શાહી ઈમામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલ દ્વારા પત્ર પાઠવ્યો

 આખરે, પાકિસ્તાન સરકાર શિહાબ ચિત્તૂરને માત્ર એટલા માટે ટ્રાન્ઝિટ વિઝા નથી આપી રહી કેમ કે તે ભારતીય મુસ્લિમ છે? શાહી ઈમામે કહ્યું કે, પાકિસ્તાન સરકારને શરમ આવવી જોઈએ, જે દેશ આખી દુનિયામાં ઈસ્લામના નામે બડાઈ કરી રહ્યો છે તે દેશ શિહાબ ચિત્તૂરની હજ યાત્રાના માર્ગમાં અવરોધ ઉભો કરી રહ્યો છે.  મૌલાના ઉસ્માને જણાવ્યું કે, તેમણે આ વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલ દ્વારા પત્ર લખ્યો છે અને માંગણી કરી છે કે, ભારત સરકાર શિહાબ ચિત્તૂરને પાકિસ્તાનને બદલે ચીનના રસ્તે મક્કા જવા માટે મદદ કરે, જેથી સમગ્ર દુનિયાના ઈસ્લામિક રાષ્ટ્રો સામે પાકિસ્તાનનો બેવડો ચહેરો બેનકાબ થઇ શકે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ