ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૨.૧૦.૨૦૨૨

બનાસ ડેરી આધુનિકરણના માર્ગે: છાણ ઉપાડવા રોબોટ અને દૂધ ભરાવવા ડ્રોન ટેકનોલોજી અપનાવશે


બનાસ ડેરી બની વિશ્વની પ્રથમ ઈ-ડેરી, કાગળ છોડીને તમામ કામગીરી કમ્પ્યુટર ઉપર કરાઈ

બનાસ ડેરી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી થકી ૫૦ થી ૬૦ લીટર દૂધ આપતી કાંકરેજ ગાયની સંતતિ પેદા કરશે

બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા થરાદ તાલુકાના મોટામેસરા ગામે ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ચેરમેનશ્રીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીના ભવિષ્યના પ્લાનિંગ અંગે જણાવ્યું હતું. થરાદ તાલુકાના અલગ અલગ ગામોમાંથી વિશાળ સંખ્યામાં પશુપાલક મહિલાઓ અને ખેડૂતોએ હાજરી આપી હતી.

તાજેતરમાં બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં બનાસ ડેરી દ્વારા દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પશુપાલન, ખેતી અને ડેરીને લગતા અલગ અલગ વિષયો પર સવિસ્તાર ચર્ચા કરીને જાગૃતિ ફેલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોટામેસરા ગામે આયોજિત કાર્યક્રમમાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિશ્વમાં બનાસ ડેરી જ એક માત્ર પ્રથમ એવી ડેરી છે જે ઇ ડેરી બની છે.પહેલા બનાસ ડેરી પોતાની કામગીરી કાગળનો ઉપર કરતી હતી, પરંતુ હવે બનાસ ડેરી પોતાની તમામ કામગીરી કમ્પ્યુટરમાં કરે છે એટલે તે ઇ -ડેરી બની ગઈ છે. તે ઉપરાંતુ તેમણે જણાવ્યું હતું કે હાલમાં બનાસની બહેનો ગોબરને હાથથી ઉપાડે છે, પરંતુ બનાસ ડેરી એક એવા રોબોટની ટેકનોલોજી પર કામ કરી રહી છે, જે ગોબર ઉઠાવશે અને એકઠું કરશે. તે સાથે બનાસ ડેરી પ્રતિ કિલોએ છાણનો 1 રૂપિયો આપે છે, તેનો ભાવ પણ વધારશે.

ચેરમેન શંકરભાઇ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગે ચાલીને બનાસ ડેરીમાં ટેક્નોલાજીનો વધુને વધુ ઉપયોગ કરીને આધુનિકરણ થકી પશુપાલકો અને ખેડૂતોને સમૃદ્ધ અને તેમના વ્યવસાયને સરળ બનાવવાના પ્રયાસ કરે છે. એજ દિશામાં વાત કરતા તેમણે કહ્યું હતું  કે પશુપાલકો દૂધ ભરાવવા માટે દૂધ મંડળીએ જાય છે, પણ બનાસ ડેરી એવી ડ્રોન ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે કે, પશુપાલક પોતાના ફોન થકી ડ્રોનને હેન્ડલ કરશે, ડ્રોનમાં દૂધ રાખીને દૂધ મંડળીએ ભરાવી શકશે.એ સાથે ગૌમૂત્ર પર રિસર્ચ કરાઈ રહ્યું છે, તેમાં વેલ્યુ એડીશન કરીને તેને માર્કેટમાં મુકવામાં આવશે, જેના દ્વારા પશુપાલકોને આવક મળતી થશે. ગાયનું ઝરણ ઘણીબધી રીતે ઉપયોગી છે, જે સાબિત પણ થઈ ગયું છે. આ નવતર પ્રયોગમાં જાપાનની સુઝુકી કંપનીએ પણ રસ દાખવ્યો છે, એવું ચેરમેનશ્રી એ જણાવ્યું હતું.

તાજેતરમાં બનાસ ડેરીના ચેરમેનશ્રી, નિયામક મંડળ અને NDDB ના ચેરમેનશ્રી બ્રાઝિલની મુલાકાતે ગયા હતા. બ્રાઝીલ દેશે વર્ષો પહેલા આપણી ધરોહર સમાન કાંકરેજ અને ગીર ગાયોને લઇ જઈ તેનું સંવર્ધન કરી વિશ્વમાં વધુ દૂધ આપતી જાતો પેદા કરીને દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે ત્યારે  આ વધુ દૂધ આપતી કાંકરેજ અને ગીર ગાયોની સંતતિને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીની મદદથી બનાસકાંઠામાં લાવી ઉત્કૃષ્ટ ઓલાદોમાં વધારો તેમજ ગૌવંશ સુધારણા કરવાનો પ્રયાસ આગામી સમયમાં બનાસડેરી દ્વારા કરવામાં આવશે, એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીની મદદથી જન્મેલી ગાયની કિંમત 2 લાખ રૂપિયા હશે. જેના કારણે બનાસકાંઠાના પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરતા થશે અને આર્થિકરીતે વધુ મજબૂત બનશે.

આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય પરબતભાઇ પટેલ, બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા સાથે અન્ય ગામના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યાં હતાં.
________________________________

વડગામ તાલુકાના બાવલચુડી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો


તસવીર: યાકુબ બિહારી

વડગામ તાલુકાના બાવલચુડી ગામે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ મામલતદાર એચ. એમ. અમીનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં બાવલચુડી, વરસડા, મગરવાડા, ટીંબાચુડી, કોદરાલી, વેસા, એદરાણા માલોસણા, નાવીસણા, નળાસર જેવા ગામોના અરજદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગો દ્વારા આવક અને જાતિના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ કાઢવાની કામગીરી સાથે આરોગ્ય સેવાની વિવિધ યોજનાઓની માહિતી આપી લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના અધિકારીઓ, જે તે ગામના સરપંચ અને તલાટીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બાવલચુડી ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ ચૌહાણ તેમજ સભ્યો અને તલાટી આશિષભાઈ ચૌધરી દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
________________________________

વડગામ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરના સુપુત્રના પ્રથમ જન્મદિન નિમિત્તે જરૂરિયાતમંદ એચઆઇવીગ્રસ્ત લોકોને રેશનિંગ કીટ આપી જન્મદિનની અનોખી ઉજવણી કરાઈ


તસવીર: યાકુબ બિહારી

વડગામ બ્લોક હેલ્થ ઓફિસ ખાતે ફરજ બજાવતા તાલુકા હેલ્થ ઓફિસર પ્રકાશભાઈ ચૌધરીના સુપુત્ર હેયાન્સના પ્રથમ જન્મદિન નિમિત્તે બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા વડગામ બનાસ એન. પી. પ્લસ અને વિહાન પ્રોજેક્ટના સહયોગથી જરૂરિયાતમંદ એચઆઇવીગ્રસ્ત લોકોને રેશનિંગ કીટ આપી જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્લોક હેલ્થ ઓફિસર પ્રકાશભાઈ ચૌધરી, હર્ષિદાબેન ચૌધરી, તાલુકા સુપરવાઈઝર લક્ષ્મણભાઈ લીંબાચીયા, નરેન્દ્રભાઈ ચૌધરી, ડો. પાર્થ પટેલ, બાબુભાઈ, છાપી વેપારી એસો.ના પ્રમુખ સુરેશભાઈ અગ્રવાલ અને કનુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ કોઓર્ડિનેટર વિહાન મફાજી ઠાકોર અને હેલ્થ પ્રમોટર અરૂણાબેન નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
________________________________

બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત વિવિધ થીમ આધારીત યોજનાકીય માહિતી અપાઇ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૦૮ માર્ચ-૨૦૧૮ ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. પોષણ અભિયાનને જન આંદોલન સ્વરૂપ આપી ઝુંબેશ સ્વરૂપે પોષણને લગતા સંદેશાઓનો પ્રચાર- પ્રસાર થાય તે હેતુથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં “રાષ્ટ્રીય પોષણ માસ’’ ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલું છે.

પોષણ માસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરની સુચનાથી પોષણ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ સપ્ટેમ્બર માસ દરમ્યાન યોજવામાં આવી હતી. જેમાં ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતા પદયાત્રીઓને પોષણ શપથ અને યોજનાકીય માહિતી તથા જુદા જુદા તાલુકામાં શાળા અને કોલેજમાં પોષણ શપથ વાનગી હરિફાઇ, મહેંદી સ્પર્ધા, હેન્ડવોશ, સ્ટેપ રેલી તથા પોષણ પંચાયત અને અતિકુપોષિત બાળકોને પોષણ કીટ આપવામાં આવી હતી તેમજ વિભાગની યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. આ સમ્રગ કાર્યક્રમનું રીર્પોટીંગ આઇ.સી.ડી.એસ.ના પોષણ અભિયાનના DC હરિઓમભાઇ વાળંદ D.P.A ગૌતમ ઇલોળીયા દ્વારા કરવામાં આવ્યું હતું. 
________________________________

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા દિવ્યાંગ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

વર્ષ-૨૦૨૨ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ (૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા (૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસ્મેન્ટ ઓફીસર્સ દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો અત્રેના ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુરથી "વિનામૂલ્યે" મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપૂરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો સામેલ કરવાના રહેશે.

ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં રોજગાર વિનિમય કચેરી પાલનપુરને રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવાની છેલ્લી તારીખ તા.૧૯/૧૦/૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ છે. અધુરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે જરૂર જણાય તો જિલ્લા રોજગાર કચેરી પાલનપુરનો સંપર્ક સાધવા રોજગાર અધિકારી (જનરલ) પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
________________________________

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા.૧૭/૧૦/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન ડાંગર માટે ૯૮, મકાઇ માટે ૬૭ અને બાજરી માટે ૮૯ જેટલા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. ના ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૦૪૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ, મકાઇ માટે રૂ. ૧૯૬૨/- પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૨ થી શરૂ થશે. જે તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી ચાલુ રહેશે જે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ૭-૧૨, ૮-અ ની નકલ, નમુના ૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના બેન્ક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ (IFSC કોડ સહિતનો) સાથે લાવવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમા ભેજનું પ્રમાણ નિયતમર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી તેમ નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-2) ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
________________________________

દાંતીવાડા 93 BSF બટાલિયન દ્વારા વૃક્ષારોપણ અને ઝઝામ માધ્યમિક શાળામાં ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


દાંતીવાડા 93 BSF બટાલિયન દ્વારા બનાસકાંઠા જિલ્લાના કુડા ગામમાં વૃક્ષારોપણ અને સાંતલપુર તાલુકાના ઝઝામ માધ્યમિક શાળામાં ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં કંપની કમાન્ડરશ્રી રાજેશકુમાર મોર્ય, આચાર્યશ્રી વિનોદભાઇ ચૌધરી સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા ૫૦૦ જેટલાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ઝઝામ માધ્યમિક શાળામાં યોજાયેલ ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ચિલ્કા ચૌધરી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત 93 BSF બટાલિયનના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ