ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૦.૧૦.૨૦૨૨

પાલનપુર નગરપાલિકાએ વરસાદ બાદ પડેલા ખાડા પુરવાની સાથે...

ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે તોડેલા રસ્તાઓનું સમારકામ તાકીદે કરાવવું જરૂરી

       
        (નગરપાલિકા દ્વારા તૂટેલા રસ્તા ઉપર આવી રીતે મેટલ પાથરીને અવારનવાર ઢાંકપિછોડો કરવામાં આવે છે)

કોટ વિસ્તારમાં વોર્ડ નંબર ૪ સહિત અનેક વોર્ડમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન બે વર્ષ અગાઉ તોડેલા રસ્તા હજુ એવાને એવા તૂટેલા અને ખાડાવાળા છે

પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇ આ રસ્તાઓનું તાત્કાલિક અસરથી સમારકામ કરાવી લોકોની હાલાકી દૂર કરે તેવી માંગ

પાલનપુર નગરપાલિકામાં પાલનપુર શહેરમાં વરસાદ બાદ પડેલા ખાડા પૂરવા માટે પાલનપુર નગરપાલિકામાં રૂપિયા એક કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે ત્યારે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા આ કામગીરીની સાથે પાલનપુર શહેરના વોર્ડ નંબર ચાર સહિત અનેક વોર્ડમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે જે રસ્તા તોડીને રમણ ભમણ સ્થિતિમાં છોડી મૂક્યા છે એ ખાડાવાળા રસ્તાઓનું સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે કોટ વિસ્તારમાં અનેક જગ્યાએ રસ્તાઓ તોડીને કામ કર્યા બાદ જેમ તેમ ખાડા પુરીને રસ્તાઓ યથાવત છોડી મૂક્યા છે. આ બાબતે નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં ભૂગર્ભ ગટરની કામગીરી જીયુડીસી દ્વારા કરવામાં આવેલ હોય નગરપાલિકાએ આ તૂટેલા રસ્તાઓનું સમારકામ છેલ્લા બે વર્ષથી કરાવેલ નથી અને આ બાબતે કોન્ટ્રાક્ટરને પણ કંઈ કહ્યું નથી. પરિણામે છેલ્લા બે વર્ષથી કોટ વિસ્તારના અનેક મોહલ્લાઓ અને શેરીઓમાં લોકોને તૂટેલા અને ખાડા ટેકરાવાળા રસ્તા ઉપર ચાલવું પડે છે. જેના કારણે નાના બાળકો, વયોવૃદ્ધ વ્યક્તિ સહિત સૌ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ સાયકલ, બાઇક અને રીક્ષા જેવા વાહનોના ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે. આ રસ્તાઓ ઉપરથી પસાર થતાં અનેક વાહનોના ટાયર આ તૂટેલા રસ્તા પર ફસાઈ ગયા હોવાના બનાવો પણ બન્યા છે ત્યારે નગરપાલિકામાં વરસાદ બાદ પડેલા ખાડા પૂરવા માટેની રૂપિયા એક કરોડની જે ગ્રાન્ટ આવી છે એની અંદર જોગવાઈ કરીને અથવા તો અન્ય ગ્રાન્ટમાંથી પણ જોગવાઈ કરીને વોર્ડ નંબર ચાર સહિત અનેક વોર્ડમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર દ્વારા તોડીને યથાવત છોડી મૂકવામાં આવેલા તૂટેલા અને ખાડા ટેકરાવાળા રસ્તાઓનું યુદ્ધના ધોરણે પ્રાથમિકતા આપીને સમારકામ કરાવવામાં આવે તે જરૂરી છે. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે સ્થાનિક લોકોની હાલાકીનો અનુભવ કરવા માટે કોટ વિસ્તારના જૂના દાયરા, નાની બજાર, કમાલપુરા રોડ વિગેરે વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને આ વિસ્તારની સમસ્યાનો તાદ્રશ્ય અનુભવ કરીને સત્વરે તૂટેલા રસ્તાઓના સમારકામની કામગીરી કરાવવી જોઈએ એવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે.
________________________________

પાલનપુરમાં ઓડ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

પાલનપુરમાં જ્યોર્જ ફિફ્થ ક્લબ ગ્રાઉન્ડ ખાતે તા. ૮ અને ૯.૧૦.૨૦૨૨ દરમ્યાન પ્રવીણકુમાર બી. ઓડ દ્વારા ન્યુ એરા ઓડ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ફાઈનલ મેચમાં ઇલેવન ટી ઇલેવનનો વિજય થતા આયોજક પ્રવીણકુમાર બી. ઓડ દ્વારા વિજેતા ટીમના કપ્તાનને ઇનામી રકમ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ