ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૧.૧૦.૨૦૨૨

સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત તેમજ ૮૬૩૩ આવાસોનું ખાતમુહૂર્ત અને ૫૩૧૭૨ આવાસોનું લોકાર્પણ કરાવ્યું


દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા પરથી અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી હતી. શ્રી મોદીએ કેન્દ્ર સરકારના રૂ.૪૭૩૧ કરોડ તેમજ રાજ્ય સરકારના રૂ.૨૧૭૭ કરોડ મળી કુલ રૂ.૬૯૦૯ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને રાજ્યના નાગરિકો ઉપર વિકાસ કાર્યોની ભેટ વરસાવી હતી. જેમાં જનસુવિધાલક્ષી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત તેમજ ૮૬૩૩ આવાસોનું ખાતમુહૂર્ત અને ૫૩૧૭૨ આવાસોના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે.


બનાસકાંઠાની વિકાસયાત્રાનું વિઝન રજૂ કરતા શ્રી મોદીએ કહ્યું કે, છેલ્લા બે દાયકાના સતત પ્રયાસોને કારણે બનાસકાંઠાનું ચિત્ર ખૂબ બદલાયું છે. આ પરિસ્થિતિ બદલવામાં નર્મદાના નીર, સુજલામ-સુફલામ અને ટપક સિંચાઈએ મોટી ભૂમિકા ભજવી છે. એટલું જ નહિ, આગામી સમયમાં ધરોઈ ડેમથી લઈ અંબાજી સુધીનો સમગ્ર બેલ્ટ વિકસિત કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારા દિવસોમાં અંબાજી આવતા પ્રવાસીઓએ અહીં બે-ત્રણ દિવસ રોકાવું પડે તેટલા વિકાસ કાર્યો હાથ ધરવા છે. તો બીજી તરફ અંબાજી આવતા દર્શનાર્થીઓ-પર્યટકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ આ પંથકમાં ફરવું પડે તેવો આ યાત્રાધામનો વિકાસ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. તે ઉપરાંત આગામી સમયમાં અહી વિશેષ કિસાન રેલ પણ ચાલશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું કામ પણ મા અંબાએ મારા ભાગ્યમાં લખ્યુ હશે તેમ કહીને શ્રી મોદીએ ઉમેર્યું કે, આ પરિયોજનાની જરૂરત કેટલી છે એ અંગ્રેજો પણ જાણતા હતા. ૧૦૦ વર્ષ પહેલા અંગ્રેજોએ તેની ડિઝાઇન તૈયાર કરીને આ વિસ્તારમાં રેલ લાઈન બનાવવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત મુખ્યમંત્રી પદ પર બેસીને આ રેલ લાઇન માટે ખુબ વિનંતી કરી હોવા છતાં તેને મંજૂર કરવામાં આવી ન હતી. હવે આ રેલ લાઈન અને અંબાજી બાયપાસ બનવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ તો આવશે જ, સાથોસાથ મારબલ, ડેરી સહિતના બનાસકાંઠા અને આસપાસના તમામ ઉદ્યોગોને પણ વેગ મળશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પાલીતાણાની જેમ તારંગા પણ પ્રખ્યાત પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે. 

આગામી ૨૫ વર્ષમાં હિન્દુસ્તાનને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેતા વડાપ્રધાન શ્રી મોદીએ કહ્યું કે, વિશ્વભરનાં લોકોનું ભારત દેશ ઉપર આકર્ષણ ખૂબ વધ્યું છે. દેશમાં ખૂણે ખૂણે થઈ રહેલા વિકાસને અવિરત આગળ વધારતા રહીશું અને સૌને સાથે રાખીને સૌનો વિકાસ કરીશું. આગામી ૨૫ વર્ષમાં દેશને વિકસિત બનાવવાની તક સૌ નાગરિકોના આશીર્વાદથી મળતી રહેશે તેઓ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ તહેવારોની સિઝનમાં ગરીબ પરિવારની બહેનોને તેમનું રસોડું ચલાવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે મફત રાશનની યોજના લંબાવી છે. દેશના 80 કરોડથી વધુ સાથીઓને મુશ્કેલીના સમયમાં રાહત આપતી આ યોજના પર કેન્દ્ર સરકાર લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. શૌચાલય હોય, ગેસ કનેક્શન હોય, દરેક ઘર હોય, પાણી હોય, જનધન ખાતા હોય કે મુદ્રા યોજના હેઠળ ગેરંટી વગરની લોન હોય, કેન્દ્ર સરકારની દરેક મોટી યોજનાના કેન્દ્રમાં દેશની મહિલા શક્તિ હોય છે. 

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશભરના ૩ કરોડ લાભાર્થીઓને ઘર આપવામાં આવ્યા છે તેમજ ગુજરાતમાં પણ દોઢ લાખ આવાસો લાભાર્થીઓને ફળવાયા છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને વડાપ્રધાનશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે તેમણે સ્ત્રી સશક્તિકરણ અને નારી ગૌરવ, નારી મહત્વ તેમજ નારી સન્માનની ભારતની પરંપરાને યાદ કરી દુનિયાભરમાં પુત્ર સાથે પિતાનું નામ જોડાય છે જયારે ભારતમાં વીર પુરુષો સાથે નારીનું માતાનું નામ જોડાય છે એમ જણાવી ભગવાન કૃષ્ણનું નામ દેવકીનંદન અને અર્જુનનું કુંતી પુત્ર અને હનુમાનજીનું અંજનિપુત્ર હોવાનું જણાવી નારી મહિમાને વંદન કર્યા હતા.


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે નવલી નવરાત્રીના પાંચમા નોરતે આદ્યશક્તિ મા અંબાના ધામથી ગુજરાતને રૂ. ૬,૯૦૦ કરોડના વિકાસકામોની ભેટ આપી છે. જેનાથી ગુજરાતમાં વિકાસ કાર્યોની ગતિ અને સરકારની સંકલ્પશક્તિ બન્ને ઉજાગર થઇ છે. તેમણે કહ્યું હતું કે ભારતભરમાં ‘અંત્યોદયથી સર્વોદય'નો વિચાર મૂર્તિમંત કરનારા વિકાસપુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઇએ જનકલ્યાણના આપણા સંકલ્પને નવી શક્તિ-નવી ઊર્જા પ્રદાન કરી છે. દેશના રોલમોડેલ સ્ટેટ ગુજરાતના વિકાસનું વટવૃક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના પરસેવાથી સિંચ્યું છે. એમાંય છેલ્લા ૮ વર્ષથી તો ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે.
________________________________

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આરસમાંથી નકશીકામ કરેલ કલ્પવૃક્ષની ભેટ અર્પણ કરી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગુજરાતને અનેકવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. નરેન્દ્ર મોદીએ આજે શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો. અંબાજી ખાતે યોજાયેલી સભામાં નરેન્દ્ર મોદીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ખાસ કલ્પવૃક્ષની ભેટ અર્પણ કરી હતી. કલ્પવૃક્ષ આરસના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ કલ્પવૃક્ષ સાપ્તી (સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ - SAPTI) સંસ્થા સાથે જોડાયેલ શિલ્પકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આ કલ્પવૃક્ષ બનાવવામાં આવ્યું છે.
________________________________

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા

બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા આદ્યશક્તિ મા અંબાના ઉપાસક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આસો સુદ નવરાત્રિના પાંચમાં નોરતે અંબાજી ખાતેથી વિવિધ પ્રકલ્પો - યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં સામાન્ય દર્શનાર્થીઓ જે માર્ગે જાય છે તે શક્તિ દ્વાર પ્રવેશ કરી જગદંબાના દર્શન કર્યા હતા. મંદિરમાં આદ્યશક્તિના ચરણોમાં શીશ ઝુકાવી વડાપ્રધાનશ્રીએ દર્શન-અર્ચન કર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાનશ્રીએ ગબ્બર ખાતે યોજાયેલી મહાઆરતીમાં ભાગ લીધો હતો. મહાઆરતી પ્રસંગે એક સાથે હજારો દીવડાઓ પ્રજ્વવલિત થતાં સમગ્ર ગબ્બર પરિસર દૈદીપ્યમાન થઈ ઉઠ્યું હતું અને ગબ્બર તળેટીમાં ભક્તિમય માહોલ જામ્યો હતો.

જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર દેશના ૫૧ શક્તિપીઠમા આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાતું જગતજનની જગદંબાનુ પવિત્ર અને પ્રાચીન તીર્થસ્થળ છે. મા અંબાના પરમ ભક્ત વડાપ્રધાન શ્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ મંદિરે દર્શન કરવા જતાં હતા.
________________________________


ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ