ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૩૦.૦૯.૨૦૨૨

વડાપ્રધાનશ્રીને આવકારવા યાત્રાધામ અંબાજીએ નવા કલેવર ધારણ કર્યાઃ શક્તિપીઠ સર્કલથી ગબ્બર સુધી રંગબેરંગી રોશનીથી  સર્જાયો અદ્દભૂત નજારો


અંબાજીમાં ઉજવણીનો માહોલઃ અંબાજી ગબ્બર રોડ પર કલાત્મક શિલ્પો ગોઠવી સુંદર રોશનીની સજાવટથી અંબાજી નયનરમ્ય બન્યું


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૩૦ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારી વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે ત્યારે વડાપ્રધાનશ્રીને આવકારવા યાત્રાધામ અંબાજીએ નવા કલેવર ધારણ કર્યા છે. અંબાજી શક્તિપીઠ સર્કલથી ગબ્બર મહાઆરતીમાં જવાના રસ્તા પર રંગબેરંગી રોશનીથી અદ્દભૂત નજારો સર્જાયો છે. હાલ આદ્યશક્તિ મા અંબા ની આરાધનાનું નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે શક્તિના ઉપાસક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી મા અંબા ના દર્શન પણ કરવાના છે. મા અંબાના દર્શન કરી વડાપ્રધાનશ્રી ગબ્બર પર્વત ખાતે યોજાનાર મહાઆરતીમાં ભાગ લેવાના છે ત્યારે અંબાજીમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. અંબાજી ગબ્બર રોડ પર શિલ્પોત્સવ દરમ્યાન સાપ્તિેના શિલ્પકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ કલાત્મક શિલ્પો ગોઠવીને સુંદર રોશનીની સજાવટથી અંબાજીની વનરાજી પણ નયનરમ્ય બની છે.


શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માતાજીના મંદિરમાં પ્રવેશવાના શક્તિદ્વાર થી માંડી માં અંબાના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે. રોશનીનો આવો ઝગમગાટ ક્યાંય જોયો નથી, પૂનમનો પમરાટ, થાકનો થનગનાટ ક્યાંય જોયો નથી. ગુજરાત તો ઉત્સવો, પર્વો અને મેળાઓની ભૂમિ છે, પરંતુ એમાંય અંબાજી શક્તિપીઠની વાત જ ન્યારી છે કેમ કે, અહીં માનું હૃદય બિરાજમાન છે અને એટલે જ દૂર સુદૂર હજારો કિલોમીટરથી માઇભક્તો માના દર્શન કરવાનો થનગનાટ અનુભવે છે. આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થાય ત્યારે શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરે છે જેની અનુભૂતિ રાત્રિ દરમિયાન કરવામાં આવેલી રોશનીમાં તાદ્રશ્ય થઇ રહી છે અને એટલે જ સુવર્ણ મંડીત મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે. અવનવી રંગબેરંગી રોશની જયારે માના ચાચર ચોકમાં પથરાય છે ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતાને રોમાંચકતાનો અનુભવ કરે છે.
_____________________________________________

વડાપ્રધાનશ્રી ગૌ માતા-ગૌ વંશના નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે, શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરશે.

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુ તરીકેના અપાયેલા પૂજનીય સ્થાન અને મહત્વને ઉજાગર કરતી યોજના છે.

રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના ૨૦૨૨-૨૩ના બજેટમાં જાહેર કરી છે.

વડાપ્રધાનશ્રી આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને  સહાયની રકમ અર્પણ કરશે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ