ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૯.૦૯.૨૦૨૨
વિરમપુર લોકનિકેતન આશ્રમશાળામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ
બાળકોમાં સ્વચ્છતાના ગુણો કેળવાય તે માટે દૂધના ખાલી પાઉચને ફેંકી દેવાના બદલે એકત્રિત કરી રિસાયકલિંગમાં આપી દેવાની શાળાની અનોખી પહેલ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુરની લોકનિકેતન આશ્રમશાળામાં દૂધ સંજીવની યોજનાના અમલીકરણની સાથે સાથે પ્લાસ્ટિકના રિસાયકલિંગની અનોખી પહેલ થકી પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પ્રેરણા આપવાનું પ્રેરણાદાયી કામ થઇ રહ્યું છે. ગાંધી મૂલ્યોને વરેલી લોકનિકેતન વિરમપુર આશ્રમશાળામાં દૂધ સંજીવની યોજના હેઠળ આપવામાં આવતા દૂધના ખાલી પાઉંચને ફેંકી દેવાના બદલે વ્યવસ્થિત રીતે એકત્ર કરવામાં આવે છે અને આ ખાલી પાઉચને પ્લાસ્ટિકના રિસાયકલિંગમાં ઉપયોગમાં લેવાય એ રીતે વેચાણ કરવામાં આવે છે. બાળકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની સજાગતા સાથે સ્વચ્છતા જાળવણીના સંસ્કારો બચપણથી મળી રહે એ માટેની આ વ્યવસ્થા અન્ય શાળાઓ માટે પણ અનુકરણીય પહેલ અને પ્રેરણારૂપ બની રહી છે.
ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિવાળીબેન પનાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, દૂધ સંજીવની હેઠળ આપવામાં આવતું દૂધ ખૂબ સારું આવે છે. આનાથી અમારા આદિજાતિ વિસ્તારના બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. હાજરીમાં નિયમિતતા આવી છે. ભવિષ્યમાં પણ આ યોજના ચાલુ રહે એવી સરકાર સમક્ષ અપેક્ષા રાખીએ છીએ એમ જણાવી સરકારનો અને આદિજાતિ વિકાસ વિભાગનો આભાર માન્યો હતો.
ધોરણ-૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સચિને જણાવ્યું હતું કે, દૂધ પીધા પછી અમે ખાલી થેલી ધોઈને એક જગ્યાએ મૂકી દઈએ છીએ. જેથી શાળામાં કચરો થતો નથી અને સ્વચ્છતા જળવાઈ રહે છે.
વિરમપુર લોકનિકેતન આશ્રમ શાળાના આચાર્યશ્રી કાનજીભાઈ વાઘેલાએ જણાવ્યું કે, બાળકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે દૂધ સંજીવની યોજનાનો અસરકારક અમલ શાળામાં કરાવ્યો છે. સાથે સાથે બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવા મળે એ હેતુસર દૂધના ખાલી પાઉચને ફેંકી દેવાના બદલે એક સ્થળે એકત્રિત કરવાની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક બાળક દૂધ પીધા પછી ખાલી પાઉચ લોખંડના સળિયામાં ભરાવી દે છે. આ રીતે સંગ્રહિત થયેલ દૂધના ખાલી પાઉચને પ્લાસ્ટીકના રીસાયકલિંગના ઉપયોગમાં લઇ શકાય એ રીતે વેચાણ કરી દેવામાં આવે છે. શાળામાં અભ્યાસની સાથે સાથે પર્યાવરણ જાળવણી અને જાગૃતિની અનોખી પહેલ થકી પ્લાસ્ટિકમુક્ત દેશના અભિયાનને આપોઆપ વેગ મળી રહ્યો છે.
_____________________________________________
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબ અને ઘરવિહોણા પરિવારોને પાકા મકાન મળ્યા
પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ અને ઘરવિહોણા પરિવારો માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. આ યોજનાથી હજારો લાભાર્થીઓનું ઘરનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર થયું છે. બનાસકાંઠા જિલ્લામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૧૯૬૭.૫૬ કરોડના કુલ-૬૧,૮૦૫ લાભાર્થીઓના આવાસનું ખાતમૂર્હત અને લોકાર્પણ થવાનું છે. જેનાથી ગરીબ અને ઘર વિહોણા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું આવાસ મળશે. ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર મળવાથી ઉનાળો, શિયાળો અને ચોમાસા સહિતની પરિસ્થિતિમાં પડતી તકલીફો, મુશ્કેલીઓ અને સમસ્યાઓનો અંત આવશે. આવા લાખો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળતા તેમના ચહેરા પર સ્મિત રેલાઈ રહ્યું છે. લાખો પરિવારો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર પ્રગટ કરી તેમને દિલથી આશીર્વાદ પાઠવી રહ્યા છે.
પાલનપુર શહેરના રબારીવાસમાં રહેતાં શ્રી રૂખીબેન લીલાભાઈ રબારીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવીન ઘર બનાવ્યું છે. આ યોજના અંગે તેમણે ખુશી સાથે જણાવ્યુ હતું કે, પહેલાં ભાડાના મકાનમાં રહેતા હતા. મોદી સાહેબના લીધે અમારે પાકું મકાન થયું છે. એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
પાલનપુર શહેરની રામદેવ નગર સોસાયટીમાં રહેતાં શ્રી પારૂબેન પ્રજાપતિને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. તેમણે ખુશી સાથે જણાવ્યું હતું કે, પહેલાં ભાડાના મકાનમાં રહેતા હતા, આવાસ યોજનામાં મકાન પાસ થયું અને હવે પોતાના મકાનમાં રહીએ છીએ. પ્રધાનમંત્રીનો ખુબ ખુબ આભાર કે અમને ઘર આપ્યું છે.
_____________________________________________
અમીરગઢની એકલવ્ય મોડેલ સ્કૂલમાં આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિનું ઘડતર
આદિજાતિના બાળકોને પાયાનું અને અદ્યતન શિક્ષણ વિનામૂલ્યે મળી રહે એ માટે રહેવા જમવાની સુવિધા સાથેની અદ્યતન મોડેલ સ્કૂલો શરૂ કરાઇ છે
આદિજાતિ બાળકોના ગુણવત્તાસભર અને પાયરૂપી શિક્ષણની જરૂરિયાત માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી. જેના થકી રાજ્યના 14 આદિવાસી જિલ્લાના 92 લાખ જેટલાં આદિવાસી બાંધવોના જીવનમાં સ્મિત રેલાયું છે. આદિજાતિના બાળકોને પાયાનું અને અદ્યતન શિક્ષણ મળી રહે એ માટે આદિજાતિ વિસ્તારોમાં મોડેલ પ્રાથમિક શાળાઓથી માંડી વિશ્વવિદ્યાલયો શરૂ કરવાનો શ્રેય માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે.
બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ અને દાંતા તાલુકો આદિજાતિ બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારના આદિજાતિ બાળકો માટે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને સરકારશ્રી દ્વારા 3 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 5 કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને 2 મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેમાં 4000 જેટલાં આદિજાતિ બાળકો રહેવા જમવાની સુવિધા સાથે શિક્ષણની નવી ક્ષિતિજો સર કરી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનું ભાથું મેળવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આવેલી મોડેલ સ્કૂલ આ વિસ્તારના આદિજાતિ બાળકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. વર્ષ- 2010 માં 19 વિદ્યાર્થીઓથી શરૂ કરવામાં આવેલી આ મોડેલ સ્કૂલમાં અત્યારે 420 વિદ્યાર્થી ભાઈ-બહેનો અભ્યાસ કરી રહ્યાં છે. અમીરગઢ મોડેલ સ્કૂલ સંચાલિત કુલ- 4 શાળાઓ જેથી, સરોત્રા, વિરમપુર અને અમીરગઢ શાળાઓમાં કુલ-1331 વિદ્યાર્થી ભાઈ-બહેનો ધોરણ- 6 થી 12 માં અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી 1031 બાળકો નિવાસી શાળાઓમાં રહીને તેમજ 300 બાળકો અપડાઉન દ્વારા શાળામાં આવી શિક્ષણ મેળવી રહ્યા છે. આ શાળામાં તમામ બાળકોને સવારે નાસ્તો, બપોરનું ભોજન, યુનિફોર્મ, સ્ટેશનરી, ટોઈલેટરી, પુસ્તકો, ચોપડા સહિતની શૈક્ષણિક કીટ અને જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.
અમીરગઢ મોડેલ સ્કૂલમાં બાળકોના અભ્યાસની વિશેષ દરકાર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે શહેરોમાં હોય એવી આધુનિક અને અદ્યતન સુવધાઓથી સજ્જ લેબ ઉપલબ્ધ કરવામાં આવી છે. શાળામાં બાયોલોજી, ફિઝીક્સ, કેમેસ્ટ્રીની અદ્યતન લેબ વિકસાવવામાં આવી છે. જેમાં એક સાથે 40 બાળકો પ્રેક્ટિસ કરી શકે છે. આધુનિક કમ્પ્યુટર લેબ દ્વારા બાળકોને કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે. આદિજાતિ બાળકોના વ્યક્તિત્વનો વિકાસ થાય અને દુનિયા સાથે કદમ મિલાવી શકે એ માટે વિદ્યાર્થીઓને પ્રોજેકટર દ્વારા ભણાવવામાં આવે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓ અને સંગીતના સાધનો વસાવવામાં આવ્યા છે જેના દ્વારા વિદ્યાર્થી ભાઈ-બહેનો પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરી શકે છે.
અમીરગઢ મોડેલ સ્કૂલમાં પ્રવેશ માટે ધોરણ- 5 ના મેરીટને ધ્યાનમાં લેવામાં આવે છે. ઉપરાંત વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. અંબાજીથી ઉંમરગામ સુધીના આદિજાતિ પટ્ટામાં આવેલી તમામ મોડેલ સ્કૂલોમાં એકસાથે પ્રવેશ પ્રક્રિયા યોજાય છે. આદિવાસીનું દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે અને તમામ બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. જેના ભાગરૂપે રાજયમાં 12 મોડેલ સ્કૂલો, 43 કન્યા નિવાસી સાક્ષરતા શાળાઓ, 47 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ અને તેને સંલગ્ન 2 સૈનિક શાળાઓ મળી રાજ્યમાં કુલ 102 એકલવ્ય મોડેલ સ્કૂલોમાં આદિજાતિના 33,810 બાળકો ગુણવત્તાસભર શિક્ષણની સવલત મેળવી કારકિર્દી ઘડતરની કેડી કંડારી રહ્યા છે.
ટિપ્પણીઓ