ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૮.૦૯.૨૦૨૨
ગઢ અને જલોત્રા ખાતે નવીન ગ્રામહાટનું જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે લોકાર્પણ
ગ્રામહાર્ટ માધ્યમથી કૃષિ આધારિત ખેત પેદાશોને મળશે નવું બજાર
વિકાસની આંધળી દોટમાં પ્રાકૃતિક ખેતી ભુલાઈ રહી છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એ માટેની યોજના જાહેર કરવામાં આવેલી છે. બનાસકાંઠા જિલ્લો પ્રાકૃતિક સંપદા ધરાવતો જિલ્લો છે. જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર મળી રહે અને તેમના દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું ડાયરેક્ટ વેચાણ થાય એ હેતુસર ગ્રામહાટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સરાહનીય પગલાં લેવામાં આવ્યાં છે. પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોની આવક ડબલ કરવાના ઉપદેશને સાર્થક કરવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મનરેગા યોજના હેઠળ પ્રાકૃતિક કૃષિ આધારિત પેદાશોના વેચાણ અર્થે જિલ્લામાં અંદાજીત ૩૦ લાખના ખર્ચે છ સ્થળોએ ગ્રામહાટ બનાવવામાં આવી છે. જે અંતર્ગત પાલનપુર તાલુકાના ગઢ અને વડગામ તાલુકાના જલોત્રા ગામે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા ગ્રામહાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રો પરથી પ્રાકૃતિક ખેત ઉત્પાદન કરતા ખેડૂત મિત્રો દ્વારા ઉત્પાદીત ખેત પેદાશોનું ડાયરેકટ વેચાણ કરી શકાશે. આપણો દેશ કૃષિ પ્રધાન અને ગૌ આધારીત કૃષિ ઉત્પાદન કરતો દેશ છે. પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે તો રાસાયણિક ખાતરની આડઅસરથી થતા અનેક રોગમાંથી મુક્તિ મળે અને પૌષ્ટિક અનાજની મદદથી સશક્ત સમાજનું નિર્માણ થાય એવા હેતુસર ખુલ્લા મુકાયેલા ગ્રામહાટની પેદાશોનો મહત્તમ લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા અપીલ કરવામાં આવી છે તેવું આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એચ. જે. જિન્દાલે જણાવ્યું છે.
_____________________________________________
વડાપ્રધાનશ્રીની મુલાકાત સંદર્ભે અંબાજી ખાતે મંત્રીશ્રી અને અગ્ર સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
આગામી તા.૩૦ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારી વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને અંબાજી ખાતે વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી અને ગ્રામ વિકાસ વિભાગના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીશ્રીએ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, ભોજન, લોકાર્પણ/ ખાતમૂર્હત, જાહેરસભા, અંબાજી મંદિરમાં દર્શન અને ગબ્બર ખાતે થનાર મહાઆરતી સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અંગે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રી સોનલ મિશ્રાના અધ્યક્ષસ્થાને પણ અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી. જેમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની તલસ્પર્શી વિગતો મેળવી અગ્ર સચિવશ્રી સોનલ મિશ્રાએ અધિકારીઓને કાર્યક્રમના સુચારું વ્યવસ્થાપન માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
_____________________________________________
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઇ
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી ખેત સામગ્રી સમયસર તેમજ વાજબી ભાવે નજીકના સ્થળેથી મળી રહે તે માટે રાજ્યમાં ૧૩૦૦ થી વધારે એગ્રો સર્વિસ સેન્ટર/ એગ્રી બિઝનેસ સેન્ટરોનું સંચાલન કરે છે. જે સેન્ટરો રાસાયણિક ખતરો, જૈવિક દવાઓ, પ્રવાહી જૈવિક ખાતરોના વેચાણની તેમજ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની કામગીરી કરે છે. નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજી પત્રક નિગમની ડીસા કચેરી ખાતેથી તેમજ ગાંધીનગર ખાતેની વડી કચેરીથી ઓફિસ સમય દરમિયાન મળી રહેશે. વધુ માહિતી નિગમની વેબસાઈટ www.gaic.gov.in પરથી મળી રહેશે એમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. ડીસાના સેન્ટર ઇન્ચાર્જની અખબારી યાદીમાં જણાવાયું છે.
_____________________________________________
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંબાજીના કાર્યક્રમ સંદર્ભે બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હાથ ધરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦મી સપ્ટેમ્બરના રોજ યાત્રાધામ અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને પ્રિ-ઇવેન્ટના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં "સ્વચ્છતા હી સેવા" ઝુંબેશ અંતર્ગત જાહેર સ્થળો, રસ્તાઓની સાફ- સફાઇ તથા દવા છંટકાવ, સરકારી કચેરીઓમાં સાફ- સફાઇની ઝુંબેશ, સ્વચ્છતા રેલી, શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ અંગેની પ્રતિજ્ઞા, જાહેર જગ્યાએ રંગોલી અને ચિત્રકામ દ્વારા સુશોભન અને શાળાઓમાં ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે અને જિલ્લાના શહેરો અને ગામડાઓને ચોખ્ખા ચણાક કરવાની સાથે રમણીય અને સુશોભિત કરવાની સુંદર કામગીરી જિલ્લા વહીવટીતંત્રના જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવી છે.
_____________________________________________
ગુજરાતના ૬૦ વર્ષની ચૂંટણી પ્રક્રિયાના ઇતિહાસને "A Journey of Gujarat Elections" પ્રદર્શન દ્વારા રજૂ કરાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર શ્રી અનુપ ચંદ્ર પાંડેની આગેવાનીમાં ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળે મતદાર જાગૃતિ અંગેના "અવસર" વિષયક પ્રદર્શનને નિહાળ્યું હતું.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની "સ્વીપ" શાખા દ્વારા ગુજરાતમાં ૧૯૬૨થી અત્યાર સુધીની ચૂંટણી પ્રક્રિયાના દુર્લભ કહી શકાય એવા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફના જૂના બેલેટ બોક્ષ, પહેલાના સમયની મત ગણતરીની પ્રક્રિયા, ઊજવણી, રેલીઓ, ચૂંટણી સભાઓ અને મતદાનના ઇતિહાસને રજૂ કરતું ૯૮ ફોટા સાથેનું "A Journey of Gujarat Elections" પ્રદર્શન યોજાયું હતું.
ગુજરાતની ચૂંટણી પ્રક્રિયાના ૬૦ વર્ષના ઇતિહાસને રજૂ કરતા "A Journey of Gujarat Elections" ને મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર અને ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળે ખાસ સમય કાઢી, રસપૂર્વક નિહાળ્યું હતું.
આ ઉપરાંત ગુજરાતમાં ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા મતદાર જાગૃતિને લગતા નવતર કાર્યક્રમો તથા મતદાર નોંધણી માટેના વિવિધ જિલ્લાના ૪૦૦ આકર્ષક ફોટોગ્રાફસ સાથેનું પ્રદર્શન પણ યોજાયું હતું.
આ અવસરે મુખ્ય કમિશનરશ્રીએ ૮૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ મતદારો, દિવ્યાંગ મતદારો, ટ્રાન્સજેન્ડર મતદારોને મળીને, મતદાન કરવા માટેની તેઓની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી તેમજ તેઓના બુલંદ હોંસલાને લોકશાહીને મજબૂત કરવા માટેનો આધાર સ્તંભ ગણાવી વરિષ્ઠ મતદારોનું શાલ ઓઢાડી, સ્મૃતિપત્ર પાઠવી સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી નાટિકા તથા ગુજરાતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર એવા મતદાર જાગૃતિને આવરી લઇ નિર્મિત કરાયેલ ગીત ઉપરના ગરબા નૃત્ય નિહાળ્યું હતું.
ટિપ્પણીઓ