ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૭.૦૯.૨૦૨૨

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકું ઘર મેળવતા બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓ



વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકુ ઘર મળતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માની રહ્યા છે. આ યોજનાના આંબલીયાળ ગામના લાભાર્થીશ્રી કરસનભાઈ રામજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે મારે પહેલા પતરાવાળું જૂનું ઘર હતું તેથી વરસાદમાં બહુ તકલીફ પડતી હતી. હવે મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે એટલે મેં નવું મકાન બનાવ્યું છે. સરકારે આ મકાન બનાવવાની સહાય આપતા હવે હું મારા પરિવાર સાથે નવા મકાનમાં રહું છું એટલે વરસાદની ઋતુમાં કોઇપણ પ્રકારની તકલીફ પડતી નથી. શ્રી કરશનભાઇએ કહ્યું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર માનું છું કે અમને આવું સરસ ઘર બનાવવા માટે સહાય આપી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેરવાડા ગામના લાભાર્થીશ્રી અમથીબેન સુરાજી ચૌહાણે જણાવ્યું કે, અમારું જૂનું નળીયાવાળું મકાન હતું. સરકારે અમને ધાબાવાળુ પાકુ મકાન બનાવવા સહાય આપી છે તે બદલ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર માનું છું.

વડગામ તાલુકાના પીલુચા ગામના લાભાર્થીશ્રી વિજયકુમાર લાલજીભાઈ રામાન્સીએ જણાવ્યું કે, પહેલાં હું ભાડાના મકાનમાં રહેતો હતો તે સમયે મને ખૂબ જ તકલીફ પડતી હતી. હાલ મને સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. જેનાથી હું મારા પરિવાર સાથે સુખ-ચેનથી રહી શકું છું, આ યોજનાથી હું ખૂબ સંતુષ્ટ છું, સરકારશ્રીની આવી યોજનાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.

પીલુચા ગામના જ બીજા લાભાર્થીશ્રી જગદીશકુમાર ચેલાભાઈ પરમારે જણાવ્યું કે, પહેલાં પતરાના કાચા મકાનમાં રહેતો હતો એટલે ચોમાસામાં ઘરમાં પાણી ટપકતું હતું. પછી મેં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હતું એમાં મને રૂ. 1,20,000 મળ્યા તેથી હું ધાબાવાળું સરસ ઘર બનાવી શક્યો છું અને સુખ, શાંતિથી ફેમિલી સાથે હળીમળીને રહું છું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મેં લાભ લીધો છે અને ધાબાવાળું મકાન બનાવ્યું છે અને હું આદરણીય મોદી સાહેબ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું.
_____________________________________________

વડાપ્રધાન મોદી બનાસકાંઠામાં ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે


વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે

તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું PM ભૂમિપૂજન કરશે

અંબાજી ખાતે જાહેરસભામાં લોકાર્પણ અને ખાતમૂહર્ત બાદ વડાપ્રધાન ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિવિધ યોજનાઓ અંતર્ગત નાગરિકોની સુખાકારી માટે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, છેલ્લા એક વર્ષમાં વિવિધ વિકાસકાર્યોને વેગ આપવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરના વડાપ્રધાન બનાસકાંઠામાં હાજર રહેશે અને અહીં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના(વિકસતી જાતિ કલ્યાણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ ₹ 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53172 આવાસોનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. તે સિવાય ₹ 124 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત અને ₹ 85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું લોકાર્પણ કરવામાં આવશે. 

નવી તારંગા હિલ – આબુ રેલવે લાઇનનું ભૂમિપૂજન

કેન્દ્ર સરકારે નવી તારંગા હિલ- આબુ રેલવે લાઇનને મંજૂરી આપી છે. તેનાથી રોજગાર નિર્માણની સાથે, નાગરિકોને પરિવહન માટે નવી સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે. ₹2798 કરોડના ખર્ચે નિર્માણ થનારી આ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાન ભૂમિપૂજન કરશે. તે સિવાય ડીસા એરફોર્સ સ્ટેશનમાં ₹1000 કરોડના ખર્ચે રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરશે. ત્યારબાદ ₹ 1881 કરોડના ખર્ચે નિર્મિત 62.15 કિમીની પાલનપુર-મહેસાણા રેલવે લાઇનનું લોકાર્પણ કરશે.  

અંબાજીમાં જાહેરસભા બાદ ગબ્બર મહાઆરતીમાં ભાગ લેશે

અંબાજી ખાતે જાહેરસભામાં વડાપ્રધાન દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ સાંજે 7થી 7.30 વાગ્યા સુધી અંબાજી મંદિરમાં પૂજા કરવા જશે. ત્યારબાદ તેઓ ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લેવા જશે. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે વડાપ્રધાન 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે. 
_____________________________________________

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત

નવરાત્રિના પહેલાં નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવાનોને રોજગાર


 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા.
 રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૧.૪૯ લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના છે એમ તેમણે ઉમેર્યુ હતું.
 શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૧૭ જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરપાલિકાઓમાં આયોજિત રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા.
 મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રોપેલા વિકાસના મજબૂત પાયાના પરિણામે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
 યુવાનોની પ્રતિભા થકી દેશનો વિકાસ કરવા ટેલેન્ટ પૂલ અતિમહત્વનું છે તેના માટે રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં કાર્યરત ૬૦૦ જેટલી આઇ.ટી.આઇ.માં ૨.૧૭ લાખ વિદ્યાર્થીઓને ૧૨૫ જેટલા કોર્સના અભ્યાસથી સ્કીલ્ડ વર્કફોર્સ બનાવવામાં આવી રહ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
 
 મુખ્યમંત્રીશ્રીએ રોજગાર પત્રો મેળવનારા યુવાઓને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવતાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરવા પણ પ્રેરણા આપી હતી.

 આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી,મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, મોટી સંખ્યામાં રોજગાર મેળવનાર યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
_____________________________________________

ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા કરતાં મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમાર


૩૩ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું

ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે, મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમાર, ચૂંટણી કમિશનરશ્રી અનુપચંદ્ર પાંડેની આગેવાનીમાં ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.

ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી આવેલા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, રેન્જ આઈ.જી., ડી.આઈ.જી તથા જિલ્લા પોલીસ વડા પાસેથી જિલ્લાવાર ચૂંટણી પૂર્વેની તૈયારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી હતી. દરેક જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા ચૂંટણીની પૂર્વ તૈયારી માટેની સુસજ્જતા વિશે જિલ્લાવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.

સમીક્ષા બેઠક પહેલાં રાજકીય પક્ષોના આગેવાનોએ પણ ભારતના ચૂંટણી પંચના અધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અને આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તથા અમલીકરણ એજન્સીઓ સાથે સમીક્ષા કરાઇ રહી છે. ચૂંટણી પંચ મંગળવારે રાજ્યના મુખ્ય સચિવશ્રી અને ડી.જી.પી. સાથે બેઠક કરશે. આ પ્રકારે સમગ્ર રાજ્યમાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ આગામી વિધાનસભા ચૂંટણીનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરાશે.

ચૂંટણી તૈયારીઓની સમીક્ષા દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી C-VIGIL ઍપનો વીડિયો લોન્ચ કરવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ