ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૫.૦૯.૨૦૨૨

બનાસ ડેરીના બાયો CNG પ્રોજેક્ટમાં મારુતિ સુઝુકી કંપનીએ દાખવ્યો રસ

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાથે મારુતિ સુઝુકી કંપનીના ડિરેક્ટર અને જાપાની અધિકારીઓની મીટીંગ યોજાઈ


એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા પશુઓના છાણમાંથી દેશનો પ્રથમ બાયો સી.એન.જી પ્લાન્ટ શરુ કરવાનો જે સફળ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, એમના આ નવતર પ્રયોગથી પ્રેરિત થઈને જાપાનની સુઝુકી કંપનીના ડિરેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓએ બનાસ ડેરીના બાયો CNG પ્લાન્ટની મુલાકાત કરી હતી અને ચેરમેન શંકરભાઈ ચૌધરી સાથે મીટીંગ યોજીને સવિસ્તાર ચર્ચા કરી હતી. પાંચ મહિનામાં મારુતી સુઝીકી કંપનીના અધિકારીઓની આ બીજી મુલાકાત છે, જે દર્શાવે છે કે બનાસ ડેરી માત્ર ભારત જ નહિ પણ વિશ્વના અન્યો દેશોને પોતાના કામથી પ્રેરિત કરી રહી છે. પશુપાલક અને ખેડૂતોની આવક ડબલ કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસરૂપે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમાં આ સાહસ કરવામાં આવ્યું હતું. 

છાણમાંથી પશુપાલકોને આવક આપવાના ઉમદા અભિગમ સાથે શરુ કરાયેલ બનાસ બાયો CNG પ્લાન્ટ અને એમાં વપરાયેલ ટેક્નોલોજીનો સવિસ્તાર અભ્યાસ કરીને જાપાનની સુઝુકી કંપનીએ બાયો CNG ને અનુરૂપ પોતાના વાહનો બનાવવા તેમજ એજ વાહનોને વાહન ચાલાક પોતાના ઘરે તૈયાર કરાયેલ ગોબર ગેસમાંથી ગેસ ભરી શકે એવી વ્યવસ્થા ઉભી થઇ શકે તે માટેના રીસર્ચ અને ઇનોવેશનમાં બનાસ ડેરી સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી. 

ગામડાઓમાં સ્વચ્છતા બની રહે તેમજ નવીનીકરણ સ્વચ્છ ઉર્જાની પ્રાપ્તિ થાય એ હેતુ સાથે શુદ્ધ બાયો ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે, જે વાહન ચલાવવા માટે ઈંધણના સ્વરૂપમાં કામ આવે છે, એને ઉત્પન્ન કરવાના સાથે જૈવિક ખાતર બનાવવા આ પ્લાન્ટનો ઉપયોગ થાય છે, એ જાણીને સુઝુકી કંપનીના પદાધિકારીઓએ બનાસ ડેરીની પ્રશંસા કરી હતી. 

જાપાનની સુઝુકી કંપનીના શ્રી કેનીચીરો ટોયોફૂંકું (ડિરેક્ટર CPP), શ્રી કોજીમા સાન (SMG-Japan) શ્રી યામાનો સાન (SMG-Japan), શ્રી પરિક્ષેત મૌની (વાઇસ પ્રેસિડેંટ), શ્રી સંજયભાઈ પઢીયાર (મેનેજર) અને શ્રી અખિલેશ સિંહ (મેનેજર) એ મુલાકાત લીધી હતી.  

તાજેતરમાં જ બાયોગેસના આયોજનથી એક સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા માટે બનાસડેરી દ્વારા ખીમાણા, રતનપુરા-ભીલડી, રાધનપુર અને થાવર ખાતે ગોબર ગેસ સ્ટેશન ઉભા કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જેનું ઈ-ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથે કરવામાં આવ્યું હતું. આ ચાર સ્થાનો પર ૧૦૦ ટન ગોબરની પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ ઉભા કરવામાં આવશે.  
____________________________________________

બનાસ બેંકની ૬૩મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ


બનાસકાંઠા જિલ્લામાં ૧૯૫૯થી કાર્યરત બનાસ બેંકની ૬૩મી વાર્ષિક સાધારણ સભા દાંતીવાડા યુનિવર્સીટીના ઓડીટોરીયમ હોલમાં સભાસદોની વિશાળ હાજરીમાં યોજાઈ હતી.

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સભાસદો અને જિલ્લાના સહકારી આગેવાનોનું બેંકના ચેરમેનશ્રી સવસીભાઈ ચૌધરીએ ઉષ્માભર્યું સ્વાગત કરીને જણાવ્યું હતું કે છેલ્લા ૬૩ વર્ષથી આપણી બેંક જિલ્લાના લોકોની સેવા કરી રહી છે અને ઉત્તરોતર સુંદર નાણાંકીય પરીણામો પણ મેળવી રહી છે. બેંકની સર્વાંગી પ્રગતિ માટે તેમણે અગાઉના ચેરમેનોની કામગીરીને પણ શ્રેય આપ્યો હતો. વધુમાં તેઓએ પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અને બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા ઉપસ્થિત સહુને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો અને ખાત્રી આપી હતી કે બેંકના વિકાસ અને ખેડૂતોને ઉપયોગી થવાનો કામોમાં હંમેશા તત્પર રહેશે.

પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું કે બનાસ બેંક બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રે સાહજીકતાથી વિસ્તરેલી દેખાય છે. લોકોની સુખાકારી માટે સરકારના પ્રયત્નો ઉપરાંત સહકારના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં બનાસબેંક અને બનાસ ડેરીના માધ્યમથી સામાન્ય માણસો સુધી લાભો પહોંચી રહયા છે તે ખૂબજ આનંદની વાત છે.

સાધારણ સભાની શરૂઆત પહેલા બનાસ બેંક દ્વારા ભાજપ પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈના હસ્તે બેંકની દાંતીવાડા શાખાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. બેંકના મેનેજીંગ ડીરેકટરશ્રી દ્વારા એજન્ડા ઉપરની કાર્યવાહી, બેંકની પ્રગતિનો અહેવાલ અને આભાર વિધી કરી હતી. બેંક દ્વારા જિલ્લાની સહુથી વધુ નફો કરતી, ૧૦૦% વસુલાત કરતી મંડળીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.


ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ