ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૪.૦૯.૨૦૨૨

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંબાજીની મુલાકાત સંદર્ભે અધિકારીઓની બેઠક યોજાઈ


પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમને ગરિમાપૂર્ણ બનાવવા માટે કલેકટરશ્રીએ વિવિધ સમિતિઓની રચના કરી અધિકારીઓનું માર્ગદર્શન કર્યું 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારનાર હોઇ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે કાર્યક્રમની તૈયારીઓ માટે બેઠક યોજી હતી. જેમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગો અને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો અંબાજી ખાતેનો કાર્યક્રમ ગરિમાપૂર્ણ અને આયોજનબદ્ધ રીતે થાય એ માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ સમિતિઓની રચના કરીને અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. કલેક્ટરશ્રી આનંદ પટેલે વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યો સાથે તેમને સુપ્રત કરેલ કામગીરીની મીટીંગમાં વિસ્તૃત ચર્ચા કરી હતી તથા તમામ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલ જવાબદારી પૂરતી કાળજી અને તકેદારીપૂર્વક નિભાવવા સૂચન કર્યું હતું. કલેકટરશ્રીએ કાર્યક્રમ સ્થળે સુશોભન, વીજ પુરવઠો, મહાનુભાવો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા, સાફ-સફાઈની કામગીરી, આરોગ્ય વિષયક વ્યવસ્થાઓ, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી. 
____________________________________________     

દાંતા તાલુકાના આદિજાતિઓ માટે રૂ. ૨૨.૮૧ કરોડની સંકલિત ડેરી વિકાસ યોજનાઃ પશુપાલનના વ્યવસાયથી ટ્રાયબલ વિસ્તારમાં આર્થિક ઉન્નતિના દ્વાર ખુલ્યા


ગુજરાતના પૂર્વ પટ્ટીમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારો એટલે મહદઅંશે ડુંગરાળ અને જંગલ વિસ્તાર. આદિજાતિ વિસ્તારોના ઝડપી, સર્વાગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના સહિત સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે. આદિજાતિ વિસ્તારોમાં રૂબરૂ જઇને જોઇએ ત્યારે વિકાસ અને જાગૃતિનો સુંદર અનુભવ થાય. ઠેર ઠેર પાકા ડામર રસ્તાઓ, પુરતી સંખ્યામાં શાળાઓ અને હોસ્ટેલો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, પીવાના પાણીની સગવડ સહિત તમામ સુવિધા સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ, માર્ગદર્શન અને સક્રિય પ્રયાસોથી આદિજાતિ વિસ્તારો સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં ઝડપી અને સર્વાગી વિકાસ તેમજ સુશાસનથી ગુજરાત વિશ્વકક્ષાએ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઝડપી નિર્ણયો અને પ્રગતિશીલ અભિગમથી રાજય સરકારશ્રીના વિવિધ અભિયાનો અને યોજનાઓથી રાજયની વિકાસકૂચ વેગવંતી બની છે.

પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલ આદિજાતિ મહિલાઓ પણ સ્વનિર્ભર બની સારી આવક મેળવી શકે તથા પશુપાલનના વ્યવસાયમાં રોજગારી વધારવા માટે સરકારશ્રીની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સંકલિત ડેરી વિકાસ યોજના દાંતા તાલુકા માટે અમલમાં મુકવામાં આવેલી છે. આદિવાસી કુંટુંબો ખેતી સાથે પશુપાલનના વ્યવસાય દ્વારા કાયમી આવક મેળવતા થાય તે હેતુથી આ યોજના અમલી બનાવાઇ છે. આ યોજના હેઠળ કુલ- ૩૫૦૦ આદિજાતિ લાભાર્થીઓ માટે રૂ. ૨૨.૮૧ કરોડની જોગવાઇ કરવામાં આવેલી છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર કચેરીના નિયંત્રણ હેઠળ બનાસ ડેરી દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.

આ યોજના અન્વયે આદિજાતિ કુંટુંબને બે દૂધાળા પશુ તેમજ આનુસાંગિક લાભ જેવા કે, વાસણની કીટ, પશુ વીમો, પશુ દાણ, ટ્રાન્સ્પોર્ટેશન, પશુ સારવાર અને તાલીમ આપવામાં આવે છે. આ યોજનામાં આદિજાતિ મહિલા લાભાર્થીઓને બે ભેંસો આપવામાં આવે છે. એક ભેંસની માન્ય કિંમત રૂ. ૫૪,૪૦૦/- છે. જેમાં ભારત સરકારશ્રી દ્વારા રૂ. ૧૭,૪૦૦/- ની સહાય અને ગુજરાત સરકાર દ્વારા રૂ. ૧૫,૦૦૦/-ની સહાય અપાય છે તથા ગુજરાત ટ્રાયબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા રૂ.૨૦,૦૦૦/- ની ૬ ટકાના સાદા વ્યાજની લોન આપવામાં આવે છે અને રૂ. ૨,૦૦૦/- લાભાર્થીનો ફાળો હોય છે. આદિજાતિ ભાઇ- બહેનો આ યોજનાનો લાભ મેળવવા ગ્રામ્યકક્ષાએ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સંપર્ક કરી શકે છે.
____________________________________________   

પોક્સોના કાયદાની જાગૃતિ માટે જિલ્લાની શાળા અને કોલેજોમાં જાગૃતિ કાર્યકમ યોજાશે

નામદાર ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરીટી (જીએસએલએસએ) દ્વારા પોક્સોના કાયદાનો લોકો સુધી વધુ અને વધુ પ્રચાર અને પ્રસાર થાય અને તે અંગે જાગૃતિ આવે તે માટે યુનિસેફ અને SAUHAD ના સહયોગથી ખાસ કરીને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ જેઓ આપણા સમાજ અને દેશનું આવતીકાલનું ભવિષ્ય છે અને જેઓ સારા માર્ગે જાય અને દેશ અને સમાજને લાભ થાય તેવા કામ કરે એવા આશ્રયથી તા.૨૬/૦૯/ર૦રર થી તા.૨૦/૧૦/૨૦૨૨ દરમિયાન સમગ્ર ગુજરાતની તમામ શાળા- કોલેજો સહિત બનાસકાંઠાની તમામ શાળા અને કોલેજોમાં પોક્સોના કાયદાનો પ્રચાર- પ્રસાર થાય તે માટે સમગ્ર જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (ડીએલએસએ), પાલનપુર તેમજ જિલ્લાના તમામ તાલુકામાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં એન.જી.ઓ., લો-સ્ટુડન્ટ (કાયદાના વિદ્યાર્થીઓ), સામાજીક સંસ્થાઓએ જો સહકાર આપવા માંગતા હોય તો ડી.એલ.એસ.એ.ના સેક્રેટરીશ્રી, પી.પી.શાહના ટેલિફોન નંબર-૦૨૭૪ર-૨૬૧૪૯૫ ઉપર અને જિલ્લા અદાલતની કચેરીના સરનામે: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (ડીએલએસએ), ભોંયતળિયે, ન્યાય સંકુલ, જિલ્લા અદાલત, જોરાવર પેલેસ, પાલનપુરનો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સચિવ શ્રી પી.પી.શાહની અખબારી યાદીમાં જણાવ્યું છે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ