ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૩.૦૯.૨૦૨૨

શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજ પરનું ઇન્દ્રધનુષ: રહેવા જમવા સાથે શિક્ષણની આધુનિક સુવિધાથી સજ્જ ગઢ મહુડીની કન્યા સાક્ષરતા નિવાસી શાળા


ડુંગરાળ વિસ્તારની ગઢ મહુડી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં ૪૦૦ જેટલી આદિજાતિ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઇ રહ્યું છે


બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બાહુલ્ય ધરાવતા વિસ્તારમાં દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તેમજ આદિજાતિની કન્યાઓના સાક્ષરતા દરમાં નોંધપાત્ર સુધારો લાવવા અને ડ્રોપ આઉટ ઘટાડી કન્યા શિક્ષણને વેગ આપવા માટે 5 કન્યા સાક્ષરતા નિવાસી શાળા કાર્યરત છે. જેમાં 1840 જેટલી આદિજાતિ દીકરીઓ ધોરણ- 6 થી 12 સુધીનું વિનામૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ અને ભોજન વગેરેની સુવિધા મેળવી ભાવિ ઘડતરની દિશામાં આગળ વધી રહી છે.

દાંતા તાલુકાના ગઢ મહુડી ગામમાં આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળા આ વિસ્તારમાં વસતા આદિજાતિ પરિવારોની દીકરીઓ માટે આશીર્વાદરૂપ છે. ડુંગરાળ પહાડો, વહેતાં ઝરણાં અને નર્યા નૈસર્ગિક સૌદર્ય વચ્ચે આવેલી શાળા કોઈ હિલસ્ટેશન પરના પર્યટન સ્થળ જેવી લાગે છે. શાળાનું આધુનિક મકાન, છાત્રાલય અને વનરાજી ખરેખર મનમોહી લે એવી તો છે જ પરંતુ શાળામાં અપાતું શિક્ષણ પણ ઉત્તમ કક્ષાનું છે. આધુનિક યુગની જરૂરિયાત એવા કમ્પ્યુટર શિક્ષણ સાથે ટીવી પર શૈક્ષણિક વીડિયો દ્વારા શિક્ષણ આપી આદિજાતિ દીકરીઓને શૈક્ષણિક રીતે સક્ષમ બનાવવાનો સરકારનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે.

ગઢ મહુડીમાં વર્ષ 2009 થી કાર્યરત કન્યા સાક્ષરતા નિવાસી શાળાનું આધુનિક મકાન 2019માં નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 6 થી 12 માં વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. હાલમાં 399 કન્યાઓ આ નિવાસી શાળામાં અભ્યાસ કરી રહી છે. ગૃહમાતા સહિત 17 જણનો શૈક્ષણિક સ્ટાફ આદિજાતિ દીકરીઓના ઘડતર માટે શિક્ષણની જવાબદારી નિભાવી રહ્યો છે. એક બાળક પાછળ સરેરાશ 5300 જેટલો ખર્ચ કરવામાં આવે છે અને દર મહિને દિકરીને 100 રૂપિયા પોકેટ મની તરીકે આપવામાં આવે છે. અહીં બાળકોએ ઘરેથી કશું જ લાવવાનું રહેતું નથી માત્ર પહેરેલા કપડે શાળામાં આવવાનું હોય છે. શાળામાં પ્રવેશ બાદ તેમની રહેવા, જમવા, પુસ્તકો, યુનિફોર્મ, શૂઝ સહિતની તમામ જરૂરિયાત શાળા દ્વારા પુરી પાડવામાં આવે છે. કન્યાઓના અભ્યાસની વિશેષ કાળજી રૂપે ધોરણ 8 થી 11 અને ધોરણ 10 તથા 12 ની વિદ્યાર્થીનીઓને શિક્ષકો દ્વારા રાત્રિ રીડીંગ અને કોચિંગની વિશેષ સવલત આપવામાં આવે છે. આ સમગ્ર કેમ્પસ સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ છે અને પ્રિન્સીપાલની ઓફિસમાંથી શાળામાં ચાલતી તમામ પ્રવૃત્તિઓનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે. છાત્રાલયની વાત કરીએ તો તમામ રૂમોમાં સ્વચ્છતા સાથે પૂરતા પ્રકાશની વ્યવસ્થા કરેલી છે. એક રૂમમાં 6 દિકરીઓ રહી શકે તેવી સુંદર વ્યવસ્થા છે અને તમામ દિકરીઓ માટે અલાયદા લોખંડના મજબૂત પલંગ, ડનલોપના ગાદલાં, ઓશિકાં અને બેડશીટની પણ સુંદર સગવડ આપવામાં આવે છે. આવા આધુનિક સુવિધાયુક્ત રૂમમાં દિકરીઓ નિરાંતે અભ્યાસ અને આરામ કરી શકે છે. તેમજ તેમના કપડાં અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓની સાચવણી માટે દરેક રૂમમાં તિજોરી કબાટની પણ સગવડ છે. પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે 7 આર.ઓ. પ્લાન્ટ અને ન્હાવા માટે બાથરૂમમાં ગીઝર દ્વારા ગરમ પાણીની સુવિધા ઉપલબ્ધ છે.

આ શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી સુનિતાબેન પરમારે શાળાની સુવિધાઓ, સવલતો અને શૈક્ષણિક કાર્યની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ શાળામાં 399 બાળકીઓ અભ્યાસ સાથે નિવાસ કરે છે. તેમની શૈક્ષણિક અને અન્ય તમામ પ્રકારની જરૂરિયાતો શાળા દ્વારા પુરી પડાય છે. વર્ષ 2021-22નું શાળાનું ધોરણ-12 આર્ટસનું પરિણામ 100 ટકા અને ધોરણ 10 નું પરિણામ 94 ટકા આવ્યું છે. અહીં કન્યાઓના અભ્યાસ માટે તમામ સ્ટાફ ખૂબ મહેનત કરે છે અને સંપૂર્ણ શાળા પરિસર 92 જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે.

ધોરણ- 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રેખાબેન સુમેરાભાઈ અંગીરાએ જણાવ્યું હતું કે, અહીં અમને રહેવા ,જમવા સાથે સ્કૂલ બેગ, યુનિફોર્મ અને તમામ સવલતો આપવામાં આવે છે. અમને શિક્ષકો ખૂબ મહેનત કરાવે છે, રાત્રે વધારાના કલાસ લેવામાં આવે છે અને શિક્ષણ સાથે વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે એમ જણાવી અહીં ભણવાની ખૂબ મજા આવે છે એમ કહ્યું હતું.

ધોરણ 12 ની વિદ્યાર્થીની નિશાબેન લાધુભાઈ ગમારે જણાવ્યું હતું કે, હું અહીં સાત વર્ષથી અભ્યાસ કરું છું અને અભ્યાસ સાથે સાથે વધારાનું રીડીંગ અને કોચિંગ આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીની ખાસ કાળજી લેવામાં આવે છે. શાળા અને છાત્રાલયની સુવિધાઓ સરસ છે અહીં ભણવાની અને રહેવાની મજા આવે છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા 27 ફેબ્રઆરી 2007માં વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 10 મુદ્દાના કાર્યક્રમ અંતર્ગત શિક્ષણની ગુણવત્તા અને ઉચ્ચ અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે એકલવ્ય મોડેલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ અને મોડેલ સ્કૂલ જેવા વિવિધ વિદ્યાધામો આદિજાતિ બાળકોના જીવનમાં શિક્ષણ રૂપી જ્યોત પ્રજ્વલ્લિત રાખવાનું કાર્ય કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકાર વંચિતોના વિકાસ માટે કટિબદ્ધ છે અને શિક્ષણની વિસ્તરતી જતી ક્ષિતિજો દેશના ભાવિઘડતર માટે નવીન ઉર્જા અને પ્રેરકબળ પુરુ પાડી રહ્યા છે ત્યારે રાજ્યના મૂળ નિવાસી આદિજાતિ વનવાસીના બાળકો શિક્ષણ અને વિકાસથી વંચિત ન રહે અને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે એ માટેના પ્રયાસો અને યોજનાઓ આદિવાસીઓના ચહેરા પર મુસ્કાન લાવી રહી છે.

કન્યા સાક્ષરતા નિવાસી શાળા તરફથી તમામ જરૂરિયાતો પુરી પડાય છે


‌શાળામાં અપાતી સવલતોની વાત કરીએ તો ધોરણ 6 થી 12 ની કન્યાઓને બે ટાઈમ નાસ્તો, બે ટાઈમ જમવાનું, સ્કૂલ બેગ, 2 યુનિફોર્મ, 2 નાઈટ ડ્રેસ, 1 સેરેમની ડ્રેસ (બુધવારે), સ્પોર્ટ્સ યુનિફોર્મ (શનિવારે), સ્પોર્ટ શૂઝ, મોજડી, બુટ, એક જોડી ચંપલ, 4 જોડી મોજા, 2 જોડી ટાઈ અને બેલ્ટ સહિત સ્ટાન્ડર્ડ ક્વોલિટીની સ્ટેશનરી, ચોપડા, પુસ્તકો, ન્હાવા ધોવાના સાબુ, કાંસકો, પાઉડર, સહિતની ટોઇલેટરી પણ આપવામાં આવે છે. કન્યાઓની આરોગ્ય અંગેની દેખરેખ અને તેમને મૂંઝવતી આરોગ્ય સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે દર મહિને નિયમિત આરોગ્ય ચકાસણી અને સેનેટરી પેડ માટે વેન્ડિંગ મશીનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો તેમના પોષણ માટે દૂધ સંજીવની યોજના અન્વયે બાળકીઓને દરરોજ દૂધ આપવામાં આવે છે.
_____________________________________________

બનાસકાંઠા જિલ્લામાં 'બકરા ઉછેર યોજના' અંતર્ગત આદિજાતિની મહિલા લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવાઈ

આદિજાતી વિકાસ વિભાગ, ગાંધીનગરની ડી-સેગ કચેરી દ્વારા અમલમાં મુકેલ અને પ્રાયોજના વહીવટદાર ટ્રાયબલ એરિયા સબ પ્લાન બનાસકાંઠા, પાલનપુરની કચેરી સંચાલિત બકરા ઉછેર યોજના (બકરી ૧૦ + ૧ નર બકરો) હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ-૧૧ આદિજાતીની પુખ્ત વયની મહિલા લાભાર્થીઓને લાભ આપવાનો થાય છે.

આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા વ્યક્તિઓએ તા.૩૦/૯/૨૦૨૨ સુધીમાં કચેરીએ રૂબરૂ / સામાન્ય ટપાલ આર.પી.એ.ડી.એથી અરજીઓ મોકલી આપવાની રહેશે, ત્યારબાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. આ યોજના અંગેની વધુ વિગત/ શરતો કચેરીના નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરેલ છે. વધુમાં અરજદારશ્રીની સહાયતા માટે કચેરીની ડી-સેગ શાખામાં હેલ્પ ડેસ્ક સેન્ટર નિભાવેલ છે. જયાંથી અરજી ફોર્મ અને વધુ માહિતી મળી શકશે તેમ અધિક કલેક્ટરશ્રી –વ- પ્રાયોજના વહીવટદાર ટ્રાયબલ એરિયા સબ પ્લાન બનાસકાંઠા, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
_____________________________________________

ખીંમત ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો


બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ખીંમત ખાતે આવેલ ટી. એમ. એસ. જોગાણી વિદ્યાલયમાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 6 થી 12 ના 15 જેટલા વિદ્યાર્થીઓએ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય શાખાના સામાજિક કાર્યકર શ્રી અનિલભાઈ રાવલ અને અમીનભાઇ દ્વારા ડિજિટલ પ્રેઝન્ટેશન થકી તમાકુથી થતા નુકસાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શાળાના આચાર્યશ્રી એ. કે. જોશી દ્વારા પણ વ્યસનમુક્તિ કાર્યક્રમ અંતર્ગત વ્યસનોથી થતી બરબાદી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને નિર્ણાયકશ્રી બી. સી. ડાભી અને સી. એમ. સોલંકી દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી એકથી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થી ભાઈઓ- બહેનોએ વ્યસનમુક્તિ વિશે માર્ગદર્શન મેળવી વ્યસનોની બદીઓથી દૂર રહેવાના સંકલ્પ લીધા હતા. તેમ ટી. એમ. એસ. જોગાણી વિદ્યાલય, ખીંમતના શિક્ષકશ્રી ભરતભાઇ ડાભીએ જણાવ્યું છે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ