ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૨.૦૯.૨૦૨૨


વડગામ માર્કેટયાર્ડની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન કે. પી. ચૌધરીની પેનલના તમામ ઉમેદવારોનો વિજય: ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોની કારમી હાર


(તસવીર: યાકુબ બિહારી)

વડગામ માર્કેટયાર્ડમાં યોજાયેલી રસાકસી ભરેલી ચૂંટણીનું પરિણામ બુધવારના રોજ જાહેર થતાં વર્તમાન ચેરમેન કે. પી. ચૌધરીની પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલના ઉમેદવારોની કારમી હાર થતા તેમની છાવણીમાં સોપો પડી જવા પામ્યો હતો. વર્તમાન ચેરમેન કે. પી. ચૌધરીની પેનલના તમામ ઉમેદવારો બહુમતીથી ચૂંટાઈ આવતા કે. પી. ચૌધરીની આગેવાની હેઠળ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, વડગામ માર્કેટયાર્ડના ૧૭ સભ્યોની ચૂંટણી અગાઉ વર્તમાન ચેરમેન કે. પી. ચૌધરીની પેનલના ૩ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે બાકીના ૧૪ ઉમેદવારો વચ્ચે ૨૦મી સપ્ટેમ્બરે મતદાન યોજવામાં આવ્યું હતું. જેની મતગણતરી બુધવારે માર્કેટયાર્ડના હોલમાં કરવામાં આવી હતી. જેમાં પુનરાવર્તન પેનલના તમામ ૧૪ ઉમેદવારોનો જંગી મતોથી વિજય થયો હતો અને ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલના તમામ ઉમેદવારોની કારમી હાર થઇ હતી. પરિણામ જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકોના ટોળે ટોળા માર્કેટ યાર્ડમાં ઉમટી પડ્યા હતા અને વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

ખેડૂત વિભાગના વિજેતા ઉમેદવાર...

૧. કે. પી. ચૌધરી
૨. પ્રેમજીભાઈ ભૂતડીયા
૩. પરથીભાઈ લોહ 
૪. ગણેશભાઈ ચૌધરી 
૫. બાબુભાઈ ચૌધરી 
૬. લક્ષ્મણસિંહ રાજપૂત 
૭. પચાણભાઈ ચૌધરી 
૮. ઐયુબખાન લોહાણી 
૯. ભીખાભાઈ ચૌધરી
૧૦. ફતાભાઈ કરેણ

વેપારી વિભાગના વિજેતા ઉમેદવાર...

૧. કે. સી. કોરોટ
૨. નાથુભાઈ ગોળ
૩. લક્ષ્મણભાઈ જેગોડા
૪. વિક્રમભાઈ મહેશ્વરી

_____________________________________________

ગૌશાળાને સહાયના મુદ્દે બનાસકાંઠામાં પણ સજ્જડ બંધ પાળવામાં આવ્યો

જો ૪૮ કલાકમાં સહાય જાહેર નહીં કરાય તો અંબાજીમાં વડાપ્રધાનના ઘેરાવની ચીમકી

ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ, માલધારી વસાહત આપવી, ગૌચર પાછા આપવા, નવાડા ફાળવવા સહિતની માંગણીઓને લઇ બુધવારે અપાયેલા દૂધ બંધના એલાનમાં બનાસકાંઠાના માલધારીઓ પણ જોડાતા બનાસકાંઠા જિલ્લામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વારા બજેટમાં સમાવિષ્ટ કરાયેલ રૂપિયા 500 કરોડની ગૌમાતા પોષણ યોજનાનો અમલ જો 48 કલાકમાં કરવામાં નહી આવે તો ગોવંશને સરકારી કચેરીઓમાં છોડવા અને લંપીગ્રસ્ત ગાયોની સારવાર માટેની અલાયદી વ્યવસ્થા ઉભી કરવા સહિતના મુદ્દે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં માલધારી સમાજ સહિત વેપારીઓએ સ્વંયભુ બંધ પાળી ટેકો જાહેર કર્યો હતો. બુધવારે બંધના એલાનને પગલે થરાદ નગરના વેપારીઓએ આગળના દિવસે સમર્થનની સ્વૈચ્છિક જાહેરાત કર્યા બાદ બુધવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા, થરાદ શહેરો સહિત તમામ બજારો જડબેસલાક સ્વયંભૂ બંધ રહ્યાં હતાં. ગાય માતાના આહાર માટે સરકાર બજેટમાં 500 કરોડની જાહેરાત કરીને ભુલી ગઈ છે. જેથી અબોલ પશુઓનો નિભાવ કરવો ખુબ જ કઠીન છે. જો સરકાર 48 કલાકમાં સહાય જાહેર નહીં કરે તો આગામી સમયમાં અંબાજી ખાતે પધારનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ