ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૧.૦૯.૨૦૨૨
બનાસકાંઠા જિલ્લામાં જાહેર પ્લોટ હરાજીની પ્રક્રિયા પારદર્શી રીતે કરવામાં આવશે
જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ હરાજી સંબંધિત પ્રક્રિયા અંગે નિયમોની માહિતી અને જાણકારી આપી
જિલ્લા વિકાસ અધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા જિલ્લામાં વર્ષ 2018 માં જાહેર પ્લોટ હરાજીની પ્રક્રિયા પર મુકાયેલો પ્રતિબંધ ઉઠાવી નિયત શરતોને આધીન જાહેર હરાજી ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હરાજીની મંજૂરી મેળવવા માટેની પ્રક્રિયા અને હરાજીની શરતો સહિતની વિવિધ બાબતોની માહિતી અને જાણકારી આપવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ પત્રકાર પરિષદને સંબોધન કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018માં સરકારશ્રીની નીતિ મુજબ ગરીબ અને પછાત વર્ગના લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવણી માટેની જાહેર હરાજીની પ્રક્રિયામાં કેટલીક ગેરરીતિઓ માલુમ પડી હતી. જેમાં અમુક ગામોમાં ગૌચર જમીન પર પ્લોટ ફાળવણી, સરપંચ કે ગ્રામ અગ્રણીઓના નજીકના સંબંધીઓને પ્લોટ ફાળવણી કે સરકાર દ્વારા નક્કી કરેલ અપસેટ કિંમતથી ઓછી કિંમતે હરાજી થઈ હોવાનું ધ્યાન પર આવતાં જિલ્લામાં પ્લોટ હરાજી સ્થગિત કરવા પરિપત્ર કરવામાં આવ્યો હતો. તેમજ આ અંગે ચકાસણી અને તપાસને અંતે પાત્રતા ધરાવતા ગરીબ અને પછાત વર્ગના લાભાર્થીઓને સરકારશ્રીની નીતિ મુજબ પ્લોટ ફાળવણીની કામગીરી સુચારુ રીતે થાય તે હેતુથી નિયત શરતોને આધીન જાહેર હરાજી પુનઃ શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
હરાજીની પ્રક્રિયા તરત જ શરૂ કરી દેવામાં આવશે એમ જણાવતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ હરાજીની પ્રક્રિયા સંબંધિત વિગતો આપતાં કહ્યું હતું કે, જે ગામોમાં ગામતળ ઉપલબ્ધ છે ત્યાં હરાજીની પ્રક્રિયા કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના અને પારદર્શકતાથી થાય એ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની લેખિત મંજુરી મળ્યા બાદ નિયત ફોર્મમાં તમામ અરજીઓ જિલ્લા કક્ષાએ સ્વીકારવામાં આવશે. જે સર્વે નંબર વાળી જમીન પ્લોટ ફાળવણી માટે માંગવામાં આવી હશે એ જમીનના ૭/૧૨, ૮ અ, જુના ૭/૧૨ ના ઉતારા અને હક્કપત્રકની તમામ નોંધો સાથે લે આઉટ પ્લાન મુકવાનો રહેશે. જે તમામ બાબતોને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રમાણિત કરી જિલ્લા કચેરીએ રજૂ કરવાની રહેશે.
સદર દરખાસ્ત જિલ્લા કલેક્ટરશ્રીની વડપણવાળી જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં મુકવામાં આવશે. ત્યારબાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) ની લેખિત મંજૂરી મેળવ્યા બાદ જાહેર હરાજી કરી શકાશે. વધુમાં તેમણે આ પ્રક્રિયા અંગેનું જાહેરનામું જિલ્લા પંચાયત કચેરી, પાલનપુરના નોટિસ બોર્ડ ઉપર, ગ્રામ્ય કક્ષાએ પિકઅપ સ્ટેન્ડ, ગ્રામ પંચાયત, સરકારી પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હાઇસ્કૂલ, દૂધ મંડળી, સેવા સહકારી મંડળીઓ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેકટર કચેરી તેમજ જાહેર સ્થળોએ જાહેર પ્રસિદ્ધિ માટે મુકવાના રહેશે. તેમજ ૫ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોના કિસ્સામાં હરાજી અંગે અખબારમાં પ્રસિદ્ધિ કરવાની રહેશે. ગામતળના પ્લોટની હરાજી કરતાં પહેલા પ્લોટની હરાજીની તારીખ અને સમય જણાવવાની સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ રૂબરૂ હાજર રહી જિલ્લાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં અને હરાજીની પ્રક્રિયાની વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી કરવાની રહેશે. હરાજીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી રીતે અને કોઈપણ પ્રકારની ગેરીરીતિ વિના થાય એ પ્રકારનું આયોજન કરાયું છે. તેમ છતાં પણ કોઈ ગેરીરીતિ માલુમ પડશે તો જવાબદાર અધિકારીશ્રીઓ, ગામ આગેવાનો, લોક પ્રતિનિધિઓ સહિતના સામેલ લોકો સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.કે.ચૌધરી, નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી તથા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
પાલનપુર આઈ.ટી.આઈ. ખાતે ૬૪૪ તાલીમાર્થીઓને એનસીવીટી પ્રમાણપત્ર એનાયત કરાયા
બનાસકાંઠા જિલ્લાની પાલનપુર આઈ.ટી.આઈ. ખાતે વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન તાલીમ મેળવી પાસ આઉટ થઈ તાલીમાર્થીઓ માટે તા.૧૭/૦૯/૨૦૨૨ ના રોજ કૌશલ દિક્ષાંત સમારોહની ઉજવણી કરવામા આવી હતી. આ ઉજવણી પ્રસંગે વર્ષ ૨૦૨૧-૨૨માં પાસ થયેલ કુલ-૬૪૪ તાલીમાર્થીઓને એનસીવીટી પ્રમાણપત્ર તથા પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમાંક મેળવનારને મહેમાનશ્રીઓના હસ્તે મેડલ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બનાસકાંઠાના સાંસદશ્રી પરબતભાઈ પટેલ, જનરલ એન્ડ ફેમિલી ફીજીશીયન (સ્વચ્છ ભારત બ્રાંડ એમ્બેસેડર બનાસકાંઠા) ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, જનરલ મેનેજર, ડ્યુક પ્લાસ્ટો પ્રા.લી પાલનપુરના શ્રી સંજય પંચાલ તેમજ વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ આચાર્યશ્રી, ઔધોગિક તાલીમ સંસ્થા, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
ટિપ્પણીઓ