ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૮.૦૯.૨૦૨૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ધરોઈથી અંબાજી સુધી સાયકલ યાત્રા યોજાઈ
અંબાજી મંદિરના ચાચરચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણાના ધરોઈથી અંબાજી સુધી ૮૨ કિલોમીટર સુધીની સાયકલોથોન યાત્રા યોજાઇ હતી. આ સાયકલોથોન યાત્રા ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ ૮૨ કિ.મી. ની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચી હતી. આ સાયકલોથોનમાં જોડાયેલા તમામ સાયકલિસ્ટો બાવન ગજની એક ધજા અને ૨૧ નાની ધજાઓ સાથે મા અંબે ના દરબાર મા બોલ માડી અંબે.... જય જય અંબે.... ના નાદ સાથે પહોંચ્યા હતા. આ ટીમની સાથે બૉલીવુડના કલાકાર અને પ્રોડ્યૂસર મિલિન્દ સોમણ પણ જોડાયા હતા અને મા અંબાને ધજાઓ ચઢાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ગુજરાત ટુરિઝમ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અંબાજી મંદિરના ચાચરચોકમાં યોજવામાં આવ્યા હતા. જેમાં ધરોઈથી અંબાજી પહોંચેલા તમામ સાયકલિસ્ટો સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યો હતો. જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસનું આકર્ષણ પણ વધ્યું હતું. આ પ્રસંગે યોજાયેલી સાયકલોથોન યાત્રા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સૌપ્રથમ વખત કરવાંમાં આવ્યું છે. જેેની ઉપસ્થિત રહેલા ફિલ્મ આર્ટિસ્ટ અને પ્રોડ્યુસર મિલિન્દ સોમણએ પણ સરાહના કરી હતી.
____________________________________________
પાત્રતા ધરાવતા ગરીબ અને પછાત વર્ગના લાભાર્થીઓને પ્લોટ મળી રહે તે માટે બનાસકાંઠામાં જાહેર હરાજીની પ્રક્રિયા પુન: શરૂ
વર્ષ-૨૦૧૮ માં બનાસકાંઠા જિલ્લામાં ગામ તળના પ્લોટોનું હરાજીથી વેચાણ ન કરવા જિલ્લા પંચાયત કચેરી દ્વારા પ્લોટ હરાજી સ્થગિત કરવાનો પરિપત્ર કરવામાં આવેલ. જે સદર્ભે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પદાધિકારીશ્રીઓ અને અરજદારશ્રીઓ દ્વારા હરાજી ચાલુ કરવા બાબતે સમયાંતરે રજૂઆતો મળી હતી. જે બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પાત્રતા ધરાવતા ગરીબ અને પછાત વર્ગના લાભાર્થીઓને પ્લોટ મળી રહે તે માટે અગાઉનો પરિપત્ર રદ કરી હરાજી પુન: શરૂ કરવાનો પરિપત્ર તા.૧૬/૦૯/૨૦૨૨ ના રોજ બહાર પડાયો છે.
જે અન્વયે જાહેર પ્લોટોની જાહેર હરાજી કરતાં પહેલા આ અંગેનું જાહેરનામું જિલ્લા પંચાયત કચેરી, પાલનપુરના નોટિસ બોર્ડ ઉપર, ગ્રામ્ય કક્ષાએ પિકઅપ સ્ટેન્ડ, ગ્રામ પંચાયત, સરકારી પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હાઇસ્કૂલ, દૂધ મંડળી, સેવા સહકારી મંડળીઓ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેકટર કચેરી તેમજ જાહેર સ્થળોએ જાહેર પ્રસિદ્ધિ કરવાની રહેશે. ગામતળના પ્લોટની હરાજી કરતાં પહેલા પ્લોટની હરાજીની તારીખ અને સમય જણાવવાની સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ રૂબરૂ હાજર રહી જિલ્લાના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં હરાજીની કાર્યવાહી કરવાની રહેશે. હરાજીની મંજૂરી મેળવવા માટેની પ્રક્રિયા અને જાહેર હરાજીની શરતો તમામ અરજદારોને બંધનકર્તા રહેશે એમ પરિપત્રમાં જણાવ્યું છે.
____________________________________________
સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮.૦૦ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે
રાજયની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ વધુ સારી રીતે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે આઠ કલાક સુધી ઓ.પી.ડી દ્વારા સારવાર પૂરી પાડવાનો રાજય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં દાખલ દર્દીના એક સગાને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવશે.
શ્રી અગ્રવાલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની આરોગ્યસેવાઓને ગુણવત્તા યુક્ત બનાવવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે રાજય સરકારે આરોગ્ય સેવાઓને સુદ્રઢ કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના સામાન્ય જન,શ્રમજીવી પરિવારોને આરોગ્ય લક્ષી સેવાઓ નિષ્ણાંત તજજ્ઞો દ્વારા સાંજના સમયે તેમજ રવિવારે પણ મળી રહે તે હેતુસર સાંજની ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો આ મહત્વનો નિર્ણય કર્યો છે.તેની સાથે સાથે લેબોરેટરી,એક્સ-રે તપાસ, ફાર્મસી,ફિઝિયો થેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહે તે માટે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર,સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ,ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો નિર્ણય કરાયો છે. તદઅનુસાર સવારની ઓ.પી.ડી.નો સમયગાળો (સોમવાર થી રવિવાર) સવારે ૦૯.૦૦ થી ૦૧.૦૦ કલાક અને સાંજની ઓ.પી.ડી.નો સમયગાળો (સોમવાર થી શનિવાર) સાંજે ૦૪.૦૦ થી ૦૮.૦૦ કલાકનો રહેશે. તેમજ જાહેર રજાઓ દરમ્યાન હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવારની સેવાઓ ચાલુ રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું કે,આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સુવિધાઓ પુરી પાડવા ઘણી બધી આરોગ્યલક્ષી સેવાઓમાં ઉતરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે.જેને ધ્યાને લઇ જનસેવાના ધ્યેય સાથે રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે તબીબી સારવારની સુવિધાનો લાભ રાજ્યના નાગરિકોને આપવામાં આવે છે. પરંતુ જે કિસ્સાઓમાં ઉચ્ચ કક્ષાની સારવારની જરૂર હોય છે તેવા કિસ્સાઓ માં જિલ્લા કક્ષાની હોસ્પિટલો અથવા મહાનગર ખાતેની હોસ્પિટલો ખાતે દાખલ થવાની જરૂર પડતી હોય છે. આવા સંજોગોમાં મોટા શહેરોમાં સામાજિક સગા સંબંધીઓના અભાવે ઘણીવાર દર્દી સાથે આવેલ સગાંને પૌષ્ટિક અને આરોગ્યલક્ષી તાજા ખોરાકની અસુવિધા અને નાણાકીય અગવડતાનો સામનો કરવો પડે છે.આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્યની સબ ડીસ્ટ્રીકટ, ડીસ્ટ્રીકટ તેમજ મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે દાખલ દર્દી અને તેની સાથેના એક સગાને નિ:શુલ્ક બે ટાઈમ પૌષ્ટિક ભોજન મળી રહે તેવી સેવાકીય વ્યવસ્થા ઉભી કરાશે.
આ માટે જે હોસ્પિટલોમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર્દી અને દર્દીના સગાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેવી સંસ્થાઓ સાથે જે તે હોસ્પિટલ દ્વારા ફરજિયાતપણે એમ.ઓ.યુ. કરી બેઠક વ્યવસ્થા તેમજ લાઇટ-પંખા તેમજ સ્વચ્છતાની જાળવણી સાથૈ જમવા માટે નિશ્ચિત જગ્યા ખાતે યોગ્ય આયોજન કરવામાં આવશે અને જે હોસ્પિટલોમાં આવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન વ્યવસ્થાનું આયોજન હાલમાં કરવામાં આવતું નથી ત્યાં હોસ્પિટલ દ્વારા સરકારી ખર્ચે આયોજન કરવામાં આવશે તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરીટી દ્વારા સેવાભાવી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ ખાતેના રસોઇ ઘરની સમયાંતરે મુલાકાત લઈને અને દર્દી તેમજ તેના એક સગાને અપાતા ભોજનની ગુણવત્તાનું ચેકીંગ કરી સતત મોનીટરીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું
શ્રી અગ્રવાલે ઉમેર્યું કે,રાજયમાં ૪૫૦ ઉપરાંત સી.એચ.સી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો અને મેડીકલ કોલેજ સંલઞ્ન હોસ્પિટલો કાર્યરત છે.જેમાં હાલ ની ઓ.પી.ડી માં દરરોજ ૧.૨૫ લાખથી ૧.૩૦ લાખ નાગરિકો ઓ.પી.ડીની સેવાઓનો લાભ લઈ રહ્યા છે.આ બે કલાકનો સમય વધારવાના લીધે દરરોજ ના ૩૫ થી ૪૦ હજાર નાગરિકો વધુ લાભ લઈ શકશે. આ સમય વધારવાના લીધે નાના સ્વરોજગાર મેળવતા લોકો તથા નોકરિયાત લોકો પણ આ સેવાનો લાભ લઈ શકશે.
શ્રી અગ્રવાલે ઉમેર્યુ કે,રાજયના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જીલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે ૬૦ વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્ય લક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય કરાયો છે.
વયોવૃધ્ધ વ્યક્તિઓ એટલે કે, ૬૦ વર્ષ કે તેથી ઉપરની વયનાં લોકો માટે રાજ્યની તમામ જીલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જીલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેંદ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સેંટરો તેમજ હોસ્પિટલો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે જે સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે જેમાં તમામ સરકારી હોસ્પિટલો તથા આરોગ્ય કેંદ્રો પર ઓ.પી.ડી., કેસબારી, ફિઝિયોથેરાપી સેંટર, લેબોરેટરી, દવા બારી વિગેરે સ્થળ પર વયોવૃધ્ધ વ્યક્તિઓને મુશ્કેલી ન થાય તે માટે અલગ લાઇનની વ્યવસ્થા કરાશે. જેમાં વયોવૃધ્ધને પ્રાધાન્ય પણ અપાશે તથા શક્ય હોય તેવી જગ્યાએ અલાયદી ઓપીડીની વ્યવસ્થા ઉભી કરાશે.
આ ઉપરાંત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ,મ્યુ. કોર્પો. હોસ્પિટલ, જીલ્લા હોસ્પિટલ, પેટા જીલ્લા હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે અલગ વોર્ડ પણ નિયત કરાશે. જો તેમ શક્ય ન બને તો દરેક વોર્ડમાં ઓછામાં ઓછા બે બેડ(૨-પથારી) આરક્ષિત રાખવામાં આવશે.આ તમામ સેવાઓ અગેનાં સાઇનેજ બોર્ડ પણ લગાડવામાં આવશે
તેમજ જો કોઇ નિરાધાર વયોવૃધ્ધ જણાય તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ૨૪×૭ એલ્ડર હેલ્પલાઇન-૧૪૫૬૭નો સંપર્ક કરી જરૂરી સહાય પણ કરાશે.આ હેલ્પલાઈન દ્વારા વૃધ્ધોને લગતા પ્રશ્નો જેવા કે સાર-સંભાળ કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન: સ્થાપનની કામગીરી પણ કરવામાં આવે છે. જેને ધ્યાને લઇ આવી કોઈ જરૂરીયાત ઉભી થાય તો તેમાં સહાય કરી સેવાઓ પુરી પડાશે.
____________________________________________
પાલનપુરમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય હસ્તકના રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન કલકતા દ્વારા આધુનિક ભારતના પિતામહ રાજા રામમોહન રોયની ૨૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે મહિલા સશક્તિકરણ અંગે જન જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ, નિયામક ગ્રંથાલય કચેરી, ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા આયોજિત અને સરકારી જિલ્લા પુસ્તકાલય પાલનપુરના સંયુક્ત ઉપક્રમે કાનુભાઈ મહેતા હોલ ખાતે નિવાસી અધિક કલેકટર સુશ્રી રીટાબેન પંડ્યાની અધ્યક્ષતામાં મહિલા સશક્તિકરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંપ્રત સમયમાં મહિલાઓની સ્થિતિ, મહિલાઓનો સંઘર્ષ- સમસ્યાઓ, સિદ્ધિઓ અને સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવાની સાથે ૨૫૦ વિધાર્થીનીઓની એક વિશાળ રેલી યોજાઇ હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર સુશ્રી રીટાબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કરતા પૌરાણિક કાળથી આધુનિક કાળ સુધીના સમયમાં થઈ ગયેલી મહાન મહિલાઓની પ્રેરણાદાયી કથાઓના જીવન પ્રસંગોમાંથી ભાથું મેળવવા આજની મહિલાઓને અપીલ કરી હતી. આ પ્રસંગે ડૉ.પંકજ કે. ગોસ્વામી-નિયામકશ્રી, ગ્રંથાલય ગુજરાત રાજ્ય, ગાંધીનગર, રાજા રામ મોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશન મુંબઈના ફિલ્ડ આસિસ્ટન્ટશ્રી રાજીવ રંજન કુમાર, શ્રીમતી શિલ્પાબેન દેસાઈ-ગ્રંથપાલશ્રી સરકારી જિલ્લા પુસ્તકાલય પાલનપુર સહિત વિવિધ જિલ્લાના ગ્રંથપાલશ્રીઓ, મદદનીશ ગ્રંથપાલશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ