ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૭.૦૯.૨૦૨૨
નાની બજાર રોડ ઉપર ત્રીજી વખત વાહનનું ટાયર ફસાયું
પાલનપુરમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ગેરરીતિ આચરી જેમ તેમ પુરાણ કરીને રસ્તા યથાવત્ છોડી દીધા હોઇ આ વરસાદમાં ઠેર ઠેર માર્ગો ઉપર ભૂવા પડવાના તેમજ રોડ બેસી જતાં વાહનોના ટાયર ફસાવાના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે ત્યારે શુક્રવારે હાથીખાના ચોકથી નાની બજાર તરફ જતા રોડ ઉપર ત્રીજી વખત વાહનનું ટાયર ફસાયું હતું. જેમાં નાની બજાર રોડ ઉપરથી એક લાકડા ભરેલું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રેક્ટરનું ટાયર રોડમાં ખૂંપી ગયું હતું. જાહેર માર્ગ ઉપર ટ્રેક્ટરનું ટાયર ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે ચાલકને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ જગ્યા ઉપર ત્રીજી વખત આ રીતે વાહનનું ટાયર ફસાયું હતું. હવે વરસાદ ઓછો થયો છે ત્યારે નગરપાલિકાએ સમગ્ર કોટ વિસ્તારના માર્ગોનો સર્વે કરાવી નવેસરથી દરેક માર્ગ ઉપર રોડનું સમારકામ અને નવીનીકરણ કરાવવું જરૂરી છે.
_____________________________________________
રાજ્યના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કાયમી કે હંગામી કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ મુદ્દે આંદોલન
બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા દેખાવો કરી સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ
ગુજરાત રાજ્યના વિવિધ વિભાગના કાયમી કે હંગામી કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીય મુદ્દે આંદોલન કરવામાં આવી રહેલ છે જેમાં છેલ્લા ૧૫ દિવસથી બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો પોતાની વિવિધ પડતર માંગણીઓ મુદ્દે રેલી કાઢીને દેખાવો કરીને પ્રદર્શન કરી રહી છે ત્યારે શુક્રવારે પણ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ મુદ્દે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ વહેલી તકે સંતોષવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
પૂર્વ સૈનિકોની વિવિધ ૧૪ માંગણીઓ ૨૪ કલાકમાં સ્વીકારવા દાંતીવાડા તાલુકા કિસાન સેલ કોંગ્રેસ દ્વારા દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર અપાયું.
રાજ્યના પૂર્વ સૈનિકોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેમાં દાંતીવાડા તાલુકા કિસાન સેલના ચેરમેન ચંપુસિંહ વાધેલાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ દાંતીવાડા મામલતદાર કચેરી પહોંચી "ભાજપ સરકાર તારી છેલ્લી દિવાળી" જેવા નારા લગાવી મામલતદારને આવેદનપત્ર આપી સરકાર દ્વારા પૂર્વ સૈનિકોની વિવિધ ૧૪ માંગણીઓ ચોવીસ ક્લાકમાં પૂરી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
ડીસા પાલિકાના હંગામી કર્મચારીઓને ફિક્સ પગાર આપી કાયમી કરવાની માંગ સાથે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર અપાયું
ડીસા નગરપાલિકાના હંગામી કર્મચારીઓએ પોતાને હવે ફિક્સ પગાર આપી કાયમી કરવાની માંગ સાથે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અગાઉ હાઇકોર્ટે આ હંગામી કર્મચારીઓને કાયમી કરવા માટે આદેશ આપ્યો હોવા છતાં પણ નગરપાલિકાએ પાણી પુરવઠા વિભાગના રોજમદારોની ભરતી કરી નથી અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. મોંઘવારીના સમયમાં ઓછા પગારમાં કર્મચારીઓના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે આ કર્મચારીઓએ તેમને ફિક્સ પગાર આપી કાયમી કરવાની માંગ સાથે શુક્રવારે ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જો પાંચ દિવસમાં સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો હડતાલ પર જવાની ચીમકી આપી હતી.
થરાદ ડેપોના કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નો મામલે સાંસદ અને ધારાસભ્યને રજૂઆત
એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માગણીઓને લઈ સરકાર સામે લડત શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ભારતીય મજદૂર સંઘના આહ્વાન મુજબ એસ.ટી.ના કર્મચારીઓની વ્યાજબી માંગણીઓને લઈ શુક્રવારે થરાદ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
થરાદ-વાવ પંથકના આઉટસોર્સિંગ કર્મચારીઓએ પોતાને કાયમી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું
થરાદ, વાવ અને સૂઇગામની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ, કરાર આધારિત અને રોજમદાર કર્મચારીઓ દ્વારા તેમને કાયમી કરવામાં આવે અને સમાન વેતન આપવામાં આવે તેવી માંગ સાથે થરાદના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કર્મચારીઓએ પોતે શનિવારે વડાપ્રધાનના જન્મદિવસે હડતાળ પર ઉતરીને આ દિવસને શોકદિવસ તરીકે મનાવશે તેવું પણ જણાવ્યું હતું.
_____________________________________________
સરહદી પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા વાવ ધારાસભ્ય દ્વારા થરાદના પ્રાંત ઓફિસરને લેખિત રજૂઆત
બનાસકાંઠાના સરહદી પંથકમાં ચાલુ ચોમાસુ સીઝનમાં સતત વરસાદના કારણે ખેડૂતો વાવણીથી વંચિત રહ્યા હોવાથી વાવ ધારાસભ્ય દ્વારા આ પંથકમાં સર્વે કરીને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી થરાદના પ્રાંત ઓફિસરને લેખિત રજૂઆત કરી માંગ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક વાવ, સુઇગામ અને ભાભર વિસ્તારમાં ચાલુ ચોમાસુ સીઝનમાં સતત ઘણાં દિવસો સુધી વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતરો જળબંબાકાર થઈ જવાના કારણે ખેડૂતો પૂરતા પ્રમાણમાં વાવણી ના કરી શકતા અને અત્યારે પણ ખેતરોમાં પાણી ભરાયેલ હોવાના કારણે ખેડૂતો વાવણીથી વંચિત રહેતા તેમને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા સરહદી વિસ્તારમાં સર્વે કરી લીલો દુષ્કાળ જાહે૨ ક૨ી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ટિપ્પણીઓ