ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૪.૦૯.૨૦૨૨
કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા મંજૂર કરાવેલા માર્ગોનું કામ રદ કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મંત્રીને લખેલો પત્ર વાયરલ
લોકોના હિત માટે મંજૂર કરાવેલ કામને જિલ્લા ભાજપ પ્રમુખે વ્યક્તિગત ગણાવી કામ રદ કરવાની ભલામણ કરી
ગામલોકોએ "રોડ નહીં તો વોટ નહીં" સહિતના લખાણ લખેલા બેનર પ્રદર્શિત કરી રેલી કાઢી ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી દિવાળી પહેલાં કામ શરૂ કરવાની માંગ કરી
બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ દ્વારા પાલનપુરના ધારાસભ્ય દ્વારા મંજુર કરાવવામાં આવેલા ત્રણ માર્ગોનું કામ રદ કરવા માર્ગ અને મકાન વિભાગના મંત્રીને રજૂઆત કરી હોવાનો પત્ર વાયરલ થતાં જિલ્લા ભાજપ પ્રમુખને લોકોને સુવિધા મળે એમાં નહીં પરંતુ કોંગ્રેસ જશ ન ખાટી જાય એમાં રસ હોવાની વાત ખુલ્લી થઇ જવા પામી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા લોકોની સમસ્યા દૂર કરવાનું તો બાજુ પર રહ્યું પણ જે સુવિધા મળવાની છે એમાં વિઘ્ન નાખી રોડાં નાખવાનો પ્રયાસ કરવાના ભાગરૂપે પોતાની સરકારના મંત્રીને પત્ર લખી જેના જોબ નંબર પડી ગયા છે એવા માર્ગના કામો રદ કરવાની ભલામણ કરતા આ ગામોના લોકોમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ ગામોના લોકોએ ભેગા મળી "રોડ નહીં તો વોટ નહીં"ના નારા સાથે રેલી કાઢી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે વર્ષ ૨૦૨૦માં ચંડીસર નેશનલ હાઇવેથી કોટડા માર્ગ, ચંડીસર જીઆઇડીસીથી મોટા – ૨સાણા માર્ગ અને વાઘણાથી મડાણા- ચંડીસર માર્ગનું કામ મંજૂર કરાવ્યું હતું. પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે એમાં રાજકારણ ઘુસાડી આ માર્ગ ધારાસભ્યના વ્યકિતગત તેમના સબંધીના વ્યકિતગત હિત માટે મંજૂર કરાવ્યા હોવાનું જણાવી આ માર્ગોનું કામ રદ કરવા માટે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીને તા. ૦૫.૦૮.૨૦૨૨ના રોજ પત્ર લખીને રજૂઆત કરી હતી. આ પત્ર વાયરલ થતાં લોકોએ જિલ્લા ભાજપ પ્રમુખ વિરુધ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સાત જેટલા ગામના લોકોએ ભેગા મળી આ ગામોના કાચા માર્ગ ઉપર બેનરો સાથે રેલી કાઢી "રોડ નહીં તો વોટ નહીં"ના નારા લગાવ્યા હતા.
આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અમારો આ માર્ગ કાચો હોવાથી અમારે તે માર્ગમાંથી પસાર થવું બહુ મુશ્કેલ છે. ચોમાસાની સિઝનમાં અહીં ખૂબ જ કીચડ હોવાથી શાળામાં જતા બાળકો ખૂબ હેરાન થાય છે. અમારે ખેતરમાંથી ઘાસચારો લાવવા માટે પણ ભારે તકલીફ પડી રહી છે. અમને જાણવા મળ્યું છે કે, અમારા રોડનું કામ મંજૂર થઈ ગયું હતું. પરંતુ ભાજપના પ્રમુખ દ્વારા આ કામને રદ કરવાની ભલામણ કરવામાં આવી છે તે યોગ્ય નથી. હાલમાં લમ્પી વાયરસનો રોગ ચાલી રહ્યો છે એવામાં ગાયોની સારવાર માટે ગામમાં ડૉક્ટર બોલાવવા હોય તો પણ મુશ્કેલી પડે છે. અહીં કોઈ વાહનોવાળા પણ આવવા માટે આનાકાની કરે છે. ધારાસભ્ય મહેશભાઈ પટેલ દ્વારા વ્યકિતગત હિત માટે નહીં પણ લોકોના હિત માટે આ માર્ગોનું કામ મંજૂર કરાવાયું છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ લોકોની સમસ્યા દૂર કરવાના બદલે લોકોની સમસ્યા વધે એવું કાર્ય કરી રહ્યા છે. લોકોએ ચીમકી આપતા જણાવ્યું હતું કે, જો અમારા આ માર્ગનું કામ દિવાળી પહેલાં શરૂ કરવામાં નહીં આવે તો ભાજપના નેતાઓએ અમારા ગામોમાં વોટ લેવા માટે આવવું નહીં.
____________________________________________
જૂના દાયરામાં લમ્પી વાયરસથી પીડાતી ગાયનું મોત
હજુ પણ આ વિસ્તારમાં લમ્પી વાયરસથી પીડાતી ગાયો ફરતી હોઈ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી
બનાસકાંઠા જિલ્લાના ગામોમાં ઠેર ઠેર ગાયોમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇ હજારો ગાયો મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે. લમ્પી વાયરસ બેકાબુ બનતો જાય છે અને લમ્પી વાયરસમાં સપડાયેલી ગાયો શહેરમાં રસ્તા પર અને ગામડામાં ફરતી દેખાય છે. એવી જ રીતે પાલનપુર શહેરમાં પણ લમ્પીનો કહેર કેટલાય સમયથી વકર્યો છે. જેમાં પાલનપુર જુના ડાયરા વિસ્તારમાં પણ લમ્પી વાયરસ ધરાવતી ગાયો ફરે છે. જેમાં એક લમ્પી વાયરસવાળી ગાયનું મોત નીપજતા જેની જાણ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ કિરણબેન રાવલના પતિ દેવેન્દ્રભાઈ રાવલને કરવામાં આવતા તેમણે તાત્કાલિક અસરથી સાધનો સાથે નગરપાલિકાનો સ્ટાફના મોકલી મૃત ગાયનો નિકાલ કરાવ્યો હતો.
____________________________________________
વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પાલનપુર ખાતે રૂ. ૫૯.૭૭ કરોડના ૨૩ કામોનું ઇ-ખાતમૂર્હત અને ઇ-લોકાર્પણ કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ટાઉન હોલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત વિભાગના કુલ-૫૯.૭૭ કરોડ રૂપિયાના ૨૩ કામોનું ઇ- ખાતમૂર્હત અને ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે રૂ. 115.50 લાખ કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડની સહાય ૧૦ ગ્રામ સખી સંઘને એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સખી મંડળની બહેનોને રિવોલ્વીંગ ફંડ, ગેસ કનેક્શનના લાભાર્થીઓને ગેસ કીટ અને આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, દિલીપભાઇ વાઘેલા, ગિરીશભાઇ જણાણીયા, લાલજીભાઇ પ્રજાપતિ, મોતીભાઈ પાળજા, અશ્વિનભાઇ સક્સેના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી રીટાબેન પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ