ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૩૦.૦૮.૨૦૨૨
પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં "વીરાંજલિ કાર્યક્રમ" યોજાશે
કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે
કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે
કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
100 કરતા વધુ કલાકારો વતનના વિસરાયેલા વીરોની કહાની મલ્ટીમીડિયા શો રૂપે રજૂ કરશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો " વીરાંજલિ કાર્યક્રમ" આગામી 31 ઓગષ્ટે પાલનપુર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. જેમાં વિખ્યાત સાહિત્યકારશ્રી સાંઈરામ દવે સહિતના 100થી વધુ કલાકારો દ્વારા મલ્ટીમીડિયા શૉ થકી વતનના વીસરાયેલા વીરોની વાત રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજન અને તૈયારી અંગે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી.જેમાં વીરાંજલિ કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થા અંગે કલેકટરશ્રી આનંદ પટેલે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતના સૌ પ્રથમ મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલિની શરુઆત ઐતિહાસિક નગરી પાટણથી થઈ હતી.અને અત્યાર સુધી 14 જેટલા શહેરમાં રજૂ થઈ ચૂક્યો છે. આ મલ્ટીમીડિયા શો 3 લાખ જેટલા લોકો પ્રત્યક્ષ નિહાળી ચુક્યા છે તો 10 લાખથી વધારે લોકો વિવિધ પ્લેટફોર્મ પર વર્ચ્યુલી લાઈવ જોઈ ચુક્યા છે. આ મલ્ટી મીડિયા શોમાં આધુનિક ટેકનોલોજીના સમન્વયથી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને તદ્દન નવા અંદાજમા રજૂ કરવામાં આવ્યો છે. દેશ માટે ફાંસીના માંચડે ચડનારા ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુના જીવન અને કવનને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં સાંઈરામ દવે એ લખ્યું છે. સંગીતકાર રાહુલ મુંજારીયાએ તદ્દન નવા દેશભક્તિના ગીતોને સંગીતબદ્ધ કર્યા છે.જેને કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર ,ગીતા રબારી જેવા નામાંકિત કલાકારોએ સ્વર આપ્યો છે. વીરાંજલિ કાર્યક્રમ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી યુવાનો માટે સવિશેષ રૂપે તૈયાર કરેલ ડ્રામા છે.
આ માત્ર કાર્યક્રમ નહીં પણ વતનપ્રેમની વેક્સિનનો બુસ્ટર ડૉઝ છે. ભારતના વીર સપૂતોની શહિદીની ગાથાની સાથે સાથે સાંપ્રત સમયમાં આપણે દેશની સેવા માટે શું કરી શકીએ તેની વાત આ કાર્યક્રમ થકી કરવામાં આવશે. અત્યાધુનિક ટેક્નોલોજીના સમન્વયથી આજના યુવાનોને ગમે તેવી ભવ્ય રજૂઆત દ્વારા દેશભક્તિની ભાવનાથી ભરપૂર આ કાર્યક્રમનું પાલનપુરના નગરજનો માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.કે.ચૌધરી, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.કે પટેલ, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, તત્વમસી રાગા પ્રા.લિ રાજકોટના શ્રી અમિત દવે, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશ સોની તથા અધિકારીશ્રીઓ- પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
હ્યુમેનીસ્ટ યુથ ફોરમે કરબેશ્વર મહાદેવના પહાડો પર તિરંગો લહેરાવ્યો
(માહિતી બ્યુરો પાલનપુર)
જી.ડી.મોદી આર્ટસ કોલેજ પાલનપુરના હ્યુમેનીસ્ટ યુથ ફોરમ અને જન સેવા એજ પ્રભુસેવાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૭/૮/૨૨ ના રોજ છાપરા(હાથીદ્રા) ખાતે એક ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રકિંગ કેમ્પમાં કોલેજના ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદેશ્ય યુવાનો કુદરતના સૌંદર્યને માણે, તેના મહત્વને સમજે સાથે સાથે ટ્રેકિંગ જેવી પ્રવૃતિઓ યુવાનોમાં સ્ફૂર્તિ લાવવાનો, તેમના શરીરને તંદુરસ્ત રાખવાનો હતો. વિદ્યાર્થીઓ ૨ કી.મી ટ્રેકિંગ કરી કરબેશ્વર મહાદેવની ગુફાએ પહોંચ્યા હતા, અને તે ગુફાઓ અને ધોધની સુંદરતાને માણી હતી. આવી ઘણી ગુફાઓ બનાસકાંઠાના અન્ય વિસ્તારોમાં પણ આવેલી છે જેના વિષે લોકોને પૂરતી માહિતી નથી.
આ ટ્રેકિંગનું ચઢાણ ખુબ સાહસ માંગી લે તેવું હતું જેના થકી યુવાનોમાં એક સાહસવૃત્તિનું પણ નિર્માણ થયું, તેઓ એ વચ્ચે આવતી નદી -ઝરણાંનો પણ ઉત્સાહભેર આનંદ લૂંટ્યો હતો. અંતે વિદ્યાર્થીઓ પર્વતની ટોચ પર પહોંચ્યા હતા, ત્યાં બેસી તેમણે થોડા સમય માટે ધ્યાન તેમજ ૐકાર નાદ ધ્યાન કર્યું હતું અને તેમણે તિરંગો લહેરાવ્યો હતો.આ ટ્રેકિંગમાં કોલેજના પ્રોફેસર અને હ્યુમેનીસ્ટ યુથ ફોરમના મેન્ટર પ્રો.મિહિર દવે, ફોરમના કો-ઓર્ડીનેટર વિક્રમ વજીર પણ જોડાયા હતા.જન સેવા એજ પ્રભુસેવા સંગઠનના જયેશભાઇ સોની દ્વારા આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપવમાં આવ્યું હતું અને છાપરા ગામના છગનભાઇ ધ્રાચી અને મુકેશભાઈ ગાઈડે ટ્રેકિંગમાં મદદ કરી હતી. કોલેજના આચાર્યશ્રી ચૌહાણ સાહેબના માર્ગદર્શન અને આશીર્વાદ થકી સમગ્ર કાર્યક્રમ સુખરૂપે પૂર્ણ થયો હતો.તેમજ સમગ્ર અધ્યાપક મિત્રોએ સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી.
____________________________________________
શ્રી જાગીરદાર ક્ષત્રિય રાજપૂત એકતા મંચ દ્વારા તેજસ્વી તારલાઓનું બહુમાન કરાયું
શ્રી જાગીરદાર ક્ષત્રિય રાજપૂત એકતા મંચ દ્વારા ડીસા ખાતે તેજસ્વી તારલાઓનું બહુમાન કરવા માટે શિસ્તપૂર્વક સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં પ્રથમ વાર જિલ્લાના જાગીરદાર સમાજે એક પંચ પર આવી કાર્યક્રમને સુશોભિત કર્યો હતો.. વિદ્યાર્થીઓને મેરીટ મુજબ ટ્રોફી અને પ્રમાણપત્રો તેમજ મેરીટમાં ન આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ રૂપે પ્રમાણપત્ર અને બુક્સ આપવામાં આવી હતી તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પણ ટ્રોફી એનાયત કરવામાં આપી સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન હેતુ યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઇનામ મળતા તેઓના મોઢા ઉપર પણ સ્મિત રેલાયું હતું.. શિક્ષણ એ જ કલ્યાણના મુદ્દા હેઠળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જિલ્લા શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાએ શિક્ષણ બાબતે ગહન ચર્ચા કરી વિદ્યાર્થીઓને અને વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. જે વાલીઓએ બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રોફી અને પ્રમાણપત્ર માટે કરણસિંહ ચાવડાએ યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લાના રાજવી પરિવારમાંથી વરિષ્ઠ આગેવાનો, જિલ્લાના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, માતાઓ, બહેનો, યુવાનો, કર્મચારી વર્ગ સહિત બુદ્ધિજીવીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો અને નામી અનામી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવવા દરેકે અથાગ મહેનત કરી હતી. તેઓનો સંગઠન વતી આભાર માનવામાં આવ્યો હતો.
આ અંગે સમાજના યુવા અગ્રણી, એડવોકેટ અને પાલનપુર બાર એસોસિએશનના પ્રમુખ જસવંતસિંહ વાઘેલાાએ જણાવ્યું હતું કે પ્રથમ વાર જિલ્લાનો જાગીરદાર ક્ષત્રિય સમાજ એક મંચ પર આવી સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થાય, સમાજની સમૃદ્ધિ વિકાસ થાય તે માટે તત્પર રહેશે. આગામી સમયમાં સંગઠન દ્વારા પોઝિટિવ સમાજના સર્વાંગી વિકાસ માટેના કાર્યક્રમ કરવામાં આવશે. સંગઠનના હકારાત્મક કાર્યક્રમમાં સૌએ જોડાઈને એક જૂથ થઈ સમાજના વિકાસના વહેણમાં સહભાગી થવા તેમણે આહવાન કર્યું હતું
ટિપ્પણીઓ