ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૭.૦૮.૨૦૨૨

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો યોજવા તંત્રની તડામાર તૈયારીઓ
 
અંબાજી ખાતે પ્રવાસન સચિવશ્રી હારીત શુક્લાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો,પાલનપુર)
         અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે યાત્રધામ અંબાજી ખાતે પ્રવાસન વિભાગના સચિવશ્રી હારીત શુક્લાના અધ્યક્ષસ્થાને મેળાના આયોજન માટે રચાયેલ વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. 
          આ સમીક્ષા બેઠકમાં પ્રવાસન સચિવશ્રી હારીત શુક્લાએ જણાવ્યું કે, વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો વૈશ્વિક મહામારી કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે ત્યારે શ્રધ્ધાળુઓ માટે આ મેળો યાદગાર બની રહે તેવા સુંદર પ્રયાસો કરીએ. તેમણે કહ્યું કે, માઇભક્તોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે અને ભાદરવી પૂનમના મેળાને આ વર્ષે વિશેષ બનાવવા માટે રાજ્ય સરકારશ્રી તરફથી તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. સચિવશ્રીએ ટ્રાફિક, પાર્કિગ, સાફ-સફાઇ અને સ્વચ્છતા વગેરે પર ભાર મુક્યો હતો. તેમણે અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજનની સમીક્ષા કરી મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્રને શુભકામનાઓ પાઠવી હતી.
          મીની મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષે દૂરદૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
          મેળા દરમ્યાન અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો છે. અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા થીમ બેઝ પ્લાન્ટેશન કરી બ્યુટીફિકેશન કરાશે.
          બેઠકમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ડાયરેક્ટરશ્રી રાજકુમાર બેનીવાલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ સમિતિના અધિકારીઓ સહિત રાજ્યકક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

પાલનપુર ખાતે દિવ્યાંગોના પ્રશ્નોના નિરાકરણ માટે મોબાઇલ કોર્ટ યોજાઇ

કમિશ્નરશ્રીએ ૩૬ કેસોને સાંભળી તેનો સ્થળ પર જ નિકાલ કર્યો

(માહિતી બ્યુરો, પાલનપુર)
          પાલનપુર ખાતે દિવ્યાંગ વ્યક્તિઓના કમિશ્નરશ્રી વી. જે. રાજપૂતના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નોના નિરાકરણ માટે મોબાઇલ કોર્ટ યોજાઇ હતી. આ મોબાઇલ કોર્ટમાં સ્થળ ઉપર કુલ-૪૧ કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે પૈકી ૩૬ કેસોને કમિશ્નરશ્રીએ સાંભળી તેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો અને ૫ કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિવ્યાંગો માટે પ્રમાણપત્ર કેમ્પનું ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૬૨ દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તથા સરકારશ્રીની રોજગારલક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.                    
         આ મોબાઇલ કોર્ટમાં કમિશ્નરશ્રી વી. જે. રાજપૂતે જણાવ્યું કે, દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નોના સુખદ નિવારણ માટે છેવાડાના જિલ્લાઓ અને અંતરીયાળ વિસ્તારમાં મોબાઇલ કોર્ટનું આયોજન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, સરકારશ્રીએ દિવ્યાંગો માટે સરકારી નોકરીમાં અનામત તથા તેમના કલ્યાણ માટે સ્વરોજગારીની અનેકવિધ યોજનાઓ બનાવી છે તેનો લાભ લઇને આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો. 
          પાલનપુર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મીટીંગ હોલમાં યોજાયેલ આ કેમ્પથી દિવ્યાંગજનોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને મોબાઈલ કોર્ટની પૂર્ણાહુતિ બાદ દિવ્યાંગજનોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એમ.કે.જોશી અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમનુ સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
         દિવ્યાંગ વ્યક્તિઓ માટેના નાયબ કમિશ્નરશ્રી એચ. એચ. ઠેબા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઇ. શેખ, લીગલ એડવાઇઝરશ્રી પ્રકાશ રાવલ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.કે.જોશી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને સારી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

બનાસકાંઠા જિલ્લામાં ૨૬ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરાઇ

(માહિતી બ્યુરો, પાલનપુર)
         બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૨ માટે બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લા કક્ષાના ૩ અને તાલુકા કક્ષાના ૨૩ મળી કુલ- ર૬ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૨માં માધ્યમિક વિભાગમાંથી ડીસા તાલુકાની માણેકપુરા સરકારી માધ્યમિક શાળાના શિક્ષકશ્રી મુકેશકુમાર ગોવિંદભાઇ પ્રજાપતિ, પ્રાથમિક વિભાગ બીટ કેની./ બી.આર.સી./ સી.આર.સી. અને એચ.ટાટ આચાર્ય કેડરમાંથી વડગામ બી.આર.સી. શ્રી મહેન્દ્રસિંહ જેઠુસિંહ બારડ અને શિક્ષક કેડરમાંથી પ્રકાશકુમાર પાનાચંદ સોલંકીની જિલ્લા કક્ષાના પારિતોષિક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
            તાલુકા પારિતોષિક એવોર્ડ માટે ૨૩ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમીરગઢ તાલુકાની ગવરા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી ચૌહાણ કમાભાઇ પચાણભાઇ, જેથી પ્રા. શાળાના શિક્ષકશ્રી પટેલ વિનિતકુમાર બાબુલાલ, દાંતા તાલુકાની પેથાપુર પ્રા. શાળાના શિક્ષકશ્રી દરજી મનોજકુમાર કાંતિલાલ અને અંબાજી-૧ પ્રા. શાળાના શિક્ષકશ્રી પ્રજાપતિ મહેન્દ્રકુમાર બાબુલાલ, ભાભર તાલુકાની દેવકાપડી પગાર કેન્દ્ર શાળાના શિક્ષકશ્રી વાઘેલા સંજયકુમાર આર. અને મોતીપુરા અસાણા પ્રા. શાળાના આચાર્યશ્રી પ્રજાપતિ વિનોદકુમાર પ્રભુદાસ, ડીસા તાલુકાની સદરપુર પ્રા. શાળાના શિક્ષકશ્રી મોદી રાહુલકુમાર કિશોરભાઇ અને લુણપુર પ્રા. શાળાના શિક્ષકશ્રી શેખ સુહાનાબાનુ અબ્દુલગફાર, કાંકરેજ તાલુકાની હરીનગર (આંબલુણ) પ્રા. શાળાના આચાર્યશ્રી પટેલ નિલમભાઇ ચમનભાઇ અને થરા-૧ પે. કે. શાળાના શિક્ષકશ્રી ચૌધરી કાળુભાઇ નાગજીભાઇ, વડગામ તાલુકાની મજાદર પ્રા. શાળાના શિક્ષકશ્રી મહેશ્વરી હાર્દિક ભરતકુમાર અને ગીડાસણ પ્રા.શાળાના શિક્ષકશ્રી પટેલ પરેશકુમાર અરવિંદભાઇ, દિયોદર તાલુકાની કોતરવાડા પે.કેન્દ્ર શાળાના શિક્ષકશ્રી પટેલ અશ્વિનકુમાર અમૃતલાલ અને પાલડી પે કેન્દ્ર શાળાના શિક્ષકશ્રી ચૌહાણ ભરતસિંહ ચતુરસિંહ, થરાદ તાલુકાની રામપુરા પ્રા. શાળાના શિક્ષકશ્રી દવે રાહુલકુમાર રાજનપ્રસાદ અને આજાવાડા પ્રા. શાળાના શિક્ષકશ્રી ચૌધરી બાબુભાઇ રાજાભાઇ, વાવ તાલુકાની શ્રી શીશુ કલ્યાણ આંબેડકર પ્રા. શાળાના શિક્ષકશ્રી સોલંકી શિવાજી ભીખાજી અને ગોકુળનગર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વરજાંગભાઇ મોહનભાઇ, દાંતીવાડા તાલુકાની શ્રી નગર (ઘા) પ્રા.શાળાના શિક્ષકશ્રી પંચાલ ભાવેશકુમાર ડાહ્યાલાલ, સૂઇગામ તાલુકાની લીંબાળા પ્રા.શાળાના શિક્ષકશ્રી કુંભાર રાજેશકુમાર મનજીભાઇ, લાખણી તાલુકાની લાખણી પે. કે. શાળા નં.૨ ના શિક્ષકશ્રી સુથાર મનજીભાઇ આયદાનભાઇ, પાલનપુર તાલુકાની ભાવિસણા પે. કે. શાળાના શિક્ષકશ્રી દરજી અશ્વિનકુમાર ડાહ્યાલાલ અને ધાનેરા તાલુકાની રૂણી પ્રા. શાળાના શિક્ષકશ્રી લેઉવા ગિરીશકુમાર અંબારામની તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ