ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૨.૦૮.૨૦૨૨
રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલન -૨૦૨૨નું નવી દિલ્હીમાં સમાપન
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ દેશના સંરક્ષણ માળખાને મજબૂત કરવા વડાપ્રધાનશ્રીના વિઝન પર આધારિત વિવિધ પહેલોને ઉજાગર કરી
કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪થી ડીજીપી સંમેલનનું સ્વરૂપ બદલવાનો પ્રયાસ કર્યો છે અને તેનું વિશ્લેષણ કર્યા બાદ આપણે ઘણી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ પણ રહ્યા છીએ. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને દરેક રાજ્યોએ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. આ દેશ અને યુવાનોના ભવિષ્યની લડાઈ છે, જેના માટે આપણે એક દિશામાં એક સાથે લડીને કોઈપણ પરિસ્થિતિમાં જીતવાનું લક્ષ્ય છે એમ તેમણે ઉમેર્યું હતું.
નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલન – ૨૦૨૨નું સમાપન સંમેલનમાં સુરક્ષા વર્તમાન પડકારો પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ દેશના સંરક્ષણ માળખાને મજબૂત કરવા વડાપ્રધાનશ્રીના વિઝન પર આધારિત વિવિધ પહેલોને ઉજાગર કરી હતી.
કેન્દ્રિય ગૃહમંત્રીએ કહ્યું કે, સરહદી રાજ્યોના ડીજીપીઓએ સરહદી વિસ્તારમાં થઈ રહેલા ડેમોગ્રાફિક પરિવર્તન પર સતર્ક નજર રાખવી જોઈએ. સાથે-સાથે તેઓ પોતના રાજ્યોમાં ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં તમામ તકનીકી અને રણનીતિ સંબંધી મહત્વની જાણકારીઓ નીચે સુધી પહોંચાડે એ પણ જરૂરી છે.
ભાગ લેનારા પ્રતિનિધિઓએ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા હતા. સ્પેશિયલાઈઝ ફિલ્ડના ઉચ્ચકક્ષાના અધિકારીઓ અને નિષ્ણાંતોએ પણ પોતાના મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પ્રસ્તાવિત સૂચનોને સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે અમલમાં મૂકવાની પણ હાકલ કરી હતી.
આ સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી અજયકુમાર મિશ્રા, શ્રી નિશીથ પ્રામાણિક અને વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વડાઓ અને રાજ્યોના પોલીસ મહાનિર્દેશકોએ ભાગ લીધો હતો.
____________________________________________
દાંતા તાલુકાના મચકોડા ગામે ધાર્મિક સંસ્કૃતિના ઉત્થાન માટે કલેક્ટરશ્રીના પ્રયાસોથી નવીન શિવમંદિરનું નિર્માણ કરાયું
નવીન શિવમંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા પૂજન કરી કલેક્ટરશ્રી આનંદ પટેલે ધન્યતાની લાગણી અનુભવી
(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનો સમગ્ર વિસ્તાર પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો છે. આ વિસ્તારમાં કુદરતે છુટા હાથે સોંદર્ય પાથર્યુ છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબે સાક્ષાત બિરાજમાન છે. અંબાજી મંદિર દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને સમાજસેવાના અનેક કામો કરવામાં આવે છે. અંબાજીથી નજીક મચકોડા ગામ આવેલું છે. અહીં વર્ષો પહેલા મચકોડા, તરંગડા,પીપળી, ગોઠડા અને ધામણવા ગામના ગ્રામજનો શિવલિંગની પૂજા કરતા હતા. જનજાતિ સમાજની પરંપરાઓ જળવાય તથા ધર્મ અને સંસ્કૃતિની વિરાસત વધુને વધુ ઉજાગર કરવા પ્રયત્નો કરવામાં આવેલ છે. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકોમાં ધાર્મિક જાગૃતિ અને સંસ્કૃતિનું ઉત્થાન કરવા માટે બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલના પ્રયાસો અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી આ સ્થાને નવીન શિવમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મચકોડા ખાતે નવીન નિર્માણ પામેલ શિવમંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા પૂજન કરી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે ધન્યતાની લાગણી અનુભવી હતી. મચકોડા અને તેની આસપાસના ગામો આ જગ્યા સાથે રીતે ખુબ જ શ્રધ્ધાથી જોડાયેલા છે. આ વિસ્તારમાં નવીન મંદિરનું નિર્માણ થતાં અને પવિત્ર શ્રાવણ મહિનામાં પ્રતિષ્ઠા થતાં ગ્રામજનોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે દાંતા પ્રાંત અધિકારીશ્રી સિદ્ધિબેન, દાતાશ્રીઓ તેમજ જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠાના આગેવાનો ઉપસ્થિત રહીને શ્રધાપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા.
ટિપ્પણીઓ