ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૧.૦૮.૨૦૨૨

સમાજના છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પ્રતિબદ્ધતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની દરેક કલ્યાણ યોજનાઓનો મુખ્ય હેતુ છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

સમગ્ર ગુજરાતના રાવળયોગી સમાજ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહમિલન યોજ્યું

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના રાવળયોગી સમાજના સ્નેહમિલનમાં જણાવ્યું કે છેવાડાનો માનવી પણ વિકાસની મુખ્ય ધારામાં આવે તેવી પ્રતિબદ્ધતા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વની કેન્દ્ર સરકારે દરેક કલ્યાણ યોજનાઓ ઘડી છે.
 વડાપ્રધાનશ્રીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેને ટીમ ગુજરાત તરીકે અમે આગળ ધપાવી રહ્યા છીએ અને નાનામાં નાના માનવીને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવા સંકલ્પ સાથે અમે કાર્યરત છીએ.
 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિનો જે નવો યુગ શરૂ કર્યો છે તેના પરિણામે સૌ સમાજ-વર્ગો હવે કોઈ પ્રલોભનો કે લોભ લાલચમાં ખેંચાવાને બદલે શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં દરેક ક્ષેત્રે વિકાસ માટે પ્રતિબદ્ધ થયા છે.
ધરાતલ સાથે જોડાયેલો આ રાવળયોગી સમાજ પોતાના પરંપરાગત વ્યવસાયો સાથે હવે તેમના સંતાનોની શિક્ષણ દ્વારા વિકાસના રાહે કારકિર્દી ઘડે તેવી અપીલ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર પણ વિવિધ યોજનાઓથી જરૂરતમંદોની પડખે ઊભી રહેવા તત્પર છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે આ સમાજનાં સંતાનોને શિક્ષણ મેળવવામાં જે સુવિધાઓની જરૂરિયાત હશે, તે આપવા પણ રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્નો કરશે અને સમાજ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પ્રત્યે પણ અમે યોગ્ય વિચારણા કરીશું તેવો વિશ્વાસ તેમણે આપ્યો હતો.
 મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતનું નાણાકીય વ્યવસ્થાપન આખા દેશમાં નંબર વન છે એટલું જ નહીં, કોઈ પણ યોજનાઓમાં, ગરીબ-વંચિત, નાનામાં નાના માણસની કલ્યાણ યોજનામાં પૈસાની કોઈ તકલીફ ન પડે તેવું સુદ્રઢ આયોજન આપણે કર્યું છે અને આ વર્ષે ૨ લાખ ૪૫ હજાર કરોડ જેટલું માતબર બજેટ ગુજરાતના વિકાસ માટે ફાળવ્યું છે.
 મુખ્યમંત્રીશ્રીએ રાવળયોગી સમાજના સૌ અગ્રણીઓને અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આ સમાજના લોકોને એમ પણ કહ્યું કે આ સરકારે આવકના દાખલાની મર્યાદા ત્રણ વર્ષ કરવી, જ્યાં કાયદાકીય રીતે આવશ્યક ન હોય ત્યાં એફિડેવિટની પ્રથા દૂર કરવી, વગેરે સહિતના સામાન્ય માનવીને વધુ સરળતા આપતા નિર્ણયો કર્યાં છે.
 બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉદય કાનગડે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમાજના સૌ વર્ગોને સાથે લઈને ચાલવાની નેમ સાથે મૃદુ અને મક્કમ નિર્ણયકર્તા મુખ્યમંત્રી તરીકે લોકોમાં આગવી ચાહના પામ્યા છે.
રાવળયોગી સમાજ પોતાના પેઢી દર પેઢીથી ચાલી આવતા વ્યવસાયો સાથે હવે વિકાસમાર્ગે આગળ વધવા પ્રતિબદ્ધ બન્યો છે, તે આટલી વિશાળ સંખ્યામાં સમાજના લોકોની ઉપસ્થિતિથી દેખાઈ રહ્યું છે. તેમણે આ માટે સમાજને અભિનંદન પાઠવ્યા હતા.
 આ પ્રસંગે અગ્રણી શ્રી ભગવાનદાસ પંચાલ, બક્ષીપંચ મોરચાના યુવા પ્રમુખ દેવેન્દ્રભાઈ રાવળ, વિચરતી અને વિમુક્ત જાતિ-રાષ્ટ્રીય આયોગના પૂર્વ સદસ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાવળ, રાવળયોગી યુવા સંગઠનના ભરતભાઈ રાવળ, તેમ જ બક્ષીપંચ મોરચાના યુવા અગ્રણી શ્રી મયંક નાયક, વગેરેએ સમાજ વતી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીને સમગ્ર રાવળયોગી સમાજ આવનારા દિવસોમાં પણ મુખ્યમંત્રીશ્રી અને પક્ષની પડખે રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
____________________________________________

લમ્પી વાયરસ સામે રક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે આઇસોલેશન વોર્ડનો શુભારંભ કરાયો

મૂંગા ઢોર પ્રત્યેની માનવીય સંવેદનાથી લમ્પી વાયરસ પર નિયંત્રણ મેળવી શકવાનો આશાવાદ વ્યક્ત કરતા કલેકટરશ્રી આનંદ પટેલ

ડીસાના ગૌ ભક્ત દાતાશ્રી પી. એન. માળી અને અન્ય દાતાશ્રીઓ દ્વારા દર વર્ષે ગૌશાળાને ૩ કરોડ રૂપિયા દાન આપવાનો નિર્ણય કરાયો

(માહિતી બ્યુરો,પાલનપુર)
          લમ્પી વાયરસથી ગૌવંશને રક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ટેટોડા ખાતે આવેલ શ્રી રાજારામ ગૌશાળામાં જન્માષ્ટમીના શુભ દિવસે કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે આઇસોલેશન વોર્ડ અને શેડનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય રામરતનજી મહારાજે ગૌ સેવા માટે દાનની અપીલ કરતા ડીસાના ગૌ ભક્ત દાતાશ્રી પી. એન. માળી અને જીવદયા પ્રેમીઓ દ્વારા દર વર્ષે રૂપિયા ૩ કરોડની માતબર રકમનો ફાળો નિયમિતરૂપે ગૌ શાળાને મોકલી આપવાનો સેવાકીય નિર્ણય કરવામાં આવ્યો છે.
          છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અને બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસની બિમારીને કારણે દુધાળા પશુઓ અને ગૌવંશ મોતને ભેટી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે લમ્પી વાયરસના કહેરને ડામવા રસીકરણ, સર્વે અને પશુ પાલકોની જાગૃતિ માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક બનીને લમ્પી વાયરસને અટકાવવા માટેના પગલાં લેવામાં આવ્યા છે જેથી જિલ્લામાં પશુઓના મોતને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી છે ત્યારે ગૌ ભક્તો અને જીવદયા પ્રેમીઓ પણ પશુધનને બચાવવા માટે આગળ આવ્યા છે. 
          ડીસા તાલુકાના ટેટોડા ખાતે આવેલી શ્રી રાજારામ ગૌશાળામાં ડીસાના વતની અને પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી પી. એન. માળી પરિવારના આર્થિક સહયોગથી લમ્પી ગ્રસ્ત ગાયો માટે આઇશોલેસન વોર્ડ અને શેડનું નિર્માણ કરાયું છે. જેનું શુક્રવારે જન્માષ્ટમીના દિવસે કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે કલેકટરશ્રીએ ગૌ માતા પ્રત્યેની સંવેદનશીલ લાગણીની સરાહના કરતા દાતાઓની કામગીરીને બિરદાવી હતી. મૂંગા ઢોર પ્રત્યેની આ માનવીય સંવેદનાથી લમ્પી જેવા વાયરસને ભગાડવામાં સફળતા મળશે અને આપણે મોંઘા પશુધનનું રક્ષણ કરી શકીશું એવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. સાથે સાથે સમાજમાં જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એ જરૂરિયાત માટે સમાજની પડખે આવીને ઊભા રહેનાર તમામ દાતાઓનો આભાર માની તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. 
            આ પ્રસંગે પરમ પૂજ્ય સિયાવલ્લભદાસજી મહારાજ, શ્રી રામરતનજી મહારાજ, દાતાશ્રી પી. એન. માળી, માલગઢ સરપંચશ્રી ભેરાજી કસ્તુરજી માળી, શ્રી ભગત ભીખાજી માળી, શ્રી મફાભાઇ માળી, શ્રી એસ.એન.માળી, શ્રી એકતા પી. માળી, અંજુ માળી, શ્રી જયાબેન માળી, શ્રીમતી સુશીલાબેન માળી, શ્રી અક્ષય માળી અને શ્રી કેતન માળી સહિત સારી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

બનાસકાંઠા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલે ૬ બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કર્યા

 (માહિતી બ્યુરો, પાલનપુર)   
          આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતાં બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે.
          દારૂનો ધંધો કરનારા ૬ જેટલા બુટલેગરોને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાના અધિનિયમ-૧૯૮૫ ના કાયદાની કલમ-૩ (૧) (પાસા) હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા હુકમો કરવામાં આવ્યાં છે.
___________________________________________

પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો પાલનપુર)
        પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જન સુખાકારીને લગતા ધારાસભ્યશ્રીઓ દ્વારા પુછાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યા હતા.
  બેઠકમાં ધાનેરા તાલુકાના ખેડુતોને વીજ કનેક્શન આપવા તથા લોડ વધારો આપવા અંગે, વાલેર- વોડા- આલવાડા રોડનું સમારકામ કરવા, દાંતીવાડા વિસ્તારમાં વન વિભાગ દ્વારા ખેડુતોને સૂકા લાકડા લેવા પર હેરાનગતિ અટકાવવા, ડીસા અર્બન હેલ્થ સેન્ટરનું કામ શરૂ કરવા, પંચાયતના રોડ અને સિંચાઇને લગતા પ્રશ્નો, નેશનલ હાઇવે પરના ખાડાઓ પુરવા સહિત ડીસાના બગીચાના પ્રશ્નની ચર્ચા કરવામાં આવી હતી.       
         આ બેઠકમાં ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા અને શ્રી નથાભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી રીટા પંડ્યા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર. કે. પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ