ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૯.૦૮.૨૦૨૨

જનતા નગરમાં ભરાયેલા વરસાદી પાણીનો સ્થાનિક મ્યુ. સભ્યોએ પંપ દ્વારા નિકાલ કરાવ્યો

પાલનપુર શહેરમાં બુધવારે સવારે પડેલા ધોધમાર વરસાદના કારણે વોર્ડ નંબર ૪ના જનતા નગર વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ અંગેની જાણ સ્થાનિક મ્યુ. સભ્ય મહંમદભાઇ મનસુરી અને અબરારભાઈ શેખને થતાં તેમણે વૉટર પંપ મૂકીને રાત્રે ૧૧ વાગ્યા સુધી કામ ચાલુ રાખીને પાણી બહાર કઢાવ્યું હતું હતું તેમજ બીજા દિવસે ગુરુવારે બધી ભૂગર્ભ ગટર લાઇનની ચેમ્બરોની સફાઈ કરાવી કાદવ બહાર કઢાવ્યો હતો.
____________________________________________

પાલનપુર નગરપાલિકાના પ્રમુખપદેથી હેતલબેન રાવલનું સ્વૈચ્છિક રાજીનામું

પાલનપુર નગરપાલિકાના પ્રમુખપદેથી હેતલબેન રાવલે ગુરુવારે અચાનક રાજીનામું આપી દેતા નગરપાલિકાના વર્તુળોમાં ચકચાર જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારથી પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે હેતલબેન રાવલની નિમણૂક થઈ ત્યારથી તેમને પ્રમુખપદેથી હટાવવા માટે ખુદ ભાજપના જ મ્યુ. સભ્યો દ્વારા અનેક પ્રકારના કાવા દાવા કરવામાં આવી રહ્યા હતા. પ્રમુખના વહીવટ સામે વાંધો ઉઠાવી પ્રમુખને બદલવા માટે મોવડી મંડળ સમક્ષ કેટલાક સભ્યોએ લેખિત રજૂઆત કરી હતી તેમ છતાં મોવડી મંડળ દ્વારા પ્રમુખ બદલવા માટે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. પરંતુ પાલિકા પ્રમુખ હેતલબેન રાવલે ગુરુવારે સામે ચાલીને જિલ્લા કલેકટરને મળીને પ્રમુખપદેથી સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા નગરપાલિકાના વર્તુળોમાં ચકચાર મચી જવા પામી હતી. તેમના રાજીનામાના કારણે ઉપપ્રમુખ હસમુખ પઢિયારને પ્રમુખ તરીકેનો હંગામી ચાર્જ સોંપવામાં આવ્યો છે. જો કે, પાલિકા પ્રમુખની વર્તમાન બેઠક મહિલા અનામત હોઈ ભાજપના મહિલા સભ્યોમાં પ્રમુખ બનવા માટે જોરદાર સ્પર્ધા થશે તેવું જણાઈ રહ્યું છે.
____________________________________________

દાંતીવાડા ડેમમાં ડુબતા માણસને પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સહી સલામત બહાર કાઢી બચાવી લીધો

(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમના છેવાડાના ભાગ એટલે કે રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલા પાણીમાં ડુબતા માણસને પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સહી સલામત બહાર કાઢી બચાવી લીધો છે. 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થવાથી દાંતીવાડા અને આજુબાજુ ગામના લોકો ડેમનું પાણી જોવા આવતા હોય છે. 

આ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે દાંતીવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી એસ.ડી.ચૌધરી તથા પોલીસ સ્ટાફના માણસો ગઇકાલ તા.૧૮ ઓગષ્ટ- ૨૦૨૨ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે બંદોબસ્ત પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે જાણવા મળ્યું કે, દાંતીવાડા ડેમના છેવાડાના ભાગે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલ પાણીમાં કોઇ માણસ ડુબે છે તેવી હકીકત જાણવા મળતા ડેમ ઉપર હાજર સ્થાનિક તરવૈયા ચંપુસિંહ ધુડસિંહ વાઘેલા તથા બાબરસિંહ જગતસિંહ વાઘેલા બંને રહે. રામનગર તા.દાંતીવાડા તથા પોલીસ સ્ટાફના માણસોને સાથે લઇ તાત્કાલીક રણાવાસ ગામની સીમમાં ડેમના છેવાડાના ભાગે ગયા તે સમયે અંધારુ થવા આવ્યું હતું તે વખતે એક માણસ પાણીમાં ડુબતો હોઇ બચવા માટે બચાવો....બચાવો....ની બુમો પાડતો હોઇ જેથી તાત્કાલીક ઓપરેશન હાથ ધરી સ્થાનિક તરવૈયાઓને પાણીમાં ઉતારી ડુબતા માણસને બહાર કાઢી બચાવી લીધો અને તે માણસનું નામ પુછતા પોતાનુ નામ કીકાભાઇ સોનાભાઇ ડુંગાઇચા રહે. ઉપલાખાપા તા. અમીરગઢ વાળો હોવાનુ જણાવ્યું છે અને રણાવાસ ગામના પરાગભાઇ રામાભાઇ મુંજીના ખેતરમાં ભાગેથી ખેતી કરે છે અને પોતાના છાપરા ઉપરનુ પ્લાસ્ટીકનુ મીળીયુ પાણીમાં તણાઇ ગયું હોવાથી તે લેવા માટે પાણીમા ઉતર્યો હતો. તેને દાંતીવાડા પોલીસે તરવૈયાઓની મદદથી પાણીમાંથી સહી સલામત બહાર કાઢી તેમના ભાઇ અનાભાઇ સોનાભાઇ ડુંગાઇચા તથા ખેતર માલીક પરાગભાઇ રામાભાઇ મુંજી રહે.રણાવાસ વાળાને બોલાવી તેઓને સુપરત કરી દીધો છે. પાણીમાં ડુબતા માણસને બચાવી દાંતીવાડા પોલીસે એક વ્યક્તિને નવજીવન પ્રદાન કર્યુ છે તેથી પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
____________________________________________

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદમાં જિલ્લા વહીવટી તંત્રએ યુધ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિને પૂર્વવત રાખવા કમર કસી

ભારે વરસાદમાં દાંતીવાડા બ્રિજ પાસે તુટેલ રોડનું સમારકામ ગણતરીના કલાકોમાં પૂર્ણ કરાયું

અંબાજી ત્રિશુળીયા ઘાટ વિસ્તારમાં રસ્તાઓ પર ભેખડો ધસતા મજુરો સાથે ટ્રેક્ટર, જેસીબી અને ડમ્પર જોતરીને રસ્તાને ક્લીયર કરાયો

(માહિતી બ્યુરો, પાલનપુર) 
           બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્વત્ર ભારે વરસાદ થઇ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ ભારે વરસાદમાં યુધ્ધના ધોરણે કામગીરી કરીને સ્થિતિને પૂર્વવત રાખવા માટે કમર કસી છે. બનાસકાંઠા જિલ્લામાં લગભગ ૨૦ જેટલાં રોડ પરથી પાણી વહી રહ્યા છે તેના કારણે રોડ પણ ડેમેજ થયા છે તેને તાત્કાલિક રિપેર કરવાની કામગીરી કલેકટરશ્રી આાનંદ પટેલની સુચના મુજબ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. 
           ભારે વરસાદના કારણે દાંતીવાડા બ્રિજ પાસે તુટેલ રોડનું સમારકામ ગણતરીના કલાકોમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. તંત્રની તાત્કાલિક અસરની કામગીરીના પગલે તુટેલો રોડ પૂર્વવત બની ગયો છે જેના કારણે રોડને વધુ ડેમેજ થતો પણ અટકાવી શકાયો છે.  
           આ ઉપરાંત તેકદારના પગલાંના ભાગરૂપે કાંકરેજ તાલુકાના ઉંબરી- મુડેઠા MDR રોડ પર અરણીવાડા- મુડેઠા ગામ વચ્ચે પાણીનો પ્રવાહ ચાલુ હોઈ, હાલ પૂરતો અરણીવાડા-મુડેઠા ગામ વચ્ચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
          જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે નીચાળવાળા ગામોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. ધાનેરા તાલુકાના વાસડા ગામે ભરાયેલા વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી, ધાનેરા તથા માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા પોલીસની હાજરીમાં પાણીનો નિકાલ કરવામાં આવતા ગ્રામજનોએ તંત્રની કામગીરીની સરાહના કરી છે.  
           થરાદ તાલુકાના નીચાણવાળા ગામ નાગલામાં પાણી ભરાયા છે. વરસાદી પાણીથી કોઇ જાનમાલને નુકશાન થયું પરંતું સલામતિ અને સુરક્ષાને ધ્યાનમાં હાલ ૪ કુંટુંબોને ઉંચાણવાળી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે અને તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.  
           ભારે વરસાદના કારણે અમીરગઢ વિસ્તારમાં વહેતી બનાસ નદીમાં ભારે માત્રામાં પાણીઓ આવરો થઇ રહ્યો છે. અમીરગઢ તાલુકાના બબુકરી, કલેડી અને ખડેડા ગામના નદીના વહેણમાં ભારે પૂર જેવી સ્થિતિ સર્જાતા હાલમાં રબારિયા ગ્રામ પંચાયતનું સવાનીયા ગામમાં આવન- જાવન થઈ શકે તેમ નથી. જોકે સવાનીયા ગામમાં હાલ કોઇ જાનહાની કે નુકશાનની સમાચાર નથી તથા રબારીયા ગામના સરપંચશ્રી અને તલાટીશ્રી સતત ગ્રામજનોના સંપર્કમાં છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ ગામો પર સીધી નજર રાખવામાં આવી રહી છે. 
          લાખણી તાલુકાના મોટા કાપરા ગામમાં પાણી ભરાતા મામલતદારશ્રી લાખણીની હાજરીમાં પાણી નિકાલની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાથી વધુ સમયથી અવિરત વરસી રહેલા વરસાદના લીધે ગામોને જોડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ધાનેરા તાલુકાના બાપલાથી આલવાડા ગામ જતા મુખ્ય રસ્તા ઉપર ભરાયેલ પાણીનો તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. જેનાથી આ વિસ્તારના ગામોમાં રોડ કનેક્ટીવીટી પૂર્વવત છે. 
  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાથી વધુ સમયથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. તળાવો છલકાયા છે તો ક્યાંય તળાવો ઓવરફ્લો થયા છે. ધાનેરા તાલુકાના સોડાલ ગામના તળાવમાં વરસાદી પાણી ભરાવાથી તળાવની પાળ તૂટી જતા ગ્રામજનોને ખબર પડી અને માટી નંખાવીને તાત્કાલિક પુરણ કરવામાં આવતા તળાવને તુટતું બચાવી શકાય છે જેનાથી જળ સંચયનું ઉત્તમ કામ થશે. 
  પાલનપુરથી આબુરોડ તરફ જતા નેશનલ હાઇવે પર મલાણા પાટીયા પાસે વરસાદી પાણી ભરાતા તેના નિકાલ માટે પાલનપુર ગ્રામ્ય મામલતદારશ્રી ધર્મેશ કાછડે રૂબરૂ મુલાકાત લઇને તેના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીના નિકાલ માટે પંપ દ્વારા પાણી લિફ્ટીંગ કરીને આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે.  
           ભારે વરસાદથી યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તામાં ત્રિશુળીયા ઘાટ વિસ્તારમાં રસ્તાઓ પર ભેખડો ધસતા મામલતદારશ્રી દાંતા અને તેમની ટીમે ઘટના સ્થળે મજુરો સાથે પહોંચી જઇ ટ્રેક્ટર, જેસીબી અને ડમ્પર જોતરીને રસ્તાને ક્લીયર કરવામાં આવ્યો છે. માઇભક્તોને અંબાજી જવામાં મુશ્કેલી ન પડે તે માટે વરસતા વરસાદમાં પણ વહીવટીતંત્રના અધિકારીઓએ ભેખડો દૂર કરાવી રસ્તાને પૂર્વવત કરવામાં આવ્યો છે.
____________________________________________

આંતરરાષ્ટ્રિય કવીઝ કોમ્પિટિશનમાં ગુજરાતનું હિર ઝળકયું: શેર બુલંદખાન બાબીએ પ્રથમ નંબર મેળવી વિદેશમાં ભારતીય જ્ઞાનનો પરચમ લહેરાવ્યો

જર્મનીમાં અભ્યાસ કરતા શ્રી શેર બુલંદખાન બાબી પાલનપુરમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી એફ.એ.બાબીના સુપુત્ર છે

બર્લિન ખાતે આયોજિત સ્વતંત્રતા પર્વ ઉજવણી સમારોહમાં એમ્બેસેડર દ્વારા શેર બુલંદખાનને ગોલ્ડ મેડલ એનાયત કરાયો

(માહિતી બ્યુરો,પાલનપુર)
ભારત દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ભારતીયો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે દેશ દુનિયામાં વિવિધ સ્તરે વિવિધ પ્રકારના આયોજન દ્વારા ભારતની આઝાદીના ઇતિહાસને ઉજાગર કરવાનો અને ભાવિ પેઢીને ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને તેના ભવ્ય વારસાથી પરિચિત થવાનો મોકો પ્રદાન કરવામાં આવી રહ્યો છે.
                  ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદેશમાં વસતા ભારતીયો તેમજ વિદેશી યુવાનો ભારત દેશ વિશે વધુ જાણકારી મેળવી શકે એ હેતુથી ડિસેમ્બર 2021માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક કવીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દુનિયાભરમાંથી ૧૭૮ દેશોના પંદર હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
                આ સ્પર્ધામાં ગુજરાતના પનોતા પુત્ર , પાલનપુર ખાતે નાયબ કલેક્ટર ( મધ્યાહન ભોજન ) તરીકે સેવારત અધિકારીશ્રી એફ.એ.બાબીના સુપુત્ર તથા હાલમાં જર્મનીના ડ્રેસડન ખાતે એમ.એસ.સી વેબ એન્ડ ડેટા સાયન્સનો અભ્યાસ કરતા શેર બુલંદખાન બાબીએ પ્રથમ નંબર મેળવી સમગ્ર દુનિયામાં ભારતીય જ્ઞાનનો પરચમ લહેરાવ્યો છે. તેમની આ સિદ્ધિએ વિદેશની ધરતી પર સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ કવીઝ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર શેર બુલંદખાનને જર્મનીના બર્લિન ખાતે યોજાયેલા સ્વતંત્રતા પર્વની ઉજવણીના સમારોહમાં ભારતના જર્મની ખાતેના એમ્બેસેડર પર્વતથાનેની હરિશના વરદ હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
           શ્રી શેર બુલંદખાનની આ સિદ્ધિ બદલ જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ અને અધિકારીગણે તેઓને તથા તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ