ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૮.૦૮.૨૦૨૨
પાલનપુરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : ઘરવખરી પલળી જતાં રહીશોને નુકસાન : ફરી એક વખત રસ્તા ઉપર ભૂવા પડ્યા
લડબી નદીમાં થયેલા દબાણોના કારણે પાણી બેક મારતા હાઇવેની સોસાયટીઓમાં પાણીનો ભરાવો
કમાલપુરા રોડ
પાલનપુરમાં બુધવારે સવારે ૮ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીના ચાર કલાકના અરસામાં સવા ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતા પાલનપુરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાલનપુરના જનતા નગર, મફતપુરા, ગણેશપુરા-આંબાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોની ઘરવખરી પાણીમાં પલળી જતા લોકોને મોટું નુકસાન થયું હતું. આટલો વરસાદ થયો અને સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું હોવા છતાં પાલનપુર નગરપાલિકાના અધિકારીઓ કે શાસકો આ વિસ્તારમાં ફરક્યા ન હોવાનો આક્રોશ સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ કે કર્મચારીઓ પણ આ વિસ્તારમાં ફરક્યા ન હતા. સ્થાનિક લોકોએ નગરપાલિકા તંત્ર સહિત વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો કે, સ્થાનિક સેવાભાવી યુવાનોએ આ વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરી હતી.
પાલનપુરમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવીને વ્યવસ્થિત પુરાણ કર્યા વગર રસ્તાઓ છોડી દીધા હોઈ ફરી એક વખત બુધવારે પણ રસ્તા ઉપર ઠેર ઠેર ભૂવા પડ્યા હતા અને આ ભૂવામાં વાહનો ફસાયા હતા.
પાલનપુરમાં હાઇવે વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો. આબુરોડ હાઈવે ઉપર પણ વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
ભારે વરસાદના પગલે લડબી નદી પણ બે કાંઠે વહી હતી. પરંતુ લડબી નદીના પટમાં થયેલા દબાણોના કારણે નદીનું પાણી બેક મારતા હાઇવે વિસ્તારની સોસાયટીમાં પાણીનો ભરાવો થતા સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, લડબી નદીના પટમાં થયેલા દબાણો અંગે છેક ૨૦૧૫થી હાઇકોર્ટમાં કેસ પેન્ડિંગ છે. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કલેકટર કચેરીનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ શોભાના ગાંઠીયા સમાન છે. બે દિવસથી રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. લોકોનો માલસામાન અને ઘરવખરી પાણીમાં ડૂબી જતાં તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
____________________________________________
ભારે વરસાદથી યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તામાં ત્રિશુળીયા ઘાટ વિસ્તારમાં રસ્તાઓ પર ભેખડો ધસતા મામલતદારશ્રી દાંતા અને તેમની ટીમે ઘટના સ્થળે મજુરો સાથે પહોંચી જઇ ટ્રેક્ટર, જેસીબી અને ડમ્પર જોતરીને રસ્તાને ક્લીયર કરવામાં આવ્યો છે. માઇભક્તોને અંબાજી જવામાં મુશ્કેલી ન પડે તે માટે વરસતા વરસાદમાં પણ વહીવટીતંત્રના અધિકારીઓએ ભેખડો દૂર કરાવી રસ્તાને પૂર્વવત કરવામાં આવ્યો છે.
ટિપ્પણીઓ