ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૫.૦૮.૨૦૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૩માં વર્ષમાં પ્રવેશ... 
અન્યાય, અત્યાચાર અને આતંક સામે છેલ્લા ૨૨ વર્ષોથી લડત ચલાવી રહેલ ધી મેસેજ દૈનિકનો આજે ૨૩માં શુકનવંતા વર્ષમાં પ્રવેશ થયો છે. આપ સૌ જાણો છો તેમ ૧૫મી ઓગસ્ટના આ ક્રાંતિકારી દિન ૧૫.૦૮.૨૦૦૧ના દિવસે ક્રાંતિકારી સંત શ્રધ્ધેય સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તે ધી મેસેજ દૈનિકની ક્રાંતિની જ્યોત પ્રજ્વલિત થઈ હતી. ધી મેસેજ દૈનિક આ શુભ પ્રસંગે આપ સૌ ખમીરવંતા વાચકો, કદરદાન ચાહકો અને દિલેર જાહેરખબરદાતાઓનો આજદિન સુધી મળેલ સાથ, સહકાર અને સહયોગ બદલ આભાર માની આગામી દિવસોમાં પણ એ જ રીતે આપનો પ્રેમ, હુંફ અને સહયોગ મળતો રહેશે એવી અપેક્ષા રાખે છે...
સૌ રાષ્ટ્રપ્રેમી નાગરિકોને આજના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ...

એમ. કે. સૈયદ 
તંત્રી
ધી મેસેજ દૈનિક
____________________________________________

સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારના બાળકોનો રાષ્ટ્રપ્રેમ...

સ્વાતંત્ર્ય સેનાની સૈયદ ખૂબમિયાં આઝાદના પરિવારના બાળકોએ ૧૪મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ તેમના ઘર ઉપર લગાવેલા રાષ્ટ્રધ્વજને સલામી આપી પોતાનો રાષ્ટ્રપ્રેમ ઉજાગર કર્યો હતો...
____________________________________________

અંબાજી મંદિર ઉપર કોઈએ સફેદ ધજા ચઢાવી દેતા ચકચાર

સિક્યુરિટી સ્ટાફની ઘોર બેદરકારી છતી થઈ

યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અંબાજી મંદિર ઉપર વર્ષોથી શ્રદ્ધાળુઓ લાલ ધજા ચઢાવતા આવ્યા છે ત્યારે ૧૪મી ઓગસ્ટે રવિવારના રોજ બપોરના સુમારે અંબાજી મંદિર ઉપર કોઈ વ્યક્તિ સફેદ ધજા ચઢાવીને જતી રહી હતી. જેનું કોઈને પછીથી ધ્યાન આવતા તેણે વિડીયો ઊતારી વાયરલ કરતા વહીવટી તંત્રના ધ્યાને આ સમગ્ર હકીકત આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જેમાં અંબાજી મંદિરમાં ફરજ બતાવતા સિક્યુરિટી ગાર્ડની બેદરકારી છતી થઈ હતી. માઈભક્તોએ આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અંબાજી મંદિરના જવાબદાર અધિકારીઓ અને ફરજ પરના સુરક્ષાકર્મીઓને માત્ર ખાયકીમાં જ રસ હોય તેઓ મંદિરની સુરક્ષા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સામે બાબતે કોઈ ધ્યાન આપતા નથી. જો કોઈ વ્યક્તિ અંબાજી મંદિર ઉપર સફેદ ધજા ચઢાવવાના બદલે અન્ય કોઈ કૃત્ય કરીને જતો રહ્યો હોત તો તો તેનું કેટલું ગંભીર પરિણામ આવ્યું હોત? એ બાબત સમજી શકાય તેમ છે. તે જોતા ફરજમાં બેદરકારી દાખવનાર સિક્યુરિટી ગાર્ડ સહિતના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ફરી આવો કોઈ બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવે તેવી માંગ માઇભક્તોમાં ઉઠવા પામી છે.
____________________________________________

અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રત્યેક શક્તિપીઠ પર તિરંગો લહેરાયો

ભારત પુનઃ અખંડ ભારતવર્ષ બને એ પ્રાર્થના માં અંબાના ચરણોમાં કરી શક્તિપીઠો પર ત્રિરંગો ફરકાવ્યો

(માહિતી બ્યુરો, પાલનપુર) 
          આસ્થા તીર્થ અંબાજી અનેરી  આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે. દેશ- વિદેશના અનેક શ્રધ્ધાળુઓ માં અંબાના ચરણોમાં આવી ધન્યતા અનુભવે છે. ધાર્મિક ક્ષેત્રે ઉન્નત અને આગવું સ્થાન ધરાવતું અંબાજી સાંપ્રત સમયમાં ગબ્બર પર્વત ખાતે આવેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથના લીધે વિશેષ બન્યું છે.     
       ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથ પર ભારતના વિવિધ રાજ્યો અને પ્રાચીન સમયમાં ભારત જ્યારે અખંડ ભારત હતું એ સમયે આવેલ શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે. અહીં એક જ પરિક્રમા પથ પર શ્રધ્ધાળુઓને આ તમામ શક્તિપીઠોના દર્શનનો લાભ મળે છે.                                                                               
          આજે જ્યારે સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિમય બની ‘‘હર ઘર તિરંગા’’ અભિયાનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૫૧ શક્તિપીઠ પર આવેલ તમામ શક્તિપીઠો પર રાષ્ટ્રની એકતા અને અખંડતાનું પ્રતિક તિરંગો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. આ શક્તિપીઠોમાંથી કેટલાંક શક્તિપીઠ આજના સમયે ભારત સિવાય અન્ય દેશો જેવા કે નેપાળ, તિબેટ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં સ્થિત છે. આ શક્તિપીઠો પુનઃ ભારતવર્ષમાં સામેલ થાય અને આપણું રાષ્ટ્ર ફરી અખંડ ભારત બને એવી પ્રાર્થના શક્તિસ્વરૂપા માં અંબાના ચરણોમાં કરીને શક્તિપીઠો પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. 
           દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત ‘‘હર ઘર તિરંગા’’ અભિયાનને આધુનિક ભારતથી અખંડ ભારત સુધી લઇ જવાનો શુભ સંકલ્પ તીર્થક્ષેત્ર અંબાજીમાં ચરિતાર્થ થતો જોવા મળ્યો હતો.
____________________________________________

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર દ્વારા સાયકલ તિરંગા યાત્રાનું અનોખું આયોજન કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)
         ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે. તેને ભારત, હિન્દુસ્તાન અને આર્યાવર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત એક એવો દેશ છે જ્યાં લોકો વિવિધ ભાષાઓ સાથે વિવિધ જાતિ, ધર્મ, સંપ્રદાય અને સંસ્કૃતિના લોકો વચ્ચે રહે છે. તેથી જ ભારતને 'વિવિધતામાં એકતા'નો દેશ કહેવામાં આવે છે.  
         ભારતનો ઈતિહાસ ખૂબ જ પ્રાચીન, ખૂબ જ વિશાળ અને ખૂબ ઊંડો છે. જ્ઞાન, વિજ્ઞાન, સમૃદ્ધિ, કલાત્મકતા, બહાદુરી અને ભાવનાથી ભરપૂર. જ્યારે ભારત ગુલામીની સાંકળોથી બંધાયેલું હતું, ત્યારે 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો હતો. હવે દેશ આત્મનિર્ભરતાના માર્ગે સતત આગળ વધી રહ્યો છે, તે દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. સ્વાતંત્ર્યની 75મી વર્ષગાંઠ પર શરૂ થયેલ સ્વાતંત્ર્યનો અમૃત ઉત્સવ એ આત્મનિર્ભરતા તરફનું એક બીજું પગલું છે.
           ભારતના 75માં આઝાદીના અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે સૌ ભારતીય નાગરીકોમાં રાષ્ટ્રપ્રેમ જાગે તેમજ સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીના ભાગરૂપે આજરોજ પાલનપુર ખાતે  સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા સાયકલ તિરંગા યાત્રાની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 
          જેમાં શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના વિવિધ વિભાગના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ- શિક્ષકો તથા મંડળના પદાધિકારીઓ હર્ષભેર આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. 
        વિદ્યાર્થીઓ દ્વારા તિરંગો લઇ વિવિધ નારા સાથે પાલનપુરના વિવિધ માર્ગો ઉપર સાયકલ તિરંગા યાત્રાનો રોડ શો યોજવામાં આવ્યો હતો.
         સાયકલ તિરંગા યાત્રામાં જોડાયેલ તમામ યાત્રીઓ દ્વારા સૌ નાગરીકોમાં તિરંગાનું માન-સન્માન વધે તે માટે વિવિધ સુત્રોચ્ચાર કરી વાતાવરણને રાષ્ટ્ર ભકિતના રંગે રગી લીધું હતું.
____________________________________________

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાલનપુર જી.ડી.મોદી કોલેજમાં ત્રિરંગા યાત્રા  સહિત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

(માહિતી બ્યુરો, પાલનપુર)
          આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જી.ડી.મોદી. કૉલેજ ઑફ આર્ટસ પાલનપુરમાં  'હર ઘર તિરંગા' સંદર્ભે વિવિધ સ્પર્ધાઓ જેવી કે દેશભક્તિ ગીતો, નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા તથા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ સમગ્ર કોલેજ સંકુલને રાષ્ટ્રભક્તિમય વાતાવરણથી તરબોળ બનાવ્યું હતું. આ સ્પર્ધાઓનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉ. મનીષભાઈ રાવલ તથા  ડૉ. ભારતીબેન રાવતના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.
____________________________________________

અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં સંઘો અને સેવા કેમ્પની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાને મળ્યો બહોળો પ્રતિસાદ
પ્રથમ દિવસે જ 102  સંઘો અને 48 સેવા કેમ્પોની ઓનલાઈન નોંધણી થઈ

ઓનલાઈન રજિસ્ટ્રેશનથી આયોજકોનો કિંમતી સમય બચશે જેને તેઓ યાત્રિકોની સેવામાં આપી શકશે : જય જલિયાણ સેવા કેમ્પના આયોજકશ્રી હિતેશભાઈ ઠક્કર

(માહિતી બ્યુરો, પાલનપુર)
             અંબાજી શક્તિપીઠ ખાતે  આગામી ભાદરવી પૂનમનો મહામેળો તારીખ ૫ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમ્યાન યોજાનાર છે.  બે વર્ષના સમય પછી આ મેળાનું આયોજન થઇ રહ્યું છે. જેથી માં અંબામાં આસ્થા ધરાવતા અનેક શ્રદ્ધાળુઓ પગપાળા સંઘો લઈ આવે એવું અનુમાન છે.   પગપાળા આવતાં શ્રદ્ધાળુઓની સેવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન થાય છે.
            આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં બનાસકાંઠા કલેકટરશ્રી  અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી આનંદ પટેલે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર  ભાર મૂક્યો  છે. જે અંતર્ગત  શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા સંઘો અને બનાસકાંઠા જિલ્લાના દાંતા, વડગામ, પાલનપુર અને અમીરગઢ તાલુકાની હદમાં થતા સેવા કેમ્પો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની કામગીરી આ વર્ષથી પ્રથમવાર હાથ ધરવામાં આવી છે. જેમાં www.ambajitemplebooking.in અથવા www.ambajitemple.in પર જઇ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તેની યોગ્ય ચકાસણી કરીને સંઘો તથા સેવાકેમ્પોને ઈ-મેઈલ મારફતે જ પાસ ઈશ્યૂ કરવામાં આવશે. આ સાથે જ વાહન પાસ પણ ઓનલાઇન ઇસ્યુ કરાવવા આવશે. 
           જિલ્લા વહીવટીતંત્રના ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાને પ્રથમ દિવસે 102 સંઘો અને બનાસકાંઠા જિલ્લાના દાંતા, વડગામ, પાલનપુર અને અમીરગઢ તાલુકાની હદમાં થતા 48 જેટલાં સેવા કેમ્પોની નોંધણી થઈ છે. વિવિધ પગપાળા સંઘો અને સેવા કેમ્પ સમિતિઓએ આ નિર્ણયને આવકાર્યો છે. રતનપુર- દાંતા મુકામે દર વર્ષે થતા જય જલિયાણ સેવા કેમ્પના આયોજક શ્રી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યુ કે વહીવટીતંત્રે ટેકનોલોજીના માધ્યમથી સેવા કેમ્પના ઓનલાઈન રજિસ્ટ્રેશનનો આવકારદાયક નિર્ણય કર્યો છે. જેનાથી અન્ય જિલ્લાના સેવા કેમ્પના આયોજકોને મંજુરી લેવા માટે સરકારી કચેરીઓમાં જવાનો સમય બચી જશે અને તેઓને એક ક્લિક પર જ વાહન પાસ પણ ઉપલબ્ધ થશે. આમ આયોજકોનો સમય બચતા તેઓ યાત્રિકોની સેવા માટે વધુ સમય ફાળવી શકશે. તંત્રનું આ પગલું કેમ્પના સંચાલકો માટે સંતોષ આપનારુ બની રહેશે.
       છેલ્લા ૩૩ વર્ષથી ભાદરવી પૂનમ નિમિત્તે અમદાવાદથી દર વર્ષે ગુરુકૃપા પદયાત્રા સંઘ લઈને આવતા જાણીતા જ્યોતિષશાસ્ત્રી અને પરમ માઈભક્ત શ્રી પંકજભાઇ નાગરે જણાવ્યું કે આ પહેલથી સંઘોની અગવડો દૂર થશે અને સરળતાથી મંજુરી મળી રહેશે. જેનાથી સમય અને શક્તિ બન્ને બચશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ જાહેર રજાના દિવસે મંજૂરી મળતા સંઘો અને સેવા કેમ્પના આયોજકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. 
         આમ, આ વર્ષે ભાદરવી પૂનમના મેળા દરમ્યાન આવનાર સંઘો અને સેવા કેમ્પની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાને તમામ આયોજકોએ વધાવી લીધો છે. જિલ્લા વહીવટી દ્વારા આયોજકો આ પ્રક્રિયાનો મહત્તમ ઉપયોગ કરી ઓનલાઇન નોંધણી કરાવે એવી અપીલ કરી છે. જેથી, ભાદરવી પૂનમના મહામેળાનું સુચારુ આયોજન કરવામાં સરળતા રહેશે. રજિસ્ટ્રેશન થયા બાદ તેની જાણ પોલીસ વિભાગ ને થશે જેનાથી તેઓ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકશે. ઉપરાંત, કેટલા સંઘો અને સેવા કેમ્પ કઈ તારીખ થી કઈ તારીખ સુધી આવશે એનો સંપૂર્ણ અંદાજ વહીવટીતંત્રને આવતાં પાર્કિંગ, સિક્યોરિટી જેવી આગોતરી આનુષંગિક વ્યવસ્થાઓ કરવામાં મદદરૂપ થશે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ