ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૩૧.૦૭.૨૦૨૨
ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરની વધુ એક પોલ છતી થઈ
તસવીર : ઇમરાન સૈયદ
પાલનપુરના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ પાલનપુર પાલિકાને ફાળવવામાં આવે છે. જેમાં સત્તાધીશો અને મળતીયાઓ મળીને ગ્રાન્ટનો દુરુપયોગ કરી પાલનપુરનો વિકાસ નહિવત અને પોતાનો વિકાસ પૂરેપૂરો કરી નાખે છે. પાલનપુરમાં થયેલી ભૂગર્ભ ગટરની કામગીરીમાં પણ કોન્ટ્રાકટરે ગેરરીતિ આચરીને આડેધડ કામ કર્યું હોવાથી આ ચોમાસાની ઋતુમાં ભૂગર્ભ ગટરનું જ્યાં જ્યાં કામ થયું છે ત્યાં રોડ બેસી જવાના કે ભૂવા પડવાના બનાવો બન્યા છે. શનિવારે પણ નાની બજારમાં હાથીખાના ચોક પાસેના જાહેર માર્ગ પર નવીન બનાવેલ રોડમાં માર્બલ ભરેલ જીપડાલાનું ટાયર ખુંપી જતા ૨ ક્લાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેમાં ગાડીમાંથી માર્બલ ઉતારીને ગાડીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.
_____________________________________________
પાલનપુર નગરપાલિકાના સભ્યોની વાયરલ ઓડિયો ક્લિપ મામલે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ
_____________________________________________
"રક્ષાબંધન ઉત્સવ" અંતર્ગત ગુજરાતના ૧૪ જનજાતિ જિલ્લાઓમાં ૨ લાખ રક્ષા પોટલીઓ પહોંચાડવામાં આવશે
અંબાજીથી ઉંમરગામ સુધીના વિસ્તારમાં વસતા જનજાતિઓના ઘરે ઘરે પહોંચશે માં અંબાના આશીર્વાદ
અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જનજાતિ કલ્યાણ આશ્રમના ઉપક્રમે કલેકટરશ્રી આંનદ પટેલની ઉપસ્થિતિમાં "રક્ષાબંધન ઉત્સવ"નો પ્રારંભ કરાયો
(માહિતી બ્યુરો,પાલનપુર)
રક્ષા બંધનના પવિત્ર પર્વને અનુલક્ષીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અને બનાસકાંઠા જનજાતિ કલ્યાણ આશ્રમના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ૧૪ જનજાતિ જિલ્લાઓમાં માઁ અંબાના આશીર્વાદ રૂપ ૨ લાખ રક્ષા પોટલીઓ પહોચાડવાની શરૂઆત કરવામાં આવી છે. જેની અંબાજી ખાતે કલેકટરશ્રી આંનદ પટેલની ઉપસ્થિતિમાં "રક્ષાબંધન ઉત્સવ"ની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વનવાસી બહેનો દ્વારા ઉપસ્થિત કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાને કુમ કુમ તિલક કરી પુષ્ય નક્ષત્રમાં રક્ષા પોટલી બાંધી શુભ શરૂઆત કરવામાં આવી હતી.
આ અનોખા અભિયાન થકી અંબાજીથી ઉંમરગામ સુધીના ૧૪ જનજાતિ જિલ્લાઓમાં વસતા ગ્રામ્યવાસી, નગરવાસી અને વનવાસી બંધુઓના ઘરે ઘરે મોકલવાની માં અંબાના આશીર્વાદ રૂપ ૨ લાખ રક્ષાપોટલીઓ, માં અંબાના પ્રસાદ તરીકે ૩૦૦ કિલોગ્રામ કંકુ, અને જનજાતિ કલ્યાણ આશ્રમની કાર્યકર્તા બહેનોને ૪૫૦ સાડીઓ અર્પણ કરવામાં આવી હતી.
શ્રાવણ માસના પ્રથમ દિવસે આયોજિત આ રક્ષાબંધન ઉત્સવ અંતર્ગત રક્ષાબન્ધન પર્વની ઉજવણીને સાર્થક સ્વરૂપ મળશે. અને સમગ્ર વિસ્તાર શ્રદ્ધાના એક તાંતણે બંધાશે તેમજ માં અંબાનું અભય કવચ મળી રહેશે. ઉપરાંત જનજાતિ કલ્યાણ આશ્રમની કાર્યકર્તા બહેનોને સાડી, અને કંકુ પણ માં ના પ્રસાદ તરીકે મોકલવામાં આવ્યું છે. આ શુભકાર્યમાં શ્રી હેતલભાઈ રાજ્યગુરુ, રાજકોટ અને શ્રી હુકમભાઈ શેઠ, અંબાજી દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવ્યો છે.
રક્ષાબંધન ઉત્સવના આ અવસરે ક્ષેત્ર મહિલા આયામ પ્રમુખ શ્રી નલીનીબેન મહેતા, પ્રાંત મહામંત્રી શ્રી નરેન્દ્રભાઇ પટેલ , ડૉ હસમુખભાઈ પટેલ સહિત જનજાતિ કલ્યાણ આશ્રમની બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
_____________________________________________
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આનંદ અને ઉત્સાહથી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જઃ અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
બે વર્ષના વિરામ બાદ તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર અંબાજી ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ અંગે કલેકટરશ્રી આનંદ પટેલે માહિતી આપી
મેળા દરમ્યાન દર્શનનો સમય વધારાશેઃ વહેલી સવારે-૫.૦૦ વાગ્યાથી આરતીનો લાભ લઇ શકાશેઃ મેળાની વ્યવસ્થા જાળવવા ૨૮ જેટલી સમિતિઓની રચના કરાઇ
(માહિતી બ્યુરો,પાલનપુર)
વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો વૈશ્વિક મહામારી કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર આનંદ અને ઉત્સાહથી મેળો યોજવા સજ્જ બન્યું છે તેમ પાલનપુર કલેકટર કચેરી ખાતે રમત- ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા યાત્રાધામના વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને મેળાના આયોજન અંગે યોજાયેલ સમીક્ષા બેઠકમાં તેમણે જણાવ્યું હતુ. તેમણે અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજનની સમીક્ષા કરી મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્રને શુભકામનાઓ પાઠવી હતી.
મીની મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ અંબાજી ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે આ વર્ષે દૂરદૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે રેલીંગની વ્યવસ્થા કરી દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. મેળા દરમ્યાન વહેલી સવારે-૫.૦૦ વાગ્યાથી માઇભક્તો માતાજીના દર્શન કરી શકશે. મેળા દરમ્યાન સતત સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા સમિતિ તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને સલામતિ, કાયદો અને વ્યવસ્થા સમિતિ સહિત જુદી જુદી કુલ- ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે
મેળા દરમ્યાન અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો છે. અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા થીમ બેઝ પ્લાન્ટેશન કરી બ્યુટીફિકેશન કરાશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, મેળા પ્રસંગે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોવાથી આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ભાર મુકીને આ ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા માટે જુદી જુદી ટીમો દ્વારા સતત સફાઇ થાય તેવું આયોજન કરાયું છે. આરોગ્યની સેવાઓ પુરી પાડવા માટે પણ ખાસ પ્લા નીંગ કરવામાં આવ્યું છે.
અંબાજીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે ડ્રોન કેમેરા, બોડી વોર્ન અને CCTV કેમેરાથી વોચ રખાશે
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પ્રસંગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને સુરક્ષા દળના જવાનો પુરતી સંખ્યામાં તૈનાત કરાશે. આ ઉપરાંત અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને CCTV કેમેરાથી વોચ રાખશે. કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવશે. આ મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા મેળા અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, પ્રયોજના વહીવટદારશ્રી એમ. બી. ઠાકોર સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
_____________________________________________
ડાલવાણામાં કિશોરી તાલીમ કાર્યક્રમ યોજાયો
તસવીર : યાકુબ બિહારી
વડગામ તાલુકાના ડાલવાણા ગામે દાતાશ્રી દિનાબેન સુધીરભાઈ પરિવાર દ્વારા કિશોરી તાલીમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં કિશોરીઓને વધુ સારું માર્ગદર્શન મળે અને તેમનો આત્મવિશ્વાસ વધે એ હેતુથી પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનમાંથી મહિલા પીએસઆઈ ભગવતીબેન એમ.રબારીને બોલાવાયા હતા. જેમણે કિશોરીઓને મહિલા પોલીસની કામગીરી અને પોલીસમાં જોડાવવા અંગેની વિસ્તૃત માહિતી આપી મહિલાઓને લગતા કાયદાની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ૬૬ જેટલી કિશોરીઓ ઉપસ્થિત રહી હતી અને જાણકારી મેળવી હતી.
____________________________________________
'હર ઘર તિરંગા અભિયાન'
કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયે
www.harghartiranga.com વેબસાઈટ શરુ કરી
નાગરિકોને ધ્વજ પિન કરી ધ્વજ સાથે સેલ્ફી હેશટેગ #harghartiranga સાથે અપલોડ કરવા અનુરોધ
અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધુ લોકોએ પિન કર્યો ફ્લેગ
ભારતની આઝાદીના 75 વર્ષ પુર્ણ થવાની ઉજવણીના આ અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે.
આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરુ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ લોગ ઈન કરીને પોતાના સરનામા પર વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરવાનો રહેશે જે બાદ તેમના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ ભારતના નકશામાં દેખાશે. આ ઉપરાંત ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા પણ નાગરિકોને અનુરોધ કરાયો છે, તેમ જ આ વેબસાઇટ વિશે જાગૃતિ ફેલાવવા માટેના અધિકૃત હેશટેગ #harghartiranga નો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.
આ અભિયાન અંતર્ગત ૩૦ જુલાઈ સુધી ૪૦,૧૪,૯૩૩ નાગરિકોએ પોતાના લોકેશન પર ફ્લેગ પિન કર્યો છે. જ્યારે ૫,૭૯,૫૨૦ નાગરિકોએ ફ્લેગ સાથે સેલ્ફી અપલોડ કરી છે.
ટિપ્પણીઓ