ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૩૦.૦૭.૨૦૨૨

ગિફ્ટ સિટી ૧૩૦ કરોડ ભારતવાસીઓને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડાવાની તક આપશે : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી

 પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે IFSCA હેડક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો
 GIFT સિટી ખાતે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ-IIBXનું લોકાર્પણ

 આજે ભારતના આર્થિક અને ટેકનિકલ સામર્થ્યમાં વિશ્વના વધતાં જતાં વિશ્વાસ માટે અત્યંત મહત્વનો દિવસ છે. ભારત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આધુનિક ભારતની સંકલ્પના સાકાર થઈ રહી છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સર્વિસીસ ઓથોરિટીના નવા મુખ્યમથકનો શિલાન્યાસ થઈ રહ્યો છે. સોના ચાંદીના આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પણ શુભારંભ થઈ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસીસ સેન્ટર અને સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ ત્રણેયનું જોડાણ થઈ રહ્યું છે. 
 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટરના વડામથકનું આ ભવન સ્થાપત્યની દૃષ્ટિએ તો શ્રેષ્ઠ હશે જ, પરંતુ ભારતને આર્થિક મહાશક્તિ બનાવવા માટેના અવિરત અવસર પૂરા પાડનારું મુખ્યમથક પણ બની રહેશે. આ સેન્ટર સંસ્થા ક્ષેત્રમાં સંશોધનોને સહાયરૂપ બનશે. એટલું જ નહીં, વૈશ્વિકકક્ષાએ સેવાઓ પૂરી પાડનાર સેન્ટર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવશે. 
 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ગિફ્ટ સિટીમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની ભારતની રિજનલ ઓફિસ, ત્રણ ફોરેન બેંક, ચાર નવા ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઈનાન્સિંગ સર્વિસીસ પ્લેટફોર્મના શુભારંભ તેમજ ગિફ્ટ સિટીમાં કાર્યરત પાંચ ફિન-ટેક ફોર્મ્સને ઓથોરિટી સર્ટિફિકેટ આપવાના અવસરે ૧૦૦થી વધારે બ્રોકર ડીલરને કાર્યરત કરવાના તેમજ ઇન્ડિયા આઈએનએક્સમાં ૭૫થી વધારે બોન્ડ લિસ્ટિંગ કરવાના અવસરે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ માઇલસ્ટોન સાથે આપણે અનેક મહત્વપૂર્ણ પડાવોને પાર કર્યા છે.
 તેમણે ઉમેર્યું કે, ગિફ્ટ સિટીથી ભારતના ૧૩૦ કરોડ દેશવાસીઓને આધુનિક વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડાવાની તક મળશે. આજે આપણો દેશ અમેરિકા, ઇંગ્લેન્ડ, સિંગાપોર જેવા દેશોની હરોળમાં ઉભો છે, જ્યાંથી વૈશ્વિક અર્થવ્યવસ્થાનું દિશાદર્શન અપાય છે. આ માટે તેમણે તમામ ભારતીયો તેમજ સિંગાપોરના દેશવાસીઓને પણ અભિનંદન આપતા કહ્યું હતું કે, આ પહેલથી બંને દેશો માટે સંભાવનાઓની નવી ક્ષિતિજો વિસ્તરી છે.
 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગિફ્ટ સિટીની કલ્પના કરી હતી ત્યારે માત્ર વ્યાપાર કે આર્થિક ગતિવિધિઓ પૂરતી સીમિત ન હતી. ગિફ્ટ સિટી સાથે દેશના સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ જોડાયેલી છે. ભારતના ભવિષ્યનું વિઝન અને સપના ગિફ્ટ સિટી સાથે જોડાયેલા છે.

: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગિફ્ટ સિટી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને આપેલી અણમોલ ભેટ છે. ગિફ્ટ સિટી ગુજરાતને ટ્રેડ, બિઝનેસ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ માટેનું ગ્લોબલ સેન્ટર બનાવશે. મેન્યુફેક્ચરિંગ, સીરામીક, ડાયમંડ અને ફાર્માસ્યુટિકલ સેક્ટર્સ માટે જાણીતું ગુજરાત હવે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ હબ બની વૈશ્વિક સ્તરે જાણીતું બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
 ગીફ્ટ સિટીના વિકાસ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરત સરકાર ૭૦૦ એકરમાં ફેલાયેલા વિશાળ ગિફ્ટ સિટીને ગ્રીન, સ્માર્ટ અને હોલીસ્ટિક સીટી તરીકે વિકસાવી રહી છે. ફાયનાન્સિયલ સર્વિસીસના વિકાસ માટે ગુજરાત સરકારે તાજેતરમાં વધારાની ૭૯ એકર જમીન ઉપલબ્ધ કરાવી છે. વડાપ્રધાનશ્રીના વિઝનને ધ્યાને રાખી રાજ્ય સરકારે ગિફ્ટ સિટીની પાસે સાબરમતી નદીતટ ઉપર રિવરફ્રન્ટનો વિકાસ કરવા માટે ગત બજેટમાં રૂ. ૩૫૫ કરોડની ફાળવણી કરી છે.

: નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ :

 નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે ગુજરાતમાં ગિફ્ટ સિટીના નિર્માણને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું દૂરંદેશીભર્યું પગલું ગણાવી કહ્યું હતું કે, આ પહેલથી ગુજરાતને વૈશ્વિક નકશા પર મૂકી દીધુ છે અને ગુજરાતના વિકાસને વિશ્વના અન્ય વિકસિત દેશોની સમકક્ષ લાવી દીધો છે. ગિફ્ટ સિટી ખાતે અનેકવિધ પ્રોજેક્ટના નિર્માણના પરિણામે આ પ્રકલ્પ સમગ્ર દેશ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. એટલું જ નહીં, સમગ્ર વિશ્વના આર્થિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ એક માઈલસ્ટોન બની રહેશે. 
 મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે આ દિશામાં ત્રણ મહત્વના નવીન પ્રકલ્પોનો પ્રારંભ થઈ રહ્યો છે જેના પરિણામે આગામી ૨-૩ વર્ષમાં ગિફ્ટ સિટી વધુ નીખરીને બહાર આવશે. આ તકે તેમણે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રીના સતત સમર્થન અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગિફ્ટ સિટી આજે લંડન, સિંગાપોર અને હોંગકોંગ સહિતના સમગ્ર વિશ્વમાં વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની સમકક્ષ ઉભુ છે. 
 
: કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરી :

 કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીએ સ્વાગત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગિફ્ટ સિટીની પરિકલ્પના કરી હતી ત્યારે તે દિવાસ્વપ્ન જેવું લાગતું હતું પરંતુ તેમના દૃષ્ટિવંત નેતૃત્વ અને અથાક મહેનતના પરિણામે આજે આ સપનું વાસ્તવિકતામાં પરિણમ્યું છે. ભારત નાણાકીય ક્ષેત્રે લાઈસન્સ રાજની બેડીઓ તોડીને સિંગાપોર, હોંગકોંગ જેવા દેશોની હરોળમાં નાણાકીય સેવા પ્રદાન કરનાર દેશ બન્યો છે. આવનારા નજીકના દિવસોમાં જ્યારે ગિફ્ટ સિટી સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત થશે ત્યારે દીર્ઘદૃષ્ટા વડાપ્રધાનશ્રી ભારતના યુગપુરુષ તરીકે ઓળખાશે. ગિફ્ટ સિટી નાણાકીય સેવાના ક્ષેત્રમાં વિશ્વનું પ્રવેશદ્વાર બનશે, જેમાં વિશ્વભરમાંથી રોકાણકારો આવીને નાણાકીય સેવાઓ મેળવશે, જેનાથી ગિફ્ટ સિટી વૈશ્વિક બજારમાં નાણાકીય સેવાઓનું કેન્દ્ર બનશે.

 આ પ્રસંગે ગુજરાતના નાણા-ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી શ્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આરબીઆઈના ગવર્નરશ્રી શક્તિકાંત દાસ વર્ચ્યુઅલી જ્યારે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, એન.ડી.બીના ભારતના પ્રાદેશિક કાર્યાલયના વડા શ્રી ડી.જે. પાંડીયન, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જના વડા શ્રી અશોક ગૌતમ, NSE IFSCના સીઇઓ શ્રી સંદીપ મહેતા, સહિત ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વૈશ્વિક બેંકોના પ્રતિનિધિઓ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને NSE IFSC-SGXના હોદ્દેદારો સહિતની ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતા.
____________________________________________

ભાદરવી પૂનમના મહામેળા સંદર્ભે અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અગત્યની સમિતિઓની બેઠક યોજાઇ

કલેકટરશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓએ પાર્કિગ, એસ.ટી. બસ સેવા અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અંબાજી આસપાસના સ્થળોનું નિરીક્ષણ કર્યુ

(માહિતી બ્યુરો, પાલનપુર) 
           આગામી ભાદરવા મહિનામાં અરવલ્લીના ડુંગરાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. આ મહામેળાના સુચારૂ આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અત્યારથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 
            ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ પૈકી અગત્યની સમિતિઓની બેઠક અંબાજી ખાતે યોજાઇ હતી જેમાં મેળા સંદર્ભે કરવાની કામગીરીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ અંબાજીમાં મેળા દરમિયાન પાર્કિગ, એસ.ટી. બસ સેવા અને તેનું પાર્કિગ, યાત્રાળુઓની સુરક્ષા માટે અંબાજી આસપાસના વિસ્તારોની જાત મુલાકાત લઇ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.    
          બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર સહિત વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

પર્યાવરણ શુદ્ધિકરણ, વિદેશી હુંડિયામણની આવક અને કિસાન સમૃદ્ધિનો ત્રિવેણી સંગમ એટલે ચંદનની ખેતી

અજાપુર વાંકા ગામે ૫૦ વીઘા જમીનમાં સેન્ડલ વુડ (ચંદન) ની સુંગધીદાર ખેતી કરતા ૮૫ વર્ષીય ખેડૂતશ્રી મૂળજીકાકા

(માહિતી બ્યુરો, પાલનપુર) 
          સાહસિકતાનો ગુણ ગુજરાતી પ્રજાના જનીનમાં રહેલો છે. કોઈ નવીન સાહસ, નવી પહેલ કરવામાં ગુજરાતીઓ હંમેશા અગ્રેસર રહેતા હોય છે. પોતાની મહેનત, ખંત અને ધીરજ થકી ગુજરાતીઓ કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી સમૃદ્ધિની કેડી કંડારતા હોય છે. ખેતીએ પરંપરાગત વ્યવસાય અને ગ્રામીણ અર્થતંત્રનો આધાર સ્તંભ છે. પરંતુ વર્તમાન સમયમાં બદલાતા પ્રવાહોમાં ખેતીમાં પણ આધુનિકતા અને ટેકનોલોજીના સમન્વયથી ગુજરાતના ખેડૂતો અપગ્રેડ બન્યા છે અને પરંપરાગત પાકોને ત્યજીને નવીન પાકોની પ્રયોગશીલ ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા અને પથદર્શક બની રહ્યા છે.
          આજે વાત કરવી છે આવા જ એક ૮૫ વર્ષના પ્રયોગશીલ ખેડૂતની... બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અજાપુર વાંકા ગામના મૂળજીકાકાએ આ ઉંમરે "ખુશ્બૂની ખેતી" કરી આખા પંથકમાં ચંદનની સુવાસ ફેલાવી છે. મુળજીભાઈ વીરસંગભાઈ દેસાઈ મૂળ પાલનપુર તાલુકાના જગાણાના વતની. શિક્ષક તરીકેની તેમની કારકિર્દી અને જગાણા ગામમાં બે વાર સરપંચ પણ રહી ચૂક્યા છે. વળી સામાજિક રીતે પણ તેમનું નામ આગળ પડતું એટલે મૂળજીકાકા આ પંથકના જાણીતા વ્યક્તિ તરીકેની ઓળખ ધરાવે છે એમ કહેવાય. નિવૃતિ પછી પ્રવૃત્તિ ઘટી જતી હોય છે અને બાકીનું જીવન ભક્તિભાવ કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં પસાર થતું હોય છે ત્યારે મૂળજીભાઈએ દક્ષિણના રાજ્યોની ઓળખ સમા ચંદનની ખેતી કરવાનું સાહસિક પગલું ભરી સમગ્ર પંથકમાં ચંદનની ખેતી કરતા ખેડૂત તરીકેની આગવી નામના મેળવી છે.
         ચંદનનું વૃક્ષ એ દક્ષિણ ભારતીય રાજ્યોની નૈસર્ગિક સંપત્તિ છે. પરંતુ ગુજરાતમાં પણ કેટલાક સમૃદ્ધ અને સાહસિક ખેડૂતોએ આ ખેતી અપનાવી નવીન પહેલની આધારશીલા મૂકી છે. ગુજરાતમાં ચંદનનું વાવેતર ભારતના કુલ વાવેતરના ૦.૪૫ ટકા છે. જે કુલ વિસ્તાર ૧૭,૪૩૨ હેકટરમાંથી માત્ર ૮૦ હેકટર છે. મુળજીકાકાએ અજાપુર વાંકા ગામના પોતાના ખેતરમાં ૫૦ વીઘા જમીનમાં ચંદનના ૧૦ હજાર જેટલા વૃક્ષો વાવી લાંબાગાળાની આવકનું આયોજન કર્યુ છે. વર્ષ- ૨૦૧૨માં તેમણે કર્ણાટકથી ચંદનના ૫૦૦ રોપાઓ લાવી ચંદનની ખેતીનો પ્રારંભ કર્યો હતો અને આજે તેમની જમીનના ૫૦ વીધા વિશાળ ફાર્મમાં દસ હજાર વૃક્ષો સમગ્ર પંથકમાં પોતાની સુવાસ ફેલાવી રહ્યા છે.
          સ્પોર્ટ્સ શૂઝમાં સજ્જ કોઈ યુવાનને પણ શરમાવે એવી સ્ફૂર્તિ અને ઉત્સાહવાળા મુળજીકાકાના ચંદનના ફાર્મની મુલાકાત લેવા જેવી છે. તેમની કુલ- ૭૫ વીઘા જમીનમાંથી ૫૦ વીઘા જમીનમાં તેમણે ચંદનના ૧૦ હજાર વૃક્ષો વાવીને પોતાના ખેતરને કર્ણાટકના જંગલ જેવું સુંદર અને રળીયામણું બનાવી દીધું છે. ચંદનના કિંમતી વૃક્ષોના રક્ષણ માટે સમગ્ર ફાર્મને સીસીટીવી કેમરાથી સજ્જ કરવામાં આવેલું છે.  
         શ્રી મુળજીકાકાએ ચંદનની ખેતી વિશે માહિતી આપતા જણાવ્યું કે, ચંદનની એક ખાસિયત છે કે એ પરોપજીવી વૃક્ષ છે એટલે કે તમે જેટલાં ચંદનના વૃક્ષ ઉછેરો એટલા બીજા ઝાડ એની પાસે તેના ખોરાક માટે રોપવા પડે. મોટાભાગે ચંદનના રોપાની બાજુમાં મિલિયા ડુબીયા એટલે કે મલબારી લીંમડાના ઝાડ વાવવામાં આવે છે. બીજું કે ચંદનની ખેતી બહુ ધીરજ અને માવજત માંગી લે છે. ચંદનના વૃક્ષને પરિપક્વ થવામાં ૧૫ વર્ષ જેટલો સમય લાગે છે અને ચંદનના બે વૃક્ષો વચ્ચે ૩ × ૩ મીટર જેટલું અંતર રાખવામાં આવે છે. એક વીઘામાં ૨૭૦ જેટલાં વૃક્ષો વાવી શકાય છે. વાવેતરના ૧૫ વર્ષ પછી ખેડૂતને આવક મળવાની શરૂ થાય છે અને ૧૦૦ વર્ષ સુધી તેની આવક મેળવી શકાય છે. વર્ષે એક વીઘામાંથી ખેડૂતને રૂ. ૫ લાખ જેટલી આવક થાય છે. ૧૫ વર્ષના અંતે રૂ. ૭૫ લાખ કે તેથી પણ વધુ ઉપજ મેળવી શકાય છે કેમ કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ચંદનના ભાવ દિનપ્રતિદિન વધતા જતા હોય છે. પરંતુ આ અધધ કમાણી મેળવવા સમય અને પૈસાનો એટલો જ ભોગ આપવો પડે છે. આટલા વર્ષ કાળજી અને સારવાર સાથે ચંદનનો ઉછેર કરવો અને ચોરીથી રક્ષણ કરવું એ બહુ કપરું કામ છે. નાના ખેડૂતોને આર્થિક દ્રષ્ટિએ આ ખેતી પોસાય એમ નથી. છતાં કેટલાંક સાહસિક ખેડૂતો આજે ચંદનની ખેતી તરફ વળ્યા છે. સરકારશ્રી દ્વારા ચંદનની ખેતીને પ્રોત્સાહન આપવા માટે રોપા દીઠ ૩૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.            
         શ્રી મુળજીકાકા સેન્ડલવુડ સોસાયટી ઓફ ઇન્ડિયા (રજી.) બેંગ્લોરનું સભ્યપદ ધરાવે છે. તેઓ પોતાની ચંદનની સફળ ખેતી માટે રાજ્ય સરકારની નીતિ અને શ્રી રામકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક જેવા અધિકારીઓના માર્ગદર્શન અને પ્રેરણાને આભારી ગણાવે છે. શ્રી મુળજીકાકાએ કહ્યું કે, ચંદનની ખેતી એ પર્યાવરણ શુદ્ધિકરણ, દેશને વિદેશી હૂંડિયામણની આવક રળી આપનાર અને કિસાનો માટે સમૃદ્ધિનો દ્વાર ખોલનાર ત્રિવેણી સંગમ છે.
____________________________________________

 યુવાનોને મળશે મતદારયાદીનો ભાગ બનવાની વધુ તકો
હવે ૧લી જાન્યુઆરીની રાહ જોવાની જરૂર નહીં : મતદાર તરીકે નોંધણી કરાવવા વર્ષમાં ચાર વખત મળશે તક

મતદાર નોંધણી માટેના નવા યુઝર-ફ્રેન્ડલી ફોર્મ તા.૦૧ ઓગસ્ટ, ૨૦૨૨થી અમલી

મતદારયાદીમાં કોઈપણ પ્રકારનો સુધારો કરાવવા ફોર્મ નં.૦૮ ભરી શકાશે

મતદાર કાર્ડ સાથે સ્વૈચ્છિક રીતે આધાર નંબર લિંક કરવાની સુવિધા 

૧૭ વર્ષના યુવાનો પણ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અગાઉથી અરજી કરી શકે પ્રકારની વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે. તેના માટે હવે વર્ષની ૧લી જાન્યુઆરીએ જ ૧૮ વર્ષની ઉંમર પૂરી કરેલી હોવાની જરૂરિયાત રહેશે નહીં. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર શ્રી અનુપ ચંદ્ર પાંડેની આગેવાની હેઠળ ભારતના ચૂંટણી પંચે ૧લી જાન્યુઆરીની સાથે સાથે ૧લી એપ્રિલ, ૧લી જુલાઈ અને ૧લી ઓક્ટોબરની લાયકાતની તારીખોના સંદર્ભમાં યુવાનો અગાઉથી જ મતદાર તરીકે નોંધણી કરાવી શકે તે માટે તમામ રાજ્યોના CEO, EROS અને AEROSને ટૅક-અનેબલ્ડ સોલ્યુશન્સ તૈયાર કરવા માટે નિર્દેશ આપ્યો છે. 
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકપ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ની કલમ ૧૪(બી) અને મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦માં કરવામાં આવેલા કાયદાકીય સુધારાના પરિણામે થયેલા ફેરફારોને અનુસરીને વિધાનસભા અને સંસદીય મતવિસ્તારની ચૂંટણીઓ માટેની મતદારયાદીની તૈયારી અને સુધારા માટે જરૂરી ફેરફારો લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. નોંધનીય છે કે, ECI ની ભલામણો પર કાયદા અને ન્યાય મંત્રાલયે તાજેતરમાં લોકપ્રતિનિધિત્વ ધારામાં સુધારો કર્યો હતો. જેમાં ૧લી જાન્યુઆરીની સાથે સાથે ૧લી એપ્રિલ, ૧લી જુલાઈ અને ૧લી ઓક્ટોબર એમ કુલ ચાર લાયકાતની તારીખોને યુવાનો માટે મતદાર યાદીમાં નોંધણી કરાવવાની પાત્રતા તરીકે માન્યતા આપવામાં આવી છે.
પ્રવર્તમાન નીતિ મુજબ, સામાન્ય રીતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં (સામાન્ય રીતે વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં) લાયકાતની તારીખ તરીકે આવતા વર્ષની ૧લી જાન્યુઆરીના સંદર્ભમાં મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવતી હતી. જેથી આખરી મતદારયાદીનું પ્રકાશન આગામી વર્ષના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કરી શકાય. આનો અર્થ એ થયો કે ૧લી જાન્યુઆરી પછી ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મોટી સંખ્યામાં યુવાનોએ નોંધણી માટે આગલા વર્ષના સ્પેશિયલ સમરી રિવિઝનની રાહ જોવી પડતી હતી. સાથે જ તેઓ આ સમયગાળા દરમ્યાન યોજાતી ચૂંટણીઓમાં ભાગ પણ લઈ શકતા નહોતા.
ચૂંટણી પંચ દ્વારા રજીસ્ટ્રેશન ફોર્મ્સને વધુ યુઝર ફ્રેન્ડલી પણ બનાવવામાં આવ્યા છે. નવા તૈયાર કરવામાં આવેલા આ સરળ ફોર્મ ૧લી ઓગસ્ટ, ૨૦૨૨થી અમલમાં આવશે. તે પૂર્વે જૂના ફોર્મ્સ દ્વારા કરવામાં આવેલી મતદાર તરીકે નોંધણી માટેની અરજીઓ અને સુધારા માટેની અરજીઓનો નિકાલ કરવામાં આવશે તથા તે માટે નવા ફોર્મમાં અરજી કરવાની જરૂરીયાત રહેશે નહીં.
આગામી સમયમાં ચૂંટણીઓ યોજાનાર હોય તે સિવાયના તમામ રાજ્યોમાં લાયકાતની તારીખ તરીકે તા.૦૧.૦૧.૨૦૨૩ના સંદર્ભમાં એન્યુઅલ સમરી રિવિઝન કરવાનો ચૂંટણી પંચ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચની હાલની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ, મતદારયાદી મેન્યુઅલ, ૨૦૧૬ અને મતદાન મથક મેન્યુઅલ, ૨૦૨૦ મુજબ તમામ પ્રિ-રિવિઝન એક્ટીવિટી હાથ ધરવામાં આવી છે. મતદારયાદીને લગતી આ પ્રવૃત્તિઓ એવી રીતે કરવામાં આવે છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ (દર વર્ષે ૨૫મી જાન્યુઆરી) પહેલા મતદારયાદી પ્રકાશિત કરી શકાય. જેથી નવા મતદારો ખાસ કરીને યુવા મતદારો માટે EPIC જનરેટ કરી મતદાતા દિવસની ઉજવણીરૂપે તેમને વહેંચી શકાય.
પૂર્વ-સુધારણા પ્રવૃત્તિઓમાં મતદાન મથકોના પુનર્ગઠનનો સમાવેશ થાય છે. એક સરખી વિગતો અને સરખા ફોટો ધરાવતી એન્ટ્રીઓની વિસંગતતાઓ દૂર કરવી, લાયકાતની તારીખ તરીકે ૦૧.૦૧.૨૦૨૨ના સંદર્ભમાં પૂરક અને સંકલિત મતદારયાદીની તૈયારીનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાંથી એકથી વધુ થયેલ તમામ એન્ટ્રીઓને દૂર કરવા અને EPICમાં વિસંગતતાઓને દૂર કરવાની બાબત પૂર્વ-સુધારણા પ્રવૃત્તિઓના વર્તમાન રાઉન્ડ દરમિયાન સુનિશ્ચિત કરવા માટેના તમામ પ્રયત્નો કરવા નિર્દેશ આપ્યો છે.
ઓગસ્ટમાં શરૂ થનારી રિવિઝન એક્ટિવિટીમાં મતદારયાદીના સંકલિત મુસદ્દાના પ્રકાશન પછી પ્રાપ્ત થયેલા દાવા અને વાંધાઓના નિકાલનો સમાવેશ થાય છે. સ્પેશિયલ સમરી રિવિઝન હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદીમાં દાવા અને વાંધાઓ દાખલ કરવા માટે એક મહિનાનો સમયગાળો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અંતિમ મતદાર યાદી તા.૧૦મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

મતદાન મથક પુનર્ગઠન
એન્યુઅલ સમરી રિવિઝનના ભાગરૂપે આપેલ શેડ્યૂલ મુજબ અને મતદાન મથક મેન્યુઅલ, ૨૦૨૦માં સમાવિષ્ટ સૂચનાઓ અનુસાર મતદાર યાદીના મુસદ્દાના પ્રકાશન પહેલાં ૧,૫૦૦થી વધુ મતદારો ધરાવતા મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે. દૂર-સુદૂરના ગામના લોકો તથા શહેરના વિવિધ વિસ્તારોમાં મતદાન કરવા વધુ અંતર સુધી જવું ન પડે તે માટે નિયમાનુસાર નવા મતદાન મથકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. પરિવારના તમામ સભ્યો અને પડોશીઓને એક વિભાગમાં જ મતદાન કરવા જઈ શકે તે માટે નવીન મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી પૂર્ણતાના આરે છે.

EPIC-AADHAR લિંકિંગ
આધાર નંબરને મતદારયાદી સાથે લિંક કરવા માટે આવશ્યક એવી મતદારોની આધાર વિગતો મેળવવા માટે સુધારેલા નોંધણી ફોર્મમાં જોગવાઈ કરવામાં આવી છે. વર્તમાન મતદારોના આધાર નંબર એકત્રિત કરવા માટે નવું ફોર્મ-૬(ખ) તૈયાર કરવામાં આવ્યું છે. જો કે, આધાર નંબર ન આપનાર વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કાઢવામાં આવશે નહીં.
ચૂંટણી પંચ દ્વારા એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે, અરજદારોના આધાર નંબરની જાળવણી કરતી વખતે આધાર (નાણાકીય અને અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષિત ડિલિવરી) અધિનિયમ, ૨૦૧૬ની કલમ-૩૭ હેઠળની જોગવાઈઓનું પાલન કરવું આવશ્યક છે. કોઈ પણ સંજોગોમાં આધાર નંબરની વિગતો જાહેર ન થવી જોઈએ. જો મતદારોની માહિતી જાહેર પ્રદર્શન માટે મૂકવી જરૂરી હોય, તો આધાર વિગતો દૂર કરવી અથવા માસ્ક કરવી આવશ્યક છે.

મતદાર યાદીમાંથી પુનરાવર્તિત કે બહુવિધ એન્ટ્રીઓ કાઢી નાખવી
પુનરાવર્તિત થતી કે મલ્ટિપલ એન્ટ્રીઝને કાઢી નાખવાની વિગતવાર પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાગરિકો, રાજકીય પક્ષોના BLAS અથવા RWA પ્રતિનિધિઓ દ્વારા વારંવાર કરાવવામાં આવતી બહુવિધ એન્ટ્રીઓના દરેક કેસમાં ફિલ્ડ વેરિફિકેશન ફરજિયાતપણે કરવામાં આવશે. મતદારનું નામ મતદારયાદીમાંથી તે જગ્યાએ જ કાઢી નાખવામાં આવશે જ્યાં તે સામાન્ય રીતે રહેતા ન હોય.

સ્વસ્થ મતદાર યાદી માટે ફીલ્ડ વેરિફિકેશન અને સુપર ચેકિંગ
સ્વસ્થ મતદાર યાદી તૈયાર કરવાના હેતુથી ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરો દ્વારા ફિલ્ડ વેરિફિકેશનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ફિલ્ડ વેરિફિકેશન એ સુપરવાઈઝર, EROs અને AEROs જેવા ચૂંટણી તંત્રના વિવિધ સ્તરો દ્વારા કરવામાં આવતી કામગીરીની જવાબદારી લાગુ કરવા માટે, દેખરેખ અને ચકાસણી માટેની એક પદ્ધતિ છે. તેવી જ રીતે DEOs, રોલ ઓબ્ઝર્વર્સ અને CEO પણ દાવાઓ અને વાંધાઓ પર અંતિમ નિર્ણય લેવામાં આવે તે પહેલાં EROs દ્વારા કરવામાં આવેલા કામની તપાસ કરશે. આ ઉપરાંત, ECIના અધિકારીઓ અને CEO કચેરીના અધિકારીઓને પણ વધુ આકસ્મિક તપાસ અને દેખરેખ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સહભાગીતાપૂર્ણ પ્રક્રિયા- BLAsની સામેલગીરી
રાજકીય પક્ષોની સહભાગીતા સુનિશ્ચિત કરવાના હેતુથી ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ્સ (BLAs)ને એક દિવસમાં એક સમયે ૧૦થી વધુ ફોર્મ જમા કરાવી શકશે નહીં તેવી શરતને આધિન જથ્થાબંધ અરજીઓ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો BLA દાવાઓ અને વાંધાઓ ફાઇલ કરવાના સમગ્ર સમયગાળા દરમિયાન ૩૦થી વધુ અરજીઓ કે ફોર્મ્સ ભરાવે છે, તો ERO/AERO દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. વધુમાં, BLA એ ઘોષણા સાથે અરજીપત્રકોની યાદી પણ જમા કરાવશે કે તેણે અરજી ફોર્મની વિગતોની વ્યક્તિગત રીતે ચકાસણી કરી છે અને તેઓ સાચા છે. 
____________________________________________

                  🇧🇴૬૬.અમૃત વરસે અનરાધાર🇧🇴
                  ગુજરાત સંગીત નાટક અકાદમી
                 ગાંધીનગરના આર્થિક સહયોગથી

               🇧🇴 આઝાદી કા અમૃત મહોત્સવ
                                 અંતર્ગત 
                       દેશભક્તિ ગીતો અને
                                   શૌર્યગીતોનો....🇧🇴 ‍         
                       🎻ભવ્ય લોકડાયરો🎻
            કલાકાર શ્રીમતી હસુમતીબેન બારોટ ગાયિકા 
        ગોવિંદભાઈ બારોટ -સાહિત્યકાર- ગાયક-સંગીતકાર
                               અને સંગીત ગૃપ.
             શ્રી કલ્પેશભાઈ જી. બારોટ ઓરગન પ્લેયર 
             શ્રી શુભમ અમિતભાઇ બારોટ ઓકટોપેડવાદક
             શ્રી દિનેશભાઈ વી઼.બારોટ તબલાવાદક
             શ્રી કૃષ્ણ જીજ્ઞેશકુમાર બારોટ ‍ મંજીરાવાદક
                          🌹 🌹 🙏 🌹 🌹
                          ગામ- દિવડી તા‌.દાંતા
                            જિ. બનાસકાંઠા
        શ્રાવણના પ્રથમ સોમવાર- રાત્રે ૦૮-૦૦ કલાકે પધારો દિવડી ગામે નિલકંઠ મહાદેવ મંદિર
  સહયોગ:- સરપંચશ્રી/ડેપ્યુટી સરપંચશ્રી તલાટીશ્રી/    સભ્યશ્રીઓ અને ગામ દિવડી ભક્ત મંડળ.........

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ