ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૯.૦૭.૨૦૨૨
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબર ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા
સાબર ડેરી ખાતે રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ઈ- ભૂમિપૂજન
રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT) ટેટ્રાપેક પ્લાન્ટનું ઇ-લોકાર્પણ
રૂપિયા 305 કરોડના ખર્ચે બનેલા દૈનિક ૧૨૦ ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ
આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી કાર્યોન્વિત થનારા કરોડો રૂપિયાના પ્રકલ્પોના કારણે સાબર ડેરીની ક્ષમતા અનેક ગણી વધશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે, રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં ડેરી વ્યવસાયનું અનેરૂ મહત્વ છે. ગુજરાત સહકારીતા-સંસ્કારનું સમન્વનું શ્રેષ્ઠ પ્રતિક છે. ગુજરાત સહકારી પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યનું ડેરી માર્કેટ આજે 1 લાખ કરોડ પર પહોંચ્યુ છે તે આવકારદાયક છે. સાથે સાથે ડેરી વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તત્કાલિન સમયે દૂઘ ભરાવવા નાંણા સીધા મહિલાઓને મળે તેવો નિર્ણય કર્યો હતો તેનો સીધો લાભ મહિલાઓને મળ્યો છે અને મહિલાઓનું સશક્તિકરણ વધ્યું છે એમ તેમણે ઉમેર્યું હતુ.
આજે સાબરકાઠા જિલ્લાના ગઢોડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાબર ડેરી પ્લાન્ટની નજીક રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT) ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ તેમજ રૂપિયા ૩૦૫ કરોડના ખર્ચે બનેલા દૈનિક ૧૨૦ ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ પણ વડાપ્રધાનશ્રીએ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનશ્રીએ સાબરકાઠાના ગઢોડામાં સાબર ડેરી સંકુલની મુલાકાત પણ લીધી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાબર ડેરીના વિવિધ બહુહેતુક પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમહૂર્ત પ્રસંગે ખેડૂતો-પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે, કરોડો રૂપિયાના પ્રોજેક્ટ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી કાર્યોન્વિત થનારા પ્રકલ્પોના કારણે સાબર ડેરીની ક્ષમતા અનેક ગણી વધશે. એટલું જ નહી ડેરીનું સામર્થ્ય વધારવામાં ઉપયોગી થશે અને સાથે સાથે ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોના જીવનમાં પ્રકાશ પથરાશે. ડેરીના સ્થાપક સ્વ. ભૂરાભાઇ પટેલે વર્ષો પહેલા સેવેલું સ્વપ્ન આજે લાખો ખેડૂતોના જીવનમાં બદલાવનો પથ બન્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં કરેલા પરિભ્રમણનો ઉલ્લેખ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, સાબરકાંઠાના સંસ્મરણો આજે પણ યથાવત છે. જિલ્લાના અગ્રણીઓ-સાથીઓ સાથેના સંસ્મરણોને તેમણે યાદ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, બે દશક પહેલા અહીની સ્થિતિ અલગ હતી પરંતુ એ સ્થિતિમાં બદલાવ લાવવાનો સંકલ્પ કર્યો હતો અને આજે ખેતી-પશુપાલનની પ્રવૃતિને વ્યાપક બનાવી અને ડેરીએ આ વ્યવસ્થાને વધુ પ્રગતિદાયક અને મજબૂત બનાવી તે આનંદની વાત છે.
શ્રી મોદીએ કહ્યુ કે, ગુજરાત દેશનું એવું રાજ્ય છે જ્યાં પશુધન માટે હેલ્થકાર્ડ, પશુ આરોગ્ય મેળા યોજયા હતા અને પશુઓના મોતીયાના ઓપરેશનની સુવિધાઓ પણ કરી હતી. આ અભિયાન આજે પણ કાર્યરત છે. પશુઓના પેટના ઓપરેશન દરમ્યાન ૧૦-૧૫ કિલો પ્લાસ્ટિક નીકળતું હતું એટલે જ પ્લાસ્ટિક પર પ્રતિબંધની ઝુંબેશ પણ ચલાવી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, આજે ડેરીની મહિલા પશુપાલકો સાથે થયેલી વાત દરમ્યાન જાણ્યું કે જિલ્લાની મહિલાઓ દૂધ ઉત્પાદનમાં ખુબ સક્રિય છે. પશુધનની માવજતમાં માહિર મહિલાઓ પશુધનના આરોગ્યની જાળવણીમાં આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે તે ખૂબ આવકારદાયક છે.
રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં વીજળીની મહત્તનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, રાજ્યમાં 24 કલાક વીજળી આપતી જ્યોતિ ગ્રામ યોજનાના પગલે રાજ્યના લોકોના જીવનમાં બદલાવ પણ આવ્યો છે. સાથે સાથે ગામડામાં મિલ્ક ચીલીંગ પ્લાન્ટ કાર્યાન્વિત થયા. તેના પગલે ગામડાઓ અને પશુપાલકોના જીવનમાં મોટો અને પરિણામલક્ષી બદલાવ આવ્યો છે.
અરવલ્લી જિલ્લાના ખેડૂતોને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યુ કે, આ જિલ્લાના ખેડૂતોએ ટપક સિંચાઇથી ખેતીને પ્રાધાન્ય આપ્યું છે તે આનંદની વાત છે. સાબરકાંઠા જિલ્લામાં પણ દરેક વિસ્તારમાં પાણી પહોચ્યું છે. શહેરોમાં હર ઘર જલ અભિયાન અંતર્ગત પાણી અપાય છે.
વિકાસના પાયામાં કનેક્ટિવિટી અને માળખા ગત સુવિધાઓની ભૂમિકાનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ કહ્યું કે, સાબરકાંઠા અને આસપાસના વિસ્તારના કનેક્ટિવિટીનું વિસ્તૃત માળખું ઊભુ કરાયું છે અને તેને પગલે રોજગારી અને પ્રવાસન વધ્યા છે. ફોર લેન રોડ મારફતે શામળાજી દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત સાથે જોડાઇ જશે. હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનનું કામ ઝડપી ચાલી રહ્યું છે. હિંમતનગરથી અંબાજી ફોર લેન રસ્તો મુસાફરી માટે વધુ ઉપયોગી બન્યો છે. તો 1300 કરોડના ખર્ચે અમદાવાદ શામળાજીનો 6 માર્ગીય રસ્તો પણ વિકાસની ઘરોહર બનશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ કહ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સાબરકાંઠાની પાલદઢવાવની ઘટનાને પણ 100 વર્ષ થયા છે. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એ સમયે આદિવાસી સમાજના યોદ્ધાઓએ અંગ્રેજોના પાયા હચમચાવી નાખ્યા હતા. એ સમયે અંગ્રોજોએ કરેલા હત્યાકાંડને આઝાદી પછી ભૂલાવવાનો પ્રયાસ થયો પરંતુ આદિવાસી સમાજના સ્વાતંત્રવીરોએ આપેલા યોગદાનને અમારી સરકારે ઉજાગર કર્યું.
શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આઝાદીના આ મહત્વપૂર્ણ પડાવ પર અનુસુચિત જનજાતિના શ્રી દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિના સ્વોચ્ચ પદે બિરાજમાન થયા છે એ ભારત માટે ગૌરવાન્વિત ઘડી છે. અમારી સરકારે 15 નવેમ્બરને ભગવાન બિરસામૂંડાના જન્મદિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે એટલું જ નહીં, મારી સરકાર દેશભરમાં આદિવાસી સ્વતંત્રતા સગ્રામ સેનાનીઓની યાદમાં એક વિશેષ સંગ્રહાલય ઉભું કરવા જઇ રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
સાબરકાંઠાની ગૌરવશાળી ભૂમિ પરથી શ્રી મોદીએ આહ્વવાન કરતા જણાવ્યુ કે, આગામી સમયમાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા સાબરકાંઠા- અરવલ્લી ઉપરાંત સમગ્ર રાજ્ય અગ્રેસર ભૂમિકા ભજવે ‘ એક ભારત શ્રેષ્ઠ ભારતનો’ સંકલ્પ સાકાર કરે. સાબરકાંઠા જિલ્લો સન્માન અને ગૌરવનું પ્રતિક છે ત્યારે આ સ્થળેથી રાજ્યની મહિલાઓની પુરુર્ષાથ શક્તિ એજ મારી પ્રેરણા અને ઉર્જા છે અને આ ઉર્જાને રાષ્ટ્રના વિકાસમાં વાપરવા સંકલ્પબદ્ધ છું એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશને ‘સહકારથી સમૃદ્ધી’નો માર્ગ ચિંધનારા ગુજરાતની ધરા ઉપર દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના રૂ. ૧૦૩૦ કરોડના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ દૂધની ધારા અવિરત વહેતી રાખવાના પ્રકલ્પો પુરવાર થનારા છે. સાબરકાંઠા, અરવલ્લી અને ઉત્તર ગુજરાત માટે આ ભેટ શ્વેત ક્રાંતિનો અમૃતકાળ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.
દૂધ ઉત્પાદન પ્રવૃતિમાં પણ ગુજરાત અગ્રેસર હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં દૂધ ઉત્પાદકોની સંખ્યા બે દાયકામાં ર૧ લાખથી વધીને ૩૬ લાખ સુધી પહોચી છે.
સાબર ડેરીએ પશુપાલકોના જીવનમાં નવો ઉજાશ લાવી છે અને આજના પ્રકલ્પોના પગલે પશુપાલકોના જીવનને નવી દિશા આપશે તેવો વિશ્વાસ છે એમ તેમણે ઉમેર્યું હતું.
સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સાબર ડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોની જીવાદોરી છે. આજે સાબર ડેરી આખા દેશમાં જાણીતું નામ બની ગયું છે. આ ડેરીએ છેલ્લાં ૫૮ વર્ષમાં ઉડીને આંખે વળગે એવી અદભુત કામગીરી કરી છે, જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી પણ બની ગઈ છે.
સાબર ડેરીના વિકાસની વાત કરતા તેમણે કહ્યું કે, સાબર ડેરી ૫૮ વર્ષથી દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ આપવા અને સરકારની યોજનાઓ પહોંચાડવા આ ડેરી કાર્યરત છે.
પશુપાલક પરિવારોની દીકરીઓને ‘સુકન્યા સમુદ્ધિ યોજના’ની લાભાર્થી દીકરીઓને પ્રશસ્તિપત્રો વડાપ્રધાનશ્રીએ એનાયત કર્યા હતા. ડેરી દ્વારા અંદાજે 20 હજારથી વધુ દીકરીઓને તેનો લાભ મળવાનો છે.
દુઘ ઉત્પાદક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા પશુપાલકોનું પણ વડાપ્રધાનશ્રી દ્વારા પ્રશસ્તિપત્રો આપી સન્માન કરાયું હતું.
આ અવસરે ડેપ્યુટી સ્પિકર શ્રી જેઠાભાઇ આહિર, રાજ્ય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, રાજ્યમંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદશ્રી રમિલાબેન બારા, સાંસદ શ્રી ડીપસિંહ, ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ધારાસભ્યશ્રી જીતુભાઇ કનોડિયા, સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એસ શાહ તેમજ સાબર ડેરી ચેરમેન શ્રી શ્યામલભાઈ પટેલ, GCMMFના એમ.ડી. શ્રી આર.એસ.સોઢી, IFFCOના ચેરમેન શ્રી દિલીપભાઇ સંધાણી, બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી, NDDBના ચેરમેનશ્રી મિનેશભાઇ શાહ, ગુજરાત સ્ટેટ કો.ઓ.યુનિયનના ચેરમેન શ્રી અજયભાઇ પટેલ, સાબરડેરીના સભાસદ સભ્યો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
ઊંચે ટોચ પર રોપ વેમાં ફસાયેલા યાત્રિકોને બચાવવા માટેના લાઈવ રેસ્ક્યુ ઓપરેશનનું દિલધડક ડેમોસ્ટ્રેશન કરાયું
રોપ વે ઓથોરિટીની સુરક્ષા અંગેની સતર્કતા અને સલામતીની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા વહીવટદારશ્રી આર. કે. પટેલ
(માહિતી બ્યુરો,પાલનપુર)
આગામી ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને અનુલક્ષીને અંબાજી ગબ્બર રોપ વે ઓથોરિટી અને વહીવટીતંત્રના સંકલન દ્વારા ગબ્બર તળેટી ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આવનારા સમયમાં દેશનો સૌથી મોટો ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે.કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આ મેળો યોજાઈ શક્યો નથી ત્યારે ચાલુ વર્ષે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા આ મેળાની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ વખતે કરોડોની સંખ્યામાં યાત્રિકો-શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટવાની સંભાવના છે ત્યારે યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી અંબાજી ગબ્બર રોપ વે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા મોકડ્રિલ કરવામાં આવી હતી. જેમાં રોપ વે માં ફસાયેલા યાત્રિકોનું સુરક્ષા ટિમ દ્વારા દિલધડક લાઈવ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ભાદરવી પૂનમે લાખો કરોડો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે પધારતા હોય છે અને ગબ્બર પર્વત પર પણ દર્શનાર્થે જતા હોય છે ત્યારે માનવ મહેરામણની સલામતી અને સુરક્ષા જરૂરી બની જાય છે.આવા સમયે રોપ વે દ્વારા ગબ્બર પર દર્શન કરવા જતાં યાત્રિકો શ્રદ્ધાળુઓ સાથે કોઈ દુર્ઘટના ઘટે તો ગબ્બર રોપ વે ઓથોરિટી યાત્રિકોની સલામતી માટે ગમે તેવા કપરા સંજોગોમાં પણ તેમનું રેસ્ક્યુ કરી યાત્રિકોનો જીવ બચાવી શકે છે તેવા હેતુસર આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.મોકડ્રિલ દ્વારા રોપ વેની સાર સંભાળ અને સુરક્ષાના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી.સમગ્ર મોક ડ્રિલ ગબ્બર રોપ વેના રેસિડેન્ટ મેનેજર નૈનેશ પટેલના માર્ગદર્શન અને ટેક્નિકલ ટીમની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.રોપ વે ઓથોરિટી દ્વારા યાત્રિકોની સુરક્ષાના ભાગરૂપે અવારનવાર આવી મોકડ્રિલનું આયોજન કરી સુરક્ષાની ચકાસણી અને ખાતરી કરવામાં આવતી હોય છે.
મોકડ્રિલના લાઈવ ડેમોસ્ટ્રેશન વખતે ઉપસ્થિત શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી આર.કે પટેલ અને પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર સહિતના વહીવટીઅધિકારીઓએ રોપ વે ઓથોરિટીની સુરક્ષા માટેની સતર્કતા અને કામગીરીને બિરદાવી સંતોષ વ્યક્ત કર્યો હતો.
મોકડ્રિલ પ્રસંગે શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી આર.કે પટેલ, પ્રાંત અધિકારીશ્રી સુશીલભાઈ પરમાર, ડિઝાસ્ટર ટિમ, ફાયર ટિમ, ફોરેસ્ટ ટિમ, અંબાજી પી આઈ ડી.બી પટેલ સહિતની પોલીસ ટિમ, મેડિકલ ટિમ,લોકલ કોમ્યુનિટીના માણસો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે રાજ્યના ૧૪ જિલ્લાઓ "નિયંત્રિત વિસ્તાર" તરીકે જાહેર
• કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટીની રચના કરવા ઠરાવ
• નિયંત્રિત વિસ્તારોમાં પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ
• નિયંત્રિત વિસ્તારોમાં પશુને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવર પર પ્રતિબંધ
પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ ફેલાતો અટકે અને પશુધન સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને લમ્પી સ્કીન ડીસીઝનું નિવારણ અને નિયંત્રણ વધુ ઝડપી અને સુદ્રઢ રીતે થાય તે માટે રાજ્યના ૧૪ જિલ્લાઓને "નિયંત્રિત વિસ્તાર"તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લાકક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટીની રચના કરવામાં આવશે તેમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને "નિયંત્રિત વિસ્તાર" તરીકે જાહેર કરવામાં આવ્યા છે. લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે પશુઓને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે. નિયંત્રિત વિસ્તારવાળા જિલ્લાઓની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્યના પશુધનને સુરક્ષિત કરવા રાજ્ય સરકાર દ્વારા પશુપાલક હિતલક્ષી અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટી સ્થાપવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાનારી સમિતિમાં જિલ્લા વિકાસ અધિકારી, રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ, જિલ્લા પોલીસ વડા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા પશુપાલન અધિકારી/પશુપાલન ખાતાના નાયબ નિયામક, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રાદેશિક પરિવહન અધિકારીનો સમાવેશ કરવામાં આવશે.
આ સમિતિ જિલ્લામાં લમ્પી સ્ક્રીન ડીસીઝના નિયંત્રણ, બચાવ તેમજ સારવાર સબંધિત તમામ કામગીરીનું સંકલન તેમજ મોનીટરીંગ કરશે. આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સારવાર, આઇસોલેશન, વેક્સીનેશન તેમજ આનુષંગિક તમામ કામગીરી સુનિશ્ચિત કરશે. અસરગ્રસ્ત પશુઓની અવરજવર નિયંત્રિત કરવાની તેમજ પશુઓના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ, રખડતા (બિનવારસી) અસરગ્રસ્ત પશુઓની દેખરેખ સહિતની કામગીરી સુનિશ્ચિત કરીને લમ્પી સ્કીન ડીસીઝના સબંધમાં સર્વેલન્સની કામગીરી કરશે તેમ વધુમાં યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ટિપ્પણીઓ