ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૮.૦૭.૨૦૨૨

ગુજરાતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા “ગુજરાત સેમિકંડક્ટર નીતિ” જાહેર

સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે ડેડીકેટેડ નીતિ જાહેર કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ટેકનોલોજીકલ ક્રાન્તિ તરફ ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોશી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નેહરાની ઉપસ્થિતિમાં “ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨-૨૦૨૭”ની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 
સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડિકેટેડ પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ દેશભરમાં ગુજરાતે મેળવ્યું છે. રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨ થી ૨૦૨૭ જાહેર કરવામાં આવી છે. આ પોલિસી થકી આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીનું સર્જન થશે.
મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યુ કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં દ્રષ્ટીવંત નેતૃત્વમાં સમગ્ર દેશમાં આત્મનિર્ભરતાની દિશામાં નક્કર આયોજનો થઇ રહ્યા છે ત્યારે સેમિકંડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના હેતુ સાથે ભારત સરકાર દ્વારા ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન( ISM)ની સ્થાપના કરવામાં આવી છે અને ભારતમાં સેમિકંડક્ટર ઉત્પાદન ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટેની નીતિ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ.૭૬૦૦૦ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ભારત સરકારની આ પહેલને સમાંતર ગુજરાતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા મુખ્યમંત્રીશ્રી દ્વારા સેમિકંડક્ટર નીતિ જાહેર કરવામાં આવી છે. આ પોલિસીની જાહેરાત સાથે ગુજરાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે.
મંત્રીશ્રી વાઘાણીએ જણાવ્યું કે, ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટસ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવતી મૂડી સહાયના ૪૦ ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ પોલીસી અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝીયન(ધોલેરા સર) ખાતે ધોલેરા સેમિકોન સીટી સ્થાપવામાં આવશે અને પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ્સને પ્રથમ ૨૦૦ એકર જમીન ખરીદી પર ૭૫% સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ/ડાઉનસ્ટ્રીમ તથા ISM હેઠળ મંજૂર થયેલા અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન ઉપર ૫૦ ટકા સબસિડી આપવામાં આવશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ પોલીસી અંતર્ગત તમામ પાત્રતા ઘરાવતા પ્રોજેક્ટ્સને પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે રૂ.૧૨ પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદના આગામી પાંચ વર્ષ માટે વાર્ષિક ધોરણે ૧૦ ટકાના દરે પાણીના દરમાં વધારો કરવામાં આવશે. આ પોલીસી અંતર્ગત પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ઉત્પાદનની શરૂઆતથી ૧૦ વર્ષના સમયગાળા માટે યુનિટ દીઠ રૂ. ૨ ની પાવર ટેરિફ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે તથા ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ટ, ૧૯૫૮ હેઠળ નિર્ધારિત જોગવાઈઓ અનુસાર તમામ પાત્ર પ્રોજેક્ટ્સ વિદ્યુત શુલ્ક ભરવામાંથી મુક્તિ મેળવી શકે છે.
મંત્રીશ્રીએ કહ્યુ કે, આ પોલીસી અંતર્ગત પ્રોજેક્ટના હેતુ માટે જમીનના ભાડાપટ્ટા/ વેચાણ/ ટ્રાન્સફર માટે પાત્ર પ્રોજેક્ટ્સ દ્વારા સરકારને ચૂકવવામાં આવેલ ૧૦૦% સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના એક વખતના વળતરની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ કાયદા હેઠળ મેળવવાની થતી તમામ મંજૂરીઓ ઝડપી રીતે મળી રહે તે અર્થે સિંગલ વિન્ડો મિકેનિઝમ સ્થાપવામાં આવશે. આ નીતીનો ઉદેશ્ય મોટા પાયે રોજગારી ઉભી કરવાનો છે તથા આગામી પાંચ વર્ષમાં ૨ લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે.
____________________________________________

“હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી અંગે પાલનપુર નગરપાલિકામાં બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
          પાલનપુર ખાતે “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવા બાબતે તા.૨૬/૦૭/૨૦૨૨ ને મંગળવારના રોજ નગરપાલિકા કચેરીના મીટીંગ હોલમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલના અધ્યક્ષસ્થાને મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમની ઉજવણી બાબતે ચીફ ઓફિસરશ્રીએ વિસ્તૃતમાં જાણકારી આપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ દુકાનો, વેપારી સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, શહેરી મહોલ્લાના તમામ મકાનો, ફ્લેટો, બિલ્ડીંગો ઉપર તા.૧૩/૦૮/૨૦૨૨ થી તા.૧૫/૦૮/૨૦૨૨ સુધી આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવા સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી. 
           આ કાર્યક્રમમાં નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા પાલનપુર શહેરના વિવિધ વેપારી એસોશિયેશનના હોદ્દેદારો તથા સામાજીક સંગઠનો, વિવિધ ક્લબોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

 બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા આયુષ્યમાન ભારત PMJAY અંતર્ગત મા વાત્સલ્ય કાર્ડ રિન્યુ કરાવવા લાભાર્થીઓને અપીલ

મા યોજના, મા વાત્સલ્ય યોજના, બાળસખા યોજના અને ચિરંજીવી યોજના મર્જ કરી પીએમજેએવાય- મા કાર્ડમાં સમાવેશ કરાયો

(માહિતી બ્યુરો, પાલનપુર)
            કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીના સંયુક્ત સાહસથી આયુષ્યમાન ભારત (પીએમજેએવાય) યોજના ચાલી રહી છે જે યોજના અંતર્ગત રૂ. 5 લાખ સુધીની કેશલેશ સહાય માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં મળવા પાત્ર હોય છે. મા યોજના, મા વાત્સલ્ય યોજના, બાળસખા યોજના અને ચિરંજીવી યોજના પણ આ યોજનામાં મર્જ થયેલ છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ 57 પ્રાઇવેટ અને 148 સરકારી હોસ્પિટલો આ યોજનામાં જોડાયેલ છે. જેમાં નવજાત જન્મજાત શિશુની સારવાર, ડાયાલીસીસ, કિડનીના રોગો, હ્રદયની બિમારી, જનરલ સર્જરી, ઓર્થોપેડિક ફ્રેકચર જોઇન્ટ રિપ્લેસમેંટ, ગાયનેક, કેન્સર જેવા રોગોની સારવાર પીએમજેએવાય-મા કાર્ડ માં થાય છે.
            આ ઉપરાંત જિલ્લા બહારની એમ્પેનલ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાંટ, ન્યુરો અને સ્પાઇન સર્જરી, દાઝેલા કેસમાં પ્લાસ્ટીક સર્જરી જેવી ગંભીર બિમારીઓમા પણ પીએમજેએવાય કાર્ડ આશીર્વાદ રૂપ બની રહ્યુ છે. જેમની રૂ. 4 લાખ કરતા ઓછી આવક હોય તેવા તેમજ રૂ. 6 લાખથી ઓછી આવક ધરાવતા સિનિયર સિટીઝન આ કાર્ડ વિનામૂલ્યે તાલુકા આરોગ્ય કચેરી તેમજ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ પંચાયત પરથી પીએમજેએવાયકાર્ડ મેળવી શકે છે. ખાસ મા વાત્સલ્ય યોજના અંતર્ગત બનેલા કાર્ડ જેમા ઇન્કમ સર્ટીફિકેટ આપેલ હોય તે ઇન્કમ સર્ટીફિકેટ અવધિ પૂર્ણ થતા મા વાત્સલ્ય કાર્ડ બંધ થઇ જાય છે. હાલમાં જિલ્લાના 2 લાખ 38 હજાર પરિવારોના કાર્ડ ૩૧/૦૭/૨૦૨૨ એ બંધ થઇ જશે. જે ચાલુ કરવા આવકનો દાખલો અને મા વાત્સલ્ય કાર્ડ લઇ લાભાર્થીએ તાલુકા આરોગ્ય કચેરી અથવા નજીકની ઇ-ગ્રામ પંચાયત પર જવાનુ રહેશે. જેથી એ કાર્ડ પુન: ચાલુ રહી શકે અને તેને પીએમજેએવાયમાં કનવર્ટ કરી શકાય.  
            રૂ. 5 લાખ 50 હજાર થી વધારે લોકોના આયુષ્યમાન ભારત પીએમજેએવાય કાર્ડ બનાસકાંઠા જિલ્લામાં આધાર બેઝ અપાઇ ગયા છે અને હજુ વધુમાં વધુ લોકો આ કાર્ડ જલ્દીથી મેળવી લે તે જરૂરી છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, બનાસકાંઠાની અખબારીમાં જણાવ્યું છે.
____________________________________________

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “સંસ્કૃતિ કી ઝંકાર” ઝંકૃતિ-૨૦૨૨” સ્પર્ધાનું આયોજન

યુવક-યુવતીઓ ઘરેથી વિડીયો બનાવીને www.jhankriti.org વેબ સાઇટ ઉપર અપલોડ કરીને વર્ચ્યુઅલી ભાગ લઈ શકશે

(માહિતી બ્યુરો, પાલનપુર)
           આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આર્ટ ઓફ લિવિંગની સાંસ્કૃતિક શાખાના વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડસ કલ્ચર (WFAC) દ્રારા તા. ૧ લી જૂનના રોજ “ઝંકૃતિ ૨૦૨૨-સંસ્કૃતિ કી ઝંકાર” કાર્યક્રમનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. 
          ઝંકૃતિએ ભારતની પ્રથમ વર્ચ્યુઅલ ક્લાસિકલ આર્ટ સ્પર્ધા છે. જે હાલમાં ચાલતા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવી છે. ઝંકૃતિ (ઝંકાર અને સંસ્કૃતિ શબ્દોના જોડાણમાંથી જન્મેલ શબ્દ) ખરેખર એક તહેવાર છે. આ સ્પર્ધા વિશ્વભરમાંથી શાસ્ત્રીય સંગીત અને નૃત્યના તમામ યુવા વિદ્યાર્થીઓ અને કલાકારો માટે વૈશ્વિક સ્તર પર તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ રજૂ કરે છે. આ સ્પર્ધાઓ ગાયન (શાસ્ત્રીય, હળવું અને સમુહ ગીત), વાદન (શાસ્ત્રીય વાદ્ય) અને નૃત્ય (શાસ્ત્રીય અને લોકનૃત્ય સ્વરૂપો) એમ ત્રણ વિભાગોમાં યોજાશે. જેમાં ૦૮ વર્ષથી ઓછી વયના, ૦૮ થી ૧૬ વર્ષના અને ૧૭ થી ૨૫ વર્ષની વયજૂથ ધરાવતા યુવક- યુવતીઓ ઘરેથી વિડીયો બનાવીને www.jhankriti.org વેબ સાઇટ ઉપર અપલોડ કરીને વર્ચ્યુઅલી ભાગ લઈ શકશે. વધુમાં વિજેતા માટે ૨૧ લાખ સુધીની ઉપાધિઓ (રોકડ ઈનામો) છે. 
          વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: www.jhankriti.org તેમજ અન્ય માહિતી માટે સુશ્રી અંજલી મહેશ્વરી (મો.૯૮૯૮૦૧૭૭૧૩) અને સુશ્રી અમી મદાની (મો. ૯૬૨૪૩૧૬૬૯૩)નો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશ એન. સોનીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ