ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૭.૦૭.૨૦૨૨
વિધાનસભાની સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિએ બનાસકાંઠાના ભાભરના વડપગ અને સૂઇગામ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
SEBC સમિતિના પ્રમુખશ્રી શંભુજી ઠાકોર અને સભ્યશ્રીઓએ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ રાજ્યની આરોગ્ય સેવાઓની પ્રશંસા કરી
(માહિતી બ્યુરો, પાલનપુર)
ગુજરાત વિધાનસભાની સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિએ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વડપગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સૂઇગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આરોગ્યની સેવાઓની જાત માહિતી મેળવી હતી. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખશ્રી શંભુજી ઠાકોરના વડપણ હેઠળની આ સમિતિના સભ્યો અને ધારાસભ્યો સર્વશ્રી ગેનીબેન ઠાકોર, શ્રી અજમલજી ઠાકોર, શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, શ્રી પરસોત્તમ સાબરીયા, શ્રી ભીખાભાઇ બારૈયા, શ્રી અરવિંદ રાણા અને શ્રી ભરતભાઇ પટેલે વડપગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સૂઇગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ત્યાં આપવામાં આવતી સારવાર અને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી.
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખશ્રી શુંભુજી ઠાકોરે રાજ્યની આરોગ્ય સેવાઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આજે વડપગ અને સૂઇગામ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી છે. ખુબ સુંદર માળખાકીય સુવિધાઓ સાથે આરોગ્ય સેવાઓ અહીં ઉપલબ્ધ છે તે જોઇને આનંદ થાય છે. તેમણે કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે ખુબ સારું કામ થયું છે. ભારતે પોતાની સ્વદેશી રસીની શોધ કરીને ૨૦૦ કરોડ ડોઝ આપી લોકોની અમૂલ્ય જિંદગી બચાવી છે. ૧૦૦ જેટલાં દેશોમાં કોરોના વેક્શિનની નિકાસ કરવામાં આવી છે એ આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કોરોનાના કપરા કાળમાં સેવા આપનાર ર્ડાક્ટરો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફની સેવાઓને બિરદાવતાં તેમણે જણાવ્યું કે, જ્યારે પોતાના પરિવારના સ્વજનો પણ કોરોના દર્દીથી દૂર ભાગતા હતા તેવા સમયે ર્ડાક્ટરો અને મેડીકલ સ્ટાફે પોતાના જાનની પરવા કર્યા વિના જીવના જોખમે લોકોની સારવાર કરીને લોકોને નવું જીવન આપ્યું છે.
આ સમિતિના સભ્ય અને ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિએ આજે મારા મતવિસ્તારમાં આરોગ્યની સુવિધાઓનું નિરીક્ષણ કરી તેની સરાહના કરી છે.
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખશ્રી શંભુજી ઠાકોર અને સભ્યશ્રીઓએ નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના દર્શન કરી ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરની મુલાકાત લઇ સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત BSF જવાનો દ્વારા યોજાતી પરેડ અને બીટિંગ રિટ્રીટ સેરેમની નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, વિધાનસભાના ઉપસચિવશ્રી ડી. આર. મુનિયા, પ્રાંત અધિકારીશ્રી બી. કે. દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એસ.એમ.દેવ, એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. જીગ્નેશ હરીયાણી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
પશુઓમાં આવેલ લમ્પી વાઇરસને ફેલાતો અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક
જિલ્લામાં ૪૨ ટીમો ૮૪ પશુધન નિરીક્ષકો સાથે ખડેપગે
જિલ્લામાં ૯ તાલુકાઓ લમ્પી વાઇરસ અસરગ્રસ્તઃ જે ગામમાં એકપણ કેસ ન નોંધાયો હોય તેવા તંદુરસ્ત પશુઓને રસી અપાવવા પશુપાલન વિભાગની અપીલ
તાત્કાલિક સારવાર માટે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ઉપર સંપર્ક કરોઃ ૫ એનીમલ એમ્બ્યુલન્સ રાઉન્ડ ધ ક્લોક સેવામાં
(માહિતી બ્યુરો, પાલનપુર)
પશુઓમાં આવેલ લમ્પી વાઇરસથી પશુપાલકોમાં ભયનો માહોલ વ્યાપો છે પરંતુ આ વાઇરસથી બિલકુલ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. બનાસકાંઠા જિલ્લામાં હાલ ૯ તાલુકાઓમાં આ વાઇરસની અસર પશુઓમાં જોવા મળી રહી છે ત્યારે આ વાઇરસને ફેલાતો અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયસર કામગીરી હાથ ધરીને વ્યાપક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.
લમ્પી વાયરસની સારવાર, સર્વે અને અવેરનેસ માટે જિલ્લામાં ૪૨ ટીમોમાં ૮૪ પશુધન નિરીક્ષકો અને વેટર્નરી તબીબો ખડેપગે સેવા આપી રહ્યાં છે. આ વાઇરસના જિલ્લામાં હાલ સરેરાશ રોજના ૨૧૫ જેટલાં નવા કેસો નોંધાઇ રહ્યાં છે. ૧૫ ટકા જેટલો રિકવરી રેટ છે અને મૃત્યુનું પ્રમાણ માત્ર ૧ થી ૨ ટકા છે. સઘન સર્વે સાથે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે, ગઇકાલ તા. ૨૫ જુલાઇ સુધીમાં જિલ્લામાં ૨૧૦૦ ડોઝ રસીકરણ થયું છે. જે ગામમાં અત્યાર સુધીમાં આ વાઇરસનો એકપણ કેસ ન નોંધાયો હોય તેવા તંદુરસ્ત પશુઓને રસી આપવાનું કામ ચાલુ છે. તંદુરસ્ત પશુઓમાં આ રોગનો પગપેસારો ન થાય તે માટે રસી અપાવવા પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને અપીલ કરવામાં આવી છે.
મદદનીશ પશુપાલન નિયામકશ્રી ર્ડા. જે. પી. મજેઠીયાએ જણાવ્યું છે કે, લમ્પી વાઇરસ બનાસકાંઠા જિલ્લામાં ફક્ત ગાયોમાં જ જોવા મળ્યો છે. ભેંસ, ઘેંટા, બકરા કે અન્ય પ્રાણીઓમાં હજુ સુધી આ રોગ જોવા મળ્યો નથી. તેમણે પશુપાલકોને અપીલ કરી છે કે જો તમારું પશુ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત હોય તો તે પશુને સત્વેર સારવાર અપાવવી, બીજા પશુથી અલગ રાખવા અને ચરવા ન છોડવા વિનંતી છે જેથી અન્ય પશુમાં પ્રસરતા ચેપને અટકાવી શકાય. પશુઓમાં આ રોગના ચિહ્નો દેખાય તો ટોલ ફ્રી ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
ગાય- ભેંસ વર્ગના પશુઓમાં ગાંઠદાર ત્વચા રોગ (લમ્પી સ્કિન ડીસીઝ) જોવા મળે છે. વાઇરસથી થતો આ રોગ મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી ફેલાય છે.
રોગ ફેલાવવાના કારણો
- આ રોગ વાયરસ (વિષાણુ) થી ફેલાતો ચેપી રોગ છે
- ગાય અને ભેંસમાં આ રોગ ફેલાવવામાં માખી અને મચ્છર મુખ્ય પરિબળ તરીકે કામ કરે છે
- ઇતરડીને પણ રોગનો ફેલાવો કરવામાં જવાબદાર ગણવામાં આવે છે.
- સામાન્ય રીતે લોહી પીતા પરોપજીવી દ્વારા રોગીષ્ટ પશુમાંથી તંદુરસ્ત પશુમાં ફેલાય છે.
- આ એક ચેપી રોગ છે જે અસર કરતાં તરત જ ચામડીને જાડી કરે છે અને પશુ માંદુ પડે છે.
લમ્પી સ્કીન ડીસીઝ એ એક વાયરસ જન્ય રોગ છે જેનો ફેલાવો મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે.
આ રોગના લક્ષણો
- મુખ્ય રીતે પશુઓમાં સામાન્ય તાવ આવવો,
- આંખ-નાક માંથી પ્રવાહી આવે,
- મોઢામાંથી લાળ પડે,
- આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે,
- પશુનું દૂધ ઉત્પાદન ઘટે,
- ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે,
- ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક જ પશુ મૃત્યુ પામે છે. રોગિષ્ટ પશુને સાજા થવામાં ૨-૩ અઠવાડિયા જેટલો સમય લાગે છે, સાથે સાથે પશુની ઉત્પાદન ક્ષમતા ઘણા સમયે પાછી આવે છે.
આ રોગના અટકાવ અને નિયંત્રણ માટે નીચેના પગલાં લેવાથી રોગને અન્ય પશુઓમાં ફેલાતો અટકાવી શકાય છે.
- રોગિષ્ટ પશુને સૌ પ્રથમ અલગ કરવું. જેથી બીજા પશુઓમાં રોગ ફેલાય નહિ.
- રોગગ્રસ્ત વિસ્તારોમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું.
- માખી મચ્છર અને ઇતરડીના ઉપદ્રવને અટકાવવા માટે યોગ્ય દવાઓનો છંટકાવ કરવો.
- રસીકરણથી આ રોગને થતો અટકાવી શકાય છે.
- પ્રથમ રસીકરણ : છ મહિનાની ઉંમરે
- બુસ્ટર રસી: પ્રથમ રસીકરણના ૧૨ માસ પછી દર વર્ષે રસીકરણ કરાવવું.
- રસી ન મુકેલ મોટા પશુને ગમે ત્યારે રસી મૂકી શકાય છે.
____________________________________________
૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરાશે
કોઠાસૂઝ અને અડગ નિશ્વય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પડી શકે તેની પ્રતીતિ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોએ કરાવી છે. ઠંડી, ગરમી અને વર્ષા એમત્રણેય ઋતુની પરાકાષ્ઠાનો સતત સામનો કરતા આ બંને જિલ્લા આજે દૂધ ઉત્પાદનથકી ‘શ્વેત વિકાસ’ની પરાકાષ્ઠા તરફ ડગ માંડવા સજ્જ બન્યો છે. છેલ્લા અઠઠાવન વર્ષમાં સાબર ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. ‘સ્વ’ના બદલે બીજાના હિતનો વિચાર કરીને પૂજ્ય ભુરાભાઇ પટેલ ની આગેવાનીમાં સાબર ડેરીની સ્થાપના થઈ હતી જે આજે વટવૃક્ષ બની છે.
દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરાનાર છે.
દેશનાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે જેને પગલે પૂર્વ તૈયારીઓ હાથ ધરાઇ છે. સાબરડેરી ખાતે 28 જુલાઈના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડનાખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરશે જયારે રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ કરશે આ ઉપરાંત રૂ. ૬૦૦કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે કાર્યક્રમની સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી જિલ્લાના પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમજ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે.
____________________________________________
પાલનપુરની કોર્ટો તથા બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટોમાં તથા બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં તા.૧૩/૦૮/ર૦રરના રોજ ત્રીજી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કેસો જેવા સમાધાનલાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદુર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વિજળીને લગતા કેસો, મહેસુલી દાવા, દીવાની તકરારના દાવા સમાધાન માટે મૂકી શકાશે. જે કોઈપણ પક્ષકાર ભાઇ- બહેનો તેમના સમાધાન પાત્ર કેસ સમાધાન માટે મૂકવા માંગતા હોય, તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહીત જે તે કોર્ટનો સંપર્ક કરવો તથા તાલુકાના કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી પી. પી. શાહે અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________
સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ દ્વારા મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાશે
(માહિતી બ્યૂરો, પાલનપુર)
આયુર્વેદ હોસ્પિટલ, વડગામ અને લોકનિકેતન મહાવિદ્યાલય, રતનપુર દ્વારા વગદા ગામના સમસ્ત ગ્રામજનોના સહયોગથી તા. ૨૭/૦૭/૨૦૨૨ બુધવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી પ્રાથમિક શાળા, વગદા ખાતે “મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ” નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હોસ્પિટલના તબીબો દ્વારા ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કોરોનાના રોગોના ઉપદ્રવો, જીર્ણજવર, શ્વાસ, કબજીયાત, આંખોના રોગ, દાંત રોગ, કાનના રોગ, પથરી, વાઇ, બાળરોગ, સ્ત્રીરોગ, નપુસંકતા, શ્વેતપદર, સંધાના રોગ, લકવો, મસા, એ.સી.ડી.ટી, પેટના રોગ, ટી. બી, વંધ્યત્વ, ચામડીના રોગ, શરદી, તાવ, જાતીય નબળાઈ, હ્રદય રોગ, કેન્સર, એઇડ્સ, હરસ તેમજ અન્ય જુના રોગોની આયુર્વેદીક તેમજ હોમિયોપેથીક સારવાર આપવામાં આવશે. યોગ નિષ્ણાંત દ્વારા રોગાનુસાર વિશેષ યોગ માર્ગદર્શન પણ આપવામાં આવશે. જેનો જાહેર જનતાએ લાભ લેવા વિનંતી તથા આ કેમ્પમાં આવનાર દર્દીઓએ માસ્ક ફરજિયાત પહેરવું તેમજ સામાજિક અંતર જાળવવું જરૂરી રહેશે તેમ વૈદ્યપંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ જિલ્લો-બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________
મંકીપોક્સ રોગથી ગભરાવવાની જરૂર નથી... સાવચેતી જરૂર થી રાખીએ...
ગુજરાતમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી : આગોતરી તૈયારી સાથે આરોગ્ય વિભાગ સજ્જ
વિશ્વમાં ઘણાં દેશોમાં મંકીપોક્સે માથુ ઉંચક્યું છે. ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં મંકીપોક્સના જૂજ કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી. છતાં પણ આગોતરા આયોજનના ભાગરૂપે તૈયારીઓ સાથે આરોગ્યવિભાગ સંપૂર્ણપણે સજ્જ છે.
વિશ્વના કેટલાક દેશો દ્વારા મંકીપોક્સ રોગના લક્ષણો, સારવાર સંબંધિત એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેના પરથી તારણ કાઢી શકાય છે કે મંકીપોક્સ થી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂરથી રાખવી જોઇએ.
મંકીપોક્સ એક વાયરલ ઝૂનેટિક રોગ છે. જે મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે.પ્રસંગોપાત અન્ય પ્રદેશોમાં સંક્રમણ પામે છે.
મંકીપોક્સ તબીબી રીતે તાવ, ફોલ્લીઓ, લીમ્ફ નોડ પર સોજા સાથે રજૂ થાય છે. જે અન્ય તબીબી બીમારી તરફ દોરી જઇ શકે છે.
મંકીપોક્સ સામાન્ય રીતે સ્વ-મર્યાદીત રોગ છે. જેના લક્ષણો 2 થી 4 અઠવાડિયા સુધી ચાલે છે.
મંકીપોક્સ પ્રાણીમાંથી મનુષ્માં તેમજ મનુષ્યમાંથી મનુષ્યમાં સંક્રમિત થઇ શકે છે. વાયરસ કપાયેલી ત્વચા ( જો દેખાતી ન હોય તો પણ), શ્વસન માર્ગ અથવા મ્યુક્સ મેમ્બ્રેન( આંખો, નાક અથવા મોં) દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.
પ્રાણી થી માનવમાં સંક્રમણ ડંખ અથવા ખંજવાળ દ્વારા , શરીરના પ્રવાહી દ્રવ્ય અથવા જખમ સાથે સીધો સંપર્ક અથવા જખમ સાથે પરોક્ષ સંપર્ક સંક્રમિત જગ્યા દ્વારા થઇ શકે છે.
માનવી થી માનવમાં સંક્રમણ મુખ્યત્વે મોટા શ્વસન ટીપાઓ દ્વારા થાય છે તેવું માનવામાં આવે છે. જે સામાન્ય રીતે લાંબા સમય સુધી નજીકના સંપર્કમાં રહેવાથી થાય છે.
તે શરીરના પ્રવાહી દ્રવ્ય અથવા જખમ સાથેના સીધા સંપર્ક દ્વારા અને જખમ સાથે પરોક્ષ રીતે સંપર્ક દ્વારા પણ પ્રસારીત થઇ શકે છે. જેમ કે ચેપગ્રસ્ત વ્યક્તિના કપડા અથવા લિનન દ્વારા.
મંકીપોક્સની ક્લિનિકલ રજુઆત શીતળાની જેમ દેખાય છે. સંબંધિત ઓર્થોપોક્સ વાયરસનો ચેપ જેને ૧૯૮૦ માં વિશ્વભરમાં નાબૂદ જાહેર કરવામાં આવ્યો હતો. મંકીપોક્સ શીતળા કરતા ઓછું ચેપી છે અને ઓછી ગંભીર બીમારી સર્જે છે.
સંક્રમણનો સમયગાળો સામાન્ય રીતે ૭ થી ૧૪ દિવસનો હોય છે. પરંતુ તે ૫ થી ૨૧ દિવસનો થઇ શકે છે.
ચેપગ્રસ્ત વ્યક્તિ ફોલ્લીઓ દેખાવાના 1-2 દિવસ પહેલાથી રોગ ફેલાવી શકે છે અને જ્યાં સુધી તમામ સ્કેબ પડી ન જાય ત્યાં સુધી તે ચેપી રહી શકે છે.
લક્ષણો
ચહેરા, હાથ, પગ, મોં અને જનનાંગો પર ફોલ્લા સાથે ફોલ્લીઓ થવી. તાવ આવવો. માથામાં દુખાવો થવો. થાક લાગવો. અસ્વસ્થતાની લાગણી અનુભવવી અને લસિકાગ્રંથીઓ પર ગાંઠો અને સોજો થવો.મોઢા, હાથ અને પગના પંજાના ભાગથી ચાઠા અને ચકામાં પડવાની શરૂઆત થાય જે ધીમે ધીમે અન્ય ભાગોમાં પ્રસરે છે.
મંકીપોક્સના સંક્રમણથી બચવા શું કરવું જોઇએ....
મંકીપોક્સના લક્ષણો જણાઇ આવતા હોય તેવા કોઇપણ વ્યક્તિ સાથે ત્વચા- થી – ત્વચા અથવા ચહેરા- થી – ચહેરાનો સંપર્ક ટાળવો. સ્વચ્છતા જાળવવી(હંમેશા હાથ સાફ રાખવા). સુરક્ષિત સેક્સનો અભ્યાસ કરવો. સંક્રમિત વ્યક્તિની કાળજી લેતી વખતે હાથમાં મોજા અને PPE કીટ પહેરવી.
મંકીપોક્સના દર્દીને આપવામાં આવતી સારવાર...
મંકીપોક્સ થી સંક્રમિત દર્દીને સૌ પ્રથમ આઇસોલેસનમાં રાખવામાં આવે છે. આ દરમિયાન રોગ સામે રક્ષણાર્થે સપોર્ટીવ કેર થેરાપી શરૂ કરવામાં આવે છે. હાઇરીસ્ક સંક્રમણ હોય તેવા કિસ્સામાં નિષ્ણાંત તબીબની સલાહ-સૂચન મુજબ એન્ટીવાયરલ ડ્રગ આપવામાં આવે છે.
સમગ્ર સારવાર દરમિયાન દર્દીનું હાઇડ્રેશન મેઇન્ટેન કરવું પડે છે. મલ્ટી વિટામીન નિયમિત રીતે આપવામાં આવે છે. વાયરસના સંક્રમણના કારણે શરીરમાં ડેમેજ થયેલા કોષના પુન:નિર્માણમાં તે મદદરૂપ બને છે.
આ સમયગાળા દરમિયાન દર્દીને પોષણયુક્ત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે રીતે ફ્લુઇડ હેન્ડલીંગમાં ધ્યાન રાખવામાં આવે છે.
મંકીપોક્સ થી સંક્રમિત થયેલ દર્દી માટે ૫ થી ૨૧ દિવસ સુધીનો સમયગાળો અતિમહત્વનો હોય છે. જે દરમિયાન દર્દીને સતત દેખરેખ હેઠળ રાખીને જરૂરી માપદંડોને મોનીટર કરવામાં આવે છે.
____________________________________________
ટુ વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર (એલ.એમ.વી.મોટરકાર ) વાહનોની પેન્ડિંગ સીરીઝ GJ 08 માં બાકી રહેલ ગોલ્ડન અને સિલ્વર નંબરો માટેની હરાજી
(માહિતી બ્યુરો, પાલનપુર)
પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી પાલનપુર ( બનાસકાંઠા ) દ્વારા ટુ વ્હીલર, થ્રી વ્હીલ તેમજ ફોર વ્હીલર (એલ.એમ.વી. મોટર કાર) વાહનોની પેન્ડીંગ સીરીઝ GJ 08 માં ગોલ્ડન/સીલ્વર નંબરો માટેની હરાજી તા.૦૨/૦૮/૨૦૨૨ ના ખોલવામાં આવશે. તો ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ–૭ માં કરાવી ONLINE https://parivahan/gov .in/fancy ૫૨ ૨જીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે.
(૧) તા.૨૯/૦૭/૨૦૨૨ થી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન ક૨વાની ૨હેશે.
(૨) તા.૩૧/૦૭/૨૦૨૨ થી ૦૨/૦૮/૨૦૨૨ ના રોજ AUCTION નું બિડીંગ ઓપન થશે.
(૩) તેમજ તા.૦૨/૦૮/૨૦૨૨ ના રોજ હરાજીમાં સફળ થયેલ અરજદારોને નંબરની ફાળવણી કરવામાં આવશે.
વાહન સેલ લેટ૨માં સેલ તારીખથી ૬૦ દિવસ અંદરના જ અ૨જદારોએ હરાજીમાં ભાગ લેવો સમય બહારની અરજીઓ રદ ક૨વામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________
સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ ખાતે “સુવર્ણપ્રાશનનાં ટીપાં” પીવડાવવાનો કાર્યક્રમ યોજાશે
(માહિતી બ્યૂરો, પાલનપુર)
તા.૨૯ જુલાઇ -૨૦૨૨ ના શુક્રવારના રોજ પુષ્પનક્ષત્રના દિવસે જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા સુવર્ણપ્રાશનનાં ટીપાં નિ:શુલ્ક સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ સુધી પીવડાવવામાં આવશે.
સુવર્ણપ્રાશનના ફાયદાઓ:-
સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ્ય આપવાવાળુ, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય (શરીરના વર્ણને ઉજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં શ્રુતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત તેની સ્મરણશકિત ખુબ જ વધે છે તેમ વૈદ્યપંચકર્મ વર્ગ -૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ જિ.-બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
ટિપ્પણીઓ