ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૬.૦૭.૨૦૨૨

પાલનપુરમાં શાળાઓ અને મંદિર પાસે આવેલું કચરા સ્ટેન્ડ દૂર કરવા વિપક્ષ કોંગ્રેસના ધરણાં 


ધરણાંના કાર્યક્રમ પછી ફરી એ જ નર્કાગાર પરિસ્થિતિ

પાલનપુરમાં રાજગઢી વિસ્તારમાં આવેલ ત્રણ શાળા અને નાગણેજી માતાના મંદિર પાસે પાલનપુર નગરપાલિકા દ્વારા બિન અધિકૃત રીતે જાહેર માર્ગ ઉપર કચરાનું સ્ટેન્ડ બનાવી દેવામાં આવેલ છે. જ્યાં નગરપાલિકાના સફાઈ કામદારો આજુબાજુના વિસ્તારની ગટરોમાંથી નીકળતો કાદવ-કીચડ અને પ્લાસ્ટિક- કાગળ સહિતનો કચરો ફેંકીને જાય છે. નગરપાલિકા દ્વારા આ કચરો અઠવાડિયામાં માત્ર એક-બે વખત જ સાફ કરવામાં આવતો હોય બાકીના દિવસો દરમિયાન આ કચરામાં ભૂંડ, કુતરા અને ગાય,આખલા જેવા પ્રાણીઓ ખોરાક શોધવા માટે રોજ ઉમટતા હોવાથી અહીં આવેલી ત્રણ શાળાઓના બાળકો ઉપર ખતરો મંડાય છે. આ કચરાના સ્ટેન્ડમાં ફેંકાતા કાદવ-કીચડમાંથી એટલી દુર્ગંધ ફેલાય છે કે, શાળામાં ભણતા બાળકો અને શાળાના શિક્ષકો તેમજ આજુબાજુથી પસાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠે છે. આ કચરા સ્ટેન્ડ દૂર કરવા અંગે સ્થાનિક મ્યુ. સભ્ય દ્વારા અસંખ્ય વખત નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરવામાં આવી છે તેમજ ધી મેસેજ દૈનિક સહિત અન્ય અખબારો દ્વારા પણ આ અંગે અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમ છતાં નગરપાલિકાના શાસકોના પેટનું પાણી હાલતું નથી અને અહીં શાળાઓ અને મંદિર સામે નર્કાગાર પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પાલનપુર નગરપાલિકામાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અંકિતા ઠાકોર અને આ વિસ્તારના મ્યુ. સભ્ય તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સોમવારે આ કચરાના સ્ટેન્ડની જગ્યા ઉપર ધરણાં કરીને પાલનપુર નગરપાલિકાની વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને અહીંથી આ કચરાનું સ્ટેન્ડ હટાવવા માટે માંગ કરવામાં આવી હતી. વિપક્ષ કોંગ્રેસના ધરણાંના કાર્યક્રમ પછી નગરપાલિકાના સફાઈ કામદારોએ ફરીથી એ જ સ્થળ ઉપર કચરો અને કાદવ-કીચડ ફેંકવાનું ચાલુ કરતાં શાળાઓ અને મંદિર સામે ફરી એ જ નર્કાગાર પરિસ્થિતિ સર્જાઈ હતી.
____________________________________________

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઊર્જા મંત્રાલય અને ગુજરાત સરકારના સહયોગથી ' વીજળી મહોત્સવ'નું આયોજન

કુલ રૂ. 2,01,722 કરોડના ખર્ચ સાથે છેલ્લાં પાંચ વર્ષમાં વીજ વિતરણ માળખાને મજબૂત બનાવ્યું

2015માં ગ્રામીણ વિસ્તારોમાં પુરવઠાના સરેરાશ કલાકો 12.5 કલાક હતા જે હવે વધીને સરેરાશ 22.5 કલાક થયા

(માહિતી બ્યુરો, પાલનપુર)
                            રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે વીજળી મહોત્સવ નો એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે ભારત સરકારના ઉર્જા મંત્રાલય અને ગુજરાત સરકારશ્રીના સહયોગથી વીજળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 
       ઉર્જા મંત્રાલયની કેટલીક મુખ્ય ઉપલબ્ધિઓ આ મુજબની છે.વીજ ઉત્પાદનની ક્ષમતા 2014 માં 2,48,554 મેગાવોટથી હતી તે આજે વધીને 4,00,000 મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતાં 1,85,000 મેગાવોટ વધુ છે. ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે. તેમજ 1,63,000 સર્કીટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જે સમગ્ર દેશને એક જ ફ્રીક્વન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે. આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે 1,12,000 મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. પેરીસમાં યોજાયેલ કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ(COP21)માં વચન આપ્યું હતું કે 2030 સુધીમાં વીજ ઉત્પાદન ક્ષમતાના 40% રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી હશે.જે નિર્ધારિત સમય કરતાં 9 વર્ષ વહેલા નવેમ્બર 2021 સુધીમાં આ લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો દ્વારા 1,63,000 મેગાવોટ વીજળી જનરેટ કરીએ છીએ. 
         વિશ્વમાં ઝડપી ગતિએ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરી કુલ રૂ. 2,01,722 કરોડના ખર્ચ સાથે છેલ્લાં પાંચ વર્ષમાં વીજ વિતરણ માળખાને મજબૂત બનાવ્યું છે જેનાથી ખેતીવાડીના ગ્રાહકોને ખેતીવાડી ફીડરમાંથી વીજપુરવઠો સાતત્ય પૂર્વક પૂરી ક્ષમતાથી નક્કી ધારાધોરણ મુજબ મળી રહે તે માટે 2,921 નવા સબ-સ્ટેશનો બનાવીને, 3,926 સબ-સ્ટેશનોની હયાત ક્ષમતામાં વધારો કરીને, તેમજ 2,68,838 સર્કીટ કિલોમીટર ભારે વીજ દબાણની વીજ લાઈનો 6,04,465 સર્કીટ કિલોમીટર હળવા દબાણની વીજ લાઈનો ઉભી કરવામાં આવેલ છે. 2015માં ગ્રામીણ વિસ્તારોમાં પુરવઠાના સરેરાશ કલાકો 12.5 કલાક હતા જે હવે વધીને સરેરાશ 22.5 કલાક થયા છે. 
      સરકારે વીજળી (ગ્રાહકોના અધિકારો) નિયમો, 2020 રજૂ કર્યા છે જે હેઠળ નવું કનેક્શન મેળવવા માટેની મહત્તમ સમય મર્યાદા જાહેર કરવામાં આવી છે.તો ગ્રાહકો હવે રૂફ ટોપ સોલાર અપનાવીને પ્રોઝ્યુમર બની શકે છે. સમયસર બિલિંગ સુનિશ્ચિત કરવામાં આવશે. મીટર સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે સમયરેખા સૂચિત કરશે. રાજ્ય નિયમનકારી સત્તા અન્ય સેવાઓ માટે સમયરેખા સૂચિત કરશે. ડિસ્કોમ ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે 24X7 કોલ સેન્ટર સ્થાપશે. 2018 માં 987 દિવસમાં 100% ગ્રામ વિદ્યુતીકરણ (18,374) હાંસલ કર્યું.18 મહિનામાં 100% ઘરગથ્થુ વિદ્યુતીકરણ (2.86 કરોડ) પ્રાપ્ત કર્યું.જે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિફિકેશન ડ્રાઇવ તરીકે ઓળખાય છે. સોલાર પંપ અપનાવવા માટેની યોજના રજૂ કરવામાં આવી છે જેમાં - કેન્દ્ર સરકાર 30% સબસિડી આપશે અને રાજ્ય સરકાર 30% સબસિડી આપશે. આ ઉપરાંત 30% લોનની સુવિધા પણ મળશે.
        વીજળી મહોત્સવ અંતર્ગત દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મહાનુભાવો દ્વારા વીજળીના ફાયદા અને છેલ્લા કેટલાક વર્ષોમાં પાવર સેક્ટરમાં દર્શાવેલી અભૂતપૂર્વ વૃદ્ધિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નુક્કડ નાટક અને પાવર સેક્ટર પર ટૂંકી ફિલ્મોનું સ્ક્રીનીંગ પણ યોજવામાં આવ્યું હતું. ઇવેન્ટમાં લાભાર્થીઓએ પોતાના અનુભવો પણ જણાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સામાજિક અંતર અને માસ્ક પહેરવા જેવા તમામ કોવિડ સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.ઉપરાંત તમામ ઉપસ્થિતોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
      ઉર્જા મંત્રાલય, ભારત સરકાર દ્વારા ભવિષ્યમાં વધુ જનભાગીદારી માટે પાવર @2047 અને પાવર સેક્ટરના વિકાસને મોટા પ્રમાણમાં નાગરિકો સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે એમ વીજળી મહોત્સવ ઉજવણી અંતર્ગત એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ :રાજ્યના પાંચ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

રાજ્યના ૧૩ તાલુકાઓમાં બે ઈંચ વરસાદ :રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૬૬ ટકા વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૬૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૫ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન થરાદ તાલુકામાં ૧૫૦ મિ.મી., વરસાદ નોંધાયો છે જ્યારે લાખણી ૯૬ મિ.મી. કઠલાલમાં ૮૫ મિ.મી, સુઈગામ અને વડગામમાં ૮૧ મિ.મી. અને પાલનપુરમાં ૭૫ મિ.મી મળી પાંચ તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 
જ્યારે, મહેમદાવાદ તાલુકામાં ૭૨ મિ.મી., ખેરગામમાં ૬૯ મિ.મી., દાંતામાં ૬૭ મિ.મી., વાવમાં ૬૫ મિ.મી, મહુધામાં ૬૦ મિ.મી, ધાનેરામાં ૫૮ મિ.મી, ડીસામાં ૫૪ મિ.મી, અંજાર અને સતલાસણામાં ૫૨ મિ.મી., વાલિયામાં અને સંતરામપુરમાં ૫૧ મિ.મી., ભુજ અને બાલાસિનોરમાં ૫૦ મિ.મી મળી કુલ ૧૩ તાલુકાઓ માં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ૫૮ તાલુકાઓમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે અને રાજ્યમાં ચાલુ મૌસમનો કુલ સરેરાશ વરસાદ ૬૬ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૬.૩૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૦.૪૭ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૬૦.૬૯ ટકા, પૂર્વ ગુજરાતમાં ૫૬.૩૪ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૪૬.૮૨ ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
____________________________________________

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ