ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૫.૦૭.૨૦૨૨

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે કલેકટર દ્વારા અધિકારીઓની બેઠક યોજાઈ

લમ્પી વાયરસના કહેર વચ્ચે વરસાદની પરિસ્થિતિમાં પશુઓની યોગ્ય દેખભાળ માટે પશુપાલકોને જાગૃત કરવા પશુપાલન વિભાગને કલેક્ટરશ્રીનું સૂચન

કલેકટરશ્રીએ ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

(માહિતી બ્યુરો, પાલનપુર)
     સમગ્ર બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જિલ્લાના ભાભર અને સુઈગામ તાલુકામાં વધુ અને અન્ય તાલુકાઓમાં પ્રમાણસર વરસાદ છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદથી ઊભી થતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કલેકટરશ્રીએ ડિઝાસ્ટર વિભાગના કંટ્રોલરૂમની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા.
     જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, વરસાદથી ઊભી થતી પરિસ્થિતિમાં તમામ અધિકારીઓએ ફરજીયાત પણે હેડક્વાર્ટર પર રહેવું અને તેમને મળતી ફરિયાદોનો ત્વરિત રિસ્પોન્સ આપવો. પરિસ્થિતિને ધ્યાને લઈ જરૂરી જણાય તો સંબંધિત અધિકારીઓએ રૂબરૂ સ્થળની મુલાકાત લેવી. તેઓએ જણાવ્યું કે, રસ્તાઓ પર ઓવર ટોપિંગ ન થાય અને જ્યાં પાણી ભરાયું હોય એવા સ્થળે પોલીસ પોઇન્ટ મૂકી લોકોની અવર-જવર સુનિશ્ચિત કરવી. જેથી કોઈ જાનહાની ન થાય. હાલમાં બનાસ નદીમાં પાણીની આવક શરૂ થતા અમીરગઢ અને દાંતીવાડા તાલુકાના બનાસ નદીના પટમાં લોકો અવર-જવર ન કરે એ સુનિશ્ચિત કરવા. જરૂરિયાત ઉદભવે તો એન. ડી. આર. એફ. ટીમની મદદ લેવા સૂચના આપી હતી. 
     કલેકટરશ્રીએ પશુપાલન વિભાગના અધિકારીઓને જણાવ્યું કે, અત્યારે લમ્પી વાયરસની પરિસ્થિતિ અને વરસાદની પરિસ્થિતિ બંને એકસાથે છે. આ સમયે પશુપાલકો વિશેષ જાગૃતિ કેળવી પશુઓની સાર-સંભાળ રાખે એ માટે પશુપાલકોને જાગૃત કરવા. યુજીવીસીએલ એ પણ વીજ પુરવઠા સંબંધિત ફરિયાદ મળે તો ત્વરિત તેનું સમાધાન કરવું. સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો વરસાદી પાણીના લીધે પલળી ન જાય એ માટે તેને સુરક્ષિત જગ્યાએ રાખવા તેઓએ સૂચન કર્યું હતું. જ્યાં રસ્તા પર પાણી ભરાયા હોય ત્યાં તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સંકલન કરી પંપીંગ દ્વારા પાણી દૂર કરવાની કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીઓને સૂચન કર્યું હતું.
     જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે, વરસાદની આ પરિસ્થિતિમાં તમામ વિભાગોએ એકબીજાના સંકલનમાં રહીને કામ કરવાનું છે. કોઈપણ પ્રશ્ન ઉદભવે તો સાથ સહકારથી તેનું નિરાકરણ કરવાનું છે અને ગ્રામ્ય સ્તર સુધીનો સ્ટાફ અત્યારે હાજર રહે એ સુનિશ્ચિત કરવાનું છે. 
     આ બેઠક બાદ જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ સાથે ડિઝાસ્ટર શાખા ખાતે કંટ્રોલરૂમની મુલાકાત લઈ ફરજ પર હાજર કર્મચારી પાસેથી વિગતો મેળવી અને જરૂરી સૂચનો કર્યા હતા. 
     આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, માર્ગ મકાન વિભાગ, પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગ, પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ , એન.ડી.આર.એફ. ના અધિકારીશ્રી તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

પશુઓમા જોવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે રાજય સરકાર સતર્ક
¤ રાજયના ૧૪ જિલ્લાના ૮૮૦ ગામોમાં લમ્પી સ્કીન ડીસીઝનાં અસરગ્રસ્ત તમામ ૩૭,૧૨૧ પશુઓને સારવાર પૂરી પડાઈ:
¤ અસરગ્રસ્ત ગામમાં રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી, નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૨.૬૮ લાખથી વધુ પશુઓમાં રસીકરણ
¤ પશુપાલકોને તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી મળી રહે તે હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ ની ખાસ સુવિધા કાર્યરત
¤ અસરગ્રસ્ત ગામોમાં પશુપાલન ખાતાના ૧૫૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૪૩૮ પશુધન નિરિક્ષકો દ્વારા સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે
કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજી ભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પશુઓમાં લંમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી એ ઉમેર્યું કે,રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને આ રોગના નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા માટે જણાવાયું હતું જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામા સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે
મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું કે, લમ્પી સ્કીન ડીસીઝ રાજયના કુલ ૧૪ જિલ્લાઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના (૧) કચ્છ (૨) જામનગર (૩) દેવભુમિ દ્વારકા (૪) રાજકોટ (૫) પોરબંદર (૬) મોરબી (૭) સુરેન્દ્રનગર (૮) અમરેલી (૯) ભાવનગર (૧૦) બોટાદ (૧૧) જુનાગઢ (૧૨) ગીર સોમનાથ સહિત (૧૩) બનાસકાંઠા અને (૧૪) સુરતમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળ્યો છે.
લમ્પી સ્કીન ડીસીઝ એ એક વાયરસ જન્ય રોગ છે જેનો ફેલાવો મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં મુખ્ય રીતે પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાક માંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુનું દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક જ પશુ મૃત્યુ પામે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, અત્યાર સુધી રાજયના ૧૪ જીલ્લાઓમાંથી મળેલ માહિતી અનુસાર આ જિલ્લાના ૮૮૦ ગામોમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે અને તેમાં તમામ અસરગ્રસ્ત ૩૭,૧૨૧ પશુઓને સારવાર આપવામાં આવી છે. આ રોગ અંગે તાલુકા કક્ષાએથી મળેલ રોગચાળાના અહેવાલ મુજબ અત્યાર સુધી ૯૯૯ પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે.
તેમણે ઉમેર્યુ કે,અસરગ્રસ્ત ગામમાં રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી, નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૨.૬૮ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 
રાજયના આ ૧૪ જિલ્લાઓના અસરગ્રસ્ત ગામોમાં પશુપાલન ખાતાના ૧૫૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૪૩૮ પશુધન નિરિક્ષકો દ્વારા સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે અને વિશેષ પરિસ્થિતિ ને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા વધારાના ૨૬૭ આઉટસોર્સડ પશુચિકિત્સકોને વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેના માટે રાજય કક્ષાએથી અને વિભાગીય કચેરી કક્ષાએથી સતત મોનીટરીંગ અને દિશાનિર્દેશો આપવામાં આવી રહ્યા છે. 
પશુપાલન મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પશુપાલક ને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી મળી રહે તે હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ની સુવિધા સાથે જીવીકે- ઇએમઆરઆઇ, નરોડા, અમદાવાદ ખાતે પશુપાલન ખાતાના અધિકારીઓના ૨૪ કલાક મોનીટરીંગ સાથે ખાસ કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. 
આ ઉપરાંત ચોમાસાની ઋતુમાં પશુઓના રહેઠાણમાં મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે ન થાય તે માટે યોગ્ય સ્થાનિક તંત્ર દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ થાય તે માટે પણ જાણ કરવામાં આવી છે.
____________________________________________

 આધુનિક યુગમાં વિસરાયેલ પોસ્ટકાર્ડનો સદ્ઉપયોગ કરતાં શીખી રહ્યાં છે સ્વસ્તિક ઇંગ્લિશ મિડીયમના વિદ્યાર્થીઓ

          વર્ષો પહેલા આપણને આપણા સ્નેહીજનોના ખબર અંતર કે તેમની ક્ષેમકુશળતાના સમાચાર કે પછી આપણા એકબીજાના સારા નરસા પ્રસંગોના આમંત્રણ કે ખુશખબર દેખાડતી એક છબી હતી, તેનું નામ 'પોસ્ટ કાર્ડ'.
           આ પોસ્ટકાર્ડ એટલે પહેલા ના જમાનાનું એકબીજાને કાલ્પનિક રીતે રૂબરૂ કરાવતું ” Facebook ” હતું. તે સમયે, આજના ઘણા લોકો વડે હજુ પણ ઉપયોગ માં લેવાતું આ પોસ્ટકાર્ડ એ મોકલનાર અને તેને મેળવનાર બંને ને રોમાંચિત કરી દેતું હતું. આમ તો આ પોસ્ટકાર્ડ છે તો એક સામાન્ય કાગળ ની વસ્તુ. પણ તે, વખત ના લોકો માટે તે પોસ્ટકાર્ડ કોઈ અમુલ્ય વસ્તુ થી વધુ મહત્વ નું હતું.
            દુનિયાનો નિયમ છે કે ” સમય સાથે પરિવર્તન જરૂરી છે “. આ સમય ના પરિવર્તન નું ભોગ બની ગયું છે આ આપણું સૌનું એકબીજા ની સાથે કાલ્પનિક મેળાપ કરાવનાર વ્હાલું ” પોસ્ટકાર્ડ “. આજકાલ આ પોસ્ટકાર્ડ ની જગ્યાએ સંદેશવાહક બની ગયા છે, વોટસએપ,ઈ-મેઈલ, ઈ-કાર્ડ, કે પછી ફેસબુક કે ટ્વીટર. આજે, લોકો પોસ્ટકાર્ડ ને ભૂલી ગયા છે.
          એવા સમયે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ, પાલનપુરના નાના બાળકો દ્વારા શાળાના પ્રવર્તમાન પ્રમુખ રમેશભાઇ પટેલ ને પોસ્ટકાર્ડ લખીને તેમના ખબર અંતર તેમજ શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ અને શાળાની શૈક્ષણિક બાબતોનીએની જાણ કરે છે. તદઉપરાંત, પોસ્ટ કાર્ડ લખીને પોસ્ટ વિભાગ દ્વારા મૂકેલી ટપાલ પેટીમાં પોસ્ટકાર્ડ નાંખીને પોસ્ટ કાર્ડ નો વપરાશ અને તેનો ઉપયોગ કરતા શીખવે છે.
            આવી સર્જનાત્મક પ્રવૃત્તિ બદલ સ્વસ્તિક ઇંગ્લિશ મિડીયમ સ્કૂલના આચાર્યા હેતલબેન રાવલ અને શાળાના સ્ટાફને અભિનંદન આપ્યા હતાં.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ