પાલનપુર તાલુકાના ગઢ વિમળા વિદ્યાલય ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે હોસ્ટેલનું લોકાર્પણ


હોસ્ટેલ લોકાર્પણ સમારોહમાં ફિલ્મ અભિનેત્રી પદ્મીની કોલ્હાપુરીની વિશેષ ઉપસ્થિતિ
(માહિતી બ્યુરો, પાલનપુર) 
          પાલનપુર તાલુકાના ગઢ વિમળા વિદ્યાલય ખાતે ગૃહ અને રમત- ગમત રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે કુસુમબેન ઝવેરી હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હોસ્ટેલના લોકાર્પણ સમારોહમાં વિમળા વિદ્યાલયના ટ્રસ્ટીશ્રી કુમારભાઇ ઝવેરીની સાથે મુંબઇથી ફિલ્મ જગતની નામાંકિત અભિનેત્રી પદ્મીની કોલ્હાપુરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ મગરવાડા માણિભદ્ર વીરના દર્શન અને પૂજા- અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.  
           આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, આવતીકાલે અષાઢી બીજના દિવસે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની સૌથી મોટી રથયાત્રા નિકળવાની છે ત્યારે ખુબ વ્યવસ્તા વચ્ચે શિક્ષણના પવિત્ર કાર્યક્રમમાં આવવાનું થયું છે ત્યારે આ સંસ્થાની શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓ જોઇને આનંદ થાય છે. તેમણે કહ્યું કે, વિમળા વિદ્યાલયમાં ગઢ અને આજુબાજુના ગામના બાળકોના ભવિષ્યાનું ખુબ સારી રીતે ઘડતર થઇ રહ્યું છે. છેવાડાના પછાતા ગણાતા બનાસકાંઠા જિલ્લામાં નેશનલ કક્ષાની સ્કુલ બનાવીને શ્રી કુમારભાઇ ઝવેરીએ ખુબ મોટી સેવાનું કામ કર્યુ છે તેમની સેવાને હું બિરદાવું છું. મંત્રીશ્રીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના ખમીરવંતા લોકો સુરત, મુંબઇ, લંડન અને અમેરિકામાં ગયા છે પરંતુ તેઓ તેમના ગામ અને માદરે વતનને ભૂલ્યા નથી અને સમર્પિતભાવથી ગામના વિકાસ માટે કામ કરે છે. આ જિલ્લાના લોકો એક હાથે દાન કરે તો બીજા હાથને પણ ખબર ન પડે તેવી રીતે સેવાકીય કાર્યો કરે છે. તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં બનાસકાંઠાના યુવાનો હીરા ઘસવા સુરત અને મુંબઇ જતા હતા પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ વિકાસયાત્રાને લીધે આજે બનાસકાંઠા જિલ્લાએ તમામ ક્ષેત્રોમાં પ્રગતિના સોપાનો સર કર્યા છે. ખેડુતો આધુનિક ખેતી તરફ વળીને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે તેવી જ રીત આ જિલ્લાના પશુપાલકોએ બનાસ ડેરીના માધ્યમથી શ્વેતક્રાંતિ લાવી છે. તેમણે કહ્યું કે, વિમળા વિદ્યાલય ગઢ ઉત્તરોત્તર પ્રગતિ કરીને એક મોડેલ સંસ્થા બને તે માટે ગ્રામજનોએ પણ સાથ સહકાર આપવાની જરૂર છે. તેમણે ટ્રસ્ટી શ્રી કુમારભાઇ ઝવેરીને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની અન્ય સંસ્થાઓને પ્રેરણા અને દિશા મળે તેવું શ્રેષ્ઠ્ કાર્ય કર્યુ છે. 
          મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતીઓને દેશ- દુનિયામાં ખમણ- ઢોકળાવાળા તરીકે ઓળખવામાં આવતા હતા એ મહેણું ગુજરાતના યુવાનોએ અલગ અલગ રમતોમાં ગોલ્ડ અને શિલ્વર મેડલ મેળવીને ભાગ્યું છે. રાજ્ય સરકારની રમત- ગમતની નીતિઓને કારણે ગુજરાતના યુવાનો રમત-ગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતુ. મંત્રીશ્રીએ કહ્યું કે, આઝાદીના ૬૮ વર્ષ પછી ઘેર ઘેર પાણી, ગેસ કનેક્શન તથા વીજળીના બલ્બ પહોંચાડીને દેશમાં અંધારા ઉલેચવાનું કામ આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ છે.   
             આ પ્રસંગે પદ્મશ્રી ર્ડા.ઇન્દિરાબેન હિન્દુજાએ જણાવ્યું કે, મારી ઇચ્છા ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ ર્ડાક્ટર બનવાની હતી પરંતુ જેમના નામ પરથી હોસ્ટેલ બનાવવામાં આવી છે એવા કુમુમબેન ઝવેરીએ મને ગાયનેકોલોજીસ્ટ તરફ મોકલીને નવા સંશોધનો કરવાની તક આપી હતી. તેમણે કુસુમબેન ઝવેરી સાથેના પોતાના સંસ્મરણો વાગોળીને તેમની સેવાઓને યાદ કરી હતી.                     
             જાણિતી ફિલ્મ અભિનેત્રી પદ્મીની કોલ્હાપુરીએ વિમળા વિદ્યાલય ગઢ સંકુલની મુલાકાત લઇ જણાવ્યું કે, જોઇને આનંદ થાય તેવું ખુબ સરસ વિદ્યાસંકુલ ગઢમાં બનાવ્યું છે. તેમણે હિન્દી ફિલ્મના ગીતો ગાઇને વાતાવરણને સંગીતમય બનાવ્યું હતુ. 
              આ પ્રસંગે લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, નિવૃત્ત જસ્ટીસશ્રી કલ્પેશભાઇ ઝવેરી, સંસ્થાના નિયામકશ્રી હસમુખભાઇ મોદી, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી નંદાજી ઠાકોર, શ્રી ડાહ્યાભાઇ પિલીયાતર, શ્રી દિલીપભાઇ વાઘેલા, શ્રી ભરતભાઇ પરમાર, શ્રી અશ્વિન સક્સેના સહિત આગેવાનો રેન્જ આઇ.જી.શ્રી જે.આર.મોથલિયા, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૩૧.૦૧.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૨૦.૨.૨૩

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ